હલ કોડેલ

February, 2009

હલ, કોડેલ (જ. 2 ઑક્ટોબર 1871, ઓવરટન કાઉન્ટી, ટેનેસી; અ. 23 જુલાઈ 1955, બેથેસ્કા, મેરીલૅન્ડ) : રાજનીતિજ્ઞ, કાયદાના નિષ્ણાત, સૌથી લાંબા કાળ માટે અમેરિકાના ગૃહમંત્રી અને 1945ના શાંતિ માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા. ગરીબ પરિવારના આ સંતાને પ્રારંભિક સંઘર્ષ સાથે વેરવિખેર રીતે શિક્ષણ મેળવ્યું. આ પ્રારંભિક જીવનમાં અસાધારણ રાજનીતિજ્ઞ બનવાની કોઈ તાલીમ મળી નહોતી. લિંકનની જેમ સાદા લાકડાના પાટિયાના બનેલા ઘરમાં અન્ય ચાર ભાઈઓ સાથે તેઓ ઊછર્યા. ટૂંકા સમય માટે ‘ટીચર્સ ટ્રેનિંગ સ્કૂલ’માં અભ્યાસ કર્યો અને પછી લૉ ઇન્સ્ટિટ્યૂટ, ટેનેસી ખાતે કાયદાનો અભ્યાસ કર્યો.

આ અભ્યાસને કારણે સફળ વકીલ બન્યા અને 21 વર્ષની નાની વયે, 1892માં ટેનેસી રાજ્યની વિધાનસભાના સભ્ય ચૂંટાઈ રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો. 1903થી 1907 સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં સેવાઓ આપી. થોડો સમય ન્યાયમૂર્તિ બન્યા અને 1907થી 1921 સુધી ડેમોક્રેટિક પક્ષ વતી અમેરિકાની કૉંગ્રેસમાં પ્રતિનિધિ ચૂંટાયા. આ પ્રતિનિધિત્વ દરમિયાન અમેરિકાની કેન્દ્ર સરકારના આવકવેરાના સમર્થક રહ્યા અને વુડ્રો વિલ્સનની સરકારમાં આવકવેરા તથા વારસાઈ અધિકારોના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું. લીગ ઑવ્ નેશન્સની સ્થાપનામાં સક્રિય રહ્યા. 1924–1931 દરમિયાન ફરીથી કૉંગ્રેસમાં ચૂંટાયા અને 1931માં અમેરિકાની સેનેટમાં પ્રવેશ્યા.

કોડેલ હલ

યુદ્ધનાં વર્ષો અને મહામંદી દરમિયાન તેમની કામગીરી પ્રશંસાપાત્ર બની. એથી એફ. ડી. રુઝવેલ્ટના મંત્રીમંડળમાં ગૃહમંત્રી નિમાયા અને સૌથી દીર્ઘકાલીન ગૃહમંત્રી તરીકે પ્રશસ્ય નીવડ્યા. આ કામગીરી સાથે કાયદા-નિષ્ણાતની રૂએ પરિપક્વ ચિંતન ઘડાતું ગયું. એથી દેશની આર્થિક અને વિદેશનીતિ પરસ્પર સમુચિત રીતે કામ કરે તે અંગે પ્રયાસો કર્યા. એમનો મુખ્ય નિષ્કર્ષ હતો કે આંતરરાષ્ટ્રીય બજારો પર પકડ જમાવવાની મથામણ બે દેશો વચ્ચેના સંબંધો ખરાબ કરી તે દેશોને યુદ્ધ તરફ દોરી જાય છે. આથી રાજ્યો વચ્ચેની ઊંચી જકાત(ટેરિફ)નો તેઓ ભારે વિરોધ કરતા. આમ, આંતરરાષ્ટ્રીય રાજકારણને સમજવાની સ્પષ્ટ દૃષ્ટિ સાથે તેમનાં પ્રભાવ અને વગ – બંને વિકસ્યાં. આ સૂઝને કારણે ગૃહમંત્રી છતાં રુઝવેલ્ટ-શાસનમાં ‘ગુડ નેબર પૉલિસી’ની વિદેશનીતિની રચના કરી. ‘ગુડ નેબર પૉલિસી’નો અર્થ એ હતો કે અમેરિકા પડોશી દેશો અને અન્ય લૅટિન અમેરિકાના દેશોના આંતરિક રાજકારણમાં દખલ કરશે નહિ. આથી હૈતીમાંથી સૈન્ય બોલાવી લેવાયું, ક્યુબા સાથે નવી સંધિ કરીને દરમિયાનગીરી બંધ કરી.

એક આખા દસકા દરમિયાન આ નીતિનો અમલ કરી પડોશી દેશો સાથે અમેરિકાએ સંબંધો સુધાર્યા. આમ છતાં યુરોપ પર યુદ્ધનાં વાદળો ઘેરાયાં હતાં. લીગ ઑવ્ નેશન્સ નિષ્ફળતાને આરે હતી. યુરોપનાં રાજ્યો વચ્ચે યુદ્ધબંધીની સમજૂતીઓ છતાં નાનામોટા અણબનાવો ચાલુ જ હતા. જે અંતે બીજા વિશ્વયુદ્ધ(1939–1945)માં પરિણમ્યા. આ અરસામાં પ્રમુખ રુઝવેલ્ટે તેમને એશિયન સંબંધો અંગેની નીતિઓનો દોર સુપરત કર્યો. 1941માં અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું. યુદ્ધ રોકવાના પ્રયાસોને અંતે હલ નવી શક્યતાઓ શોધવાના કામમાં લાગ્યા. પ્રાદેશિક જૂથો વચ્ચેનાં જોડાણો નિષ્ફળ નીવડ્યાં હોવાથી તેમણે આંતરરાષ્ટ્રીય સંગઠનની ભલામણ કરી. લાંબી વિચારણાને અંતે આ પ્રસ્તાવ માન્ય રહ્યો. આ માટે તેમણે અમેરિકાના ગૃહમંત્રાલય વતી એક ન્યાયી અને વાજબી દસ્તાવેજ ઘડ્યો. આ દસ્તાવેજ આગળ જતાં ‘યુનોના ખતપત્ર’ તરીકે જાણીતો બન્યો. આમ યુનોનું ખતપત્ર તેમના દ્વારા રચાયેલું. આ સંદર્ભમાં વૉશિંગ્ટન ડી.સી. ખાતે ‘ડમ્બાર્ટન ઑક કૉન્ફરન્સ’ યોજાઈ જેમાં ઉપર્યુક્ત દસ્તાવેજ ઑક્ટોબર 1944માં રજૂ થયો. જે ઘણા સભ્ય-દેશોએ મંજૂર રાખ્યો. આમ આ દસ્તાવેજની માન્યતાએ હલને વિજયી બનાવ્યા. યુનોના પ્રારંભનો યશ પ્રમુખ રુઝવેલ્ટના ગૃહમંત્રી હલને નામે જમા થયો. અલબત્ત, હલના ક્રિયાશીલ જીવનનો આ છેલ્લો અધ્યાય હતો. સિત્તેરની વયે પહોંચેલા હલે યુનોની સ્થાપનાની અપ્રતિમ સિદ્ધિ સાથે નવેમ્બર 1944માં ગૃહમંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. યુદ્ધને શાંતિમાં પરિવર્તિત કરતી સંસ્થા યુનાઇટેડ નેશન્સ ઑર્ગેનિઝેશનની સ્થાપનાને કારણે 1945માં તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.

ઘસાતી જતી તબિયતના છેલ્લા દસકામાં 1954માં તેમનાં પત્નીનું અવસાન થતાં તેમની તબિયત વધુ કથળી અને તેઓ લાંબી માંદગી બાદ હૉસ્પિટલ ખાતે અવસાન પામ્યા. છેલ્લા દસકાનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે ‘ધ મેમ્વાર્સ ઑવ્ કોડેલ હલ’ (1948) શીર્ષક ધરાવતી આત્મકથા બે ખંડોમાં પ્રકાશિત કરી હતી.

રક્ષા મ. વ્યાસ