સાઇઝીયેસી (Schizaeaceae) : ત્રિઅંગી વનસ્પતિઓના ટેરોપ્સિડા અથવા ફિલિકોપ્સિડા વર્ગમાં આવેલા ગોત્ર ફિલિકેલ્સનું એક કુળ. તે વિભિન્ન સ્વરૂપો ધરાવતા ભૌમિક હંસરાજનું બનેલું છે. કેટલીક જાતિઓ તૃણ જેવી અને બીજી કેટલીક લાંબી પર્ણારોહી હોય છે; દા.ત., Lygodium પ્રકાંડ ભૂપ્રસારી હોય છે અથવા ભૂમિગત રોમ કે શલ્કો વડે આચ્છાદિત ગાંઠામૂળી(rhizome)નું બનેલું હોય છે; દા.ત., Mohria. પ્રકાંડ ઉપર પર્ણો કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે અને મૂળભૂત રીતે યુગ્મશાખી (dichotomous) હોય છે. Lygodiumનાં પર્ણો પિચ્છાકાર સંયુક્ત, 3 મી.થી 4 મી. લાંબાં અને આરોહી હોય છે. મધ્યરંભ (stele) આદિમધ્યરંભ (protostelic; દા.ત., Lygodium); નળાકાર મધ્યરંભ (siphonostelic; દા.ત., Schizaea) કે જાલરંભ (dictyostele) પ્રકારનો હોય છે. મૂળ અસ્થાનિક હોય છે. બીજાણુધાનીઓ પર્ણકિનારીએથી એકાકી ઉત્પન્ન થાય છે અને તે પર્ણની ચપટી રચના વડે આવરિત હોય છે. તેને આભાસી બીધાય (indusium) કહે છે. Anemiaમાં બીજાણુધાનીઓ ખુલ્લી હોય છે અને તેઓ શાખિત પર્ણિકાઓની દંડ જેવી રચનાની ધાર પરથી ઉત્પન્ન થાય છે. બીજાણુધાની અગ્ર ભાગે વલયાકાર સ્ફોટીવલય (annulus) ધરાવે છે, જેથી તેનું સ્ફોટન લંબવર્તી થાય છે. બીજાણુધાનીમાં વિપુલ પ્રમાણમાં બીજાણુઓ ઉદ્ભવે છે. બહુ ઓછી જાતિઓમાં બીજાણુધાનીઓ ધારને બદલે પર્ણની પૃષ્ઠ સપાટીએ ઉત્પન્ન થાય છે.
આકૃતિ 1 (અ) : Schizaea : અ1 S. bifida, અ2 S. dichotoma, અ3 બીજાણુધાનીઓ સહિત ફળાઉ પર્ણિકાનો ભાગ, અ4 બીજાણુધાની, અ5 અને અ6 rupestriniમાં અગ્રવલિત (circinate) પર્ણવલન; (આ) Lygodium : આ1 L. microphyllum, આ2 ફળાઉ પર્ણિકાનો ભાગ, આ3 આભાસી બીધાય વડે આવરિત બીજાણુધાનીઓ, આ4 બીજાણુધાની.
બધી પ્રજાતિઓમાં જન્યુજનક મધ્યશિરાયુક્ત વધતેઓછે અંશે હૃદયાકાર અને પૃષ્ઠ-વક્ષ (dorsovertral) ચપટો હોય છે. જોકે Schizaeaમાં તંતુમય હોય છે અને પ્રતંતુ (protonema) જેવો દેખાય છે. બીજાણુધાની અને ભ્રૂણનો વિકાસ તનુબીજાણુધાનીય (leptosporangiate) હોય છે.
આ કુળનો અતિ પ્રાચીન ઇતિહાસ છે. Senftenbergiaનાં અશ્મીઓ ઉપરિ અંગાર-યુગ(carboniferous)માં અને Klukia અને Norimbergiaનાં અશ્મીઓ રક્તાશ્મ-યુગ (Triassic) અને મહાસરટ-યુગ(Jurassic)માં પ્રાપ્ત થયાં છે.
આ કુળમાં ચાર પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે : Schizaea (30 જાતિઓ, ખાસ કરીને દક્ષિણ ગોળાર્ધમાં, મોટેભાગે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ); Lygodium (39 જાતિઓ, ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય); Anemia (90 જાતિઓ, મોટાભાગની નવી દુનિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, ભારતમાં એક જાતિ) અને Mohria (1 જાતિ, દક્ષિણ અને પૂર્વ આફ્રિકા). પિચિ-સરમોલીએ આ કુળને 5 પ્રજાતિમાં વર્ગીકૃત કર્યું છે. વધારાની પ્રજાતિ Actinostachys 13 જાતિઓની બનેલી છે.
1. pusila ઉત્તર અમેરિકાના સમશીતોષ્ણ કટિબંધમાં અને S. pennula ભારતમાં વિતરણ પામે છે. આ હંસરાજ બહુવર્ષાયુ, શાકીય અને ભૂમિગત મૂળવૃંત(root stock)-યુક્ત હોય છે. તે શુષ્કોદ્ભિદ અનુકૂલનો ધરાવે છે.
Lygodium ઘણી વાર શોભન-વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં તેની પાંચ જાતિઓ (L. japonicum, L. pinnatifidum, L. incinatum, L. microphyllum, L. flexuosum) થાય છે. આ ઉપરાંત, S. digitata, S. dichotoma અને Anemia tomentosa દહેરાદૂનના FRI (Forest Research Institute)ના વનસ્પતિ-ઉદ્યાનમાં ઉછેરવામાં આવી છે.
આ કુળને તનુબીજાણુધાનીય હંસરાજોમાં સૌથી આદ્ય ગણવામાં આવે છે.
જૈમિન વિ. જોશી
બળદેવભાઈ પટેલ