હલ (Hull) (2)

February, 2009

હલ (Hull) (2) : કૅનેડાના ક્વિબેક પ્રાંતના નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 26´ ઉ. અ. અને 75° 43´ પ. રે. તે ઑન્ટેરિયોના ઓટાવાની સામેના ભાગમાં ઓટાવા નદીના ઉત્તર કાંઠે વસેલું છે.

હલ : ઓટાવા નદી

19મી સદીમાં તે લાકડાના પીઠાની વસાહત તરીકે વસેલું અને ઇંગ્લૅન્ડના હલ પરથી તેનું નામ હલ પડેલું. સમય જતાં તે નૈર્ઋત્ય ક્વિબેકના મુખ્ય ધંધાદારી મથક અને વહીવટી કેન્દ્ર તરીકે તેમજ મહાનગર ઓટાવા માટેના ઔદ્યોગિક મથક તરીકે વિકસતું ગયું. અહીં પુષ્કળ પ્રમાણમાં લાકડાં મળી રહે છે, નજીકમાં ધોધ આવેલો હોવાથી વીજળી મળી રહે છે. અહીંના ઉદ્યોગોમાં કાગળ, કાગળનો માવો, દીવાસળી તથા ઉત્પાદકીય પેદાશોમાં સિમેન્ટ, કાપડ, કપડાં, પોલાદ અને રાચરચીલાંનો સમાવેશ થાય છે. હલ એ રોમન કૅથલિક બિશપનું પ્રાદેશિક મથક પણ છે. વસ્તી : 2001 મુજબ હલની વસ્તી 66,246 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા