હલ (1)

February, 2009

હલ (1) : ઇંગ્લૅન્ડના ઈશાન ભાગમાં હમ્બર નદીના મુખ પર આવેલું મોટું ઔદ્યોગિક શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 45´ ઉ. અ. અને 0° 22´ પૂ. રે. પરનો આશરે 71 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું સત્તાવાર નામ કિંગ્સ્ટન અપૉન હલ છે. હમ્બરસાઇડ પરગણામાં આવેલો તે સ્થાનિક સરકારી જિલ્લો છે. તેની બંદરી સુવિધાઓમાં ગોદામ, ગોદીઓ, મત્સ્ય ગોદીઓ અને ફેરી સેવાનાં મથકોનો સમાવેશ થાય છે. અહીંથી રોજેરોજની ફેરી સેવા રોટર્ડેમ અને ઝીબ્રુગ (નેધરલૅન્ડ્ઝ) તરફ અવરજવર કરે છે. આ શહેર ખાતે જુદી જુદી જાતના ઉત્પાદકીય એકમો આવેલા છે. તેની મહત્વની પેદાશોમાં સિમેન્ટ, રસાયણો અને કાગળનો સમાવેશ થાય છે. 2001 મુજબ તેની વસ્તી 2,43,595 જેટલી છે.

હલ યુનિવર્સિટી

1243માં ઍડવર્ડ પહેલાએ હલ અને હમ્બર નદીના જંક્શન ખાતે વાઈક(Wyke)ની વેપારી વસાહત સ્થાપેલી. ઍડવર્ડે આ સ્થળને કિંગ્સ્ટન અપૉન હલ એવું નામ આપેલું છે. તે વખતે આ સ્થળ વિશેષે કરીને તો ઈશાન ઇંગ્લૅન્ડના વિસ્તારના બંદર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. આજે આ બંદર હમ્બર નદીનાળના ઉત્તર કાંઠે વિસ્તર્યું છે. હલ શહેરમાં 1927માં હલ યુનિવર્સિટીની સ્થાપના યુનિવર્સિટી કૉલેજ રૂપે કરવામાં આવેલી છે.

જાહનવી ભટ્ટ