હરસાન્યિ જૉન ચાર્લ્સ

February, 2009

હરસાન્યિ, જૉન ચાર્લ્સ (જ. 29 મે 1920, બુડાપેસ્ટ, હંગેરી; અ. 9 ઑગસ્ટ 2000, બર્કલે, કૅલિફૉર્નિયા, અમેરિકા) : હંગેરિયન–ઑસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી અને વર્ષ 1994 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમણે હાઈસ્કૂલ-શિક્ષણ જન્મસ્થાન બુડાપેસ્ટ ખાતેના લુથેરાન જિમ્નેશિયમમાં લીધું હતું. હાઈસ્કૂલ-શિક્ષણ દરમિયાન તેમણે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટેના ગણિત વિષયને વરેલા સામયિક ‘કોમલ’ (KOMAL) (સ્થાપના : 1893)માં છપાતા ગણિતના કોયડાના જવાબ શોધવામાં દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. વળી, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે યોજાતી ગણિતને લગતી સ્પર્ધાઓમાં પણ તેમણે ઇનામો જીત્યાં હતાં. તેમના પિતા બુડાપેસ્ટમાં દવાની દુકાન ચલાવતા હતા. તેમણે પુત્ર જૉનને 1939માં ફ્રાન્સની લિયૉન્સ યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે મોકલ્યા. જોકે તેમનો અંગત રસ ગણિત અને દર્શનશાસ્ત્રના અધ્યયનમાં સવિશેષ હતો. જોગાનુજોગ 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થતાં ફ્રાન્સ છોડીને જૉન બુડાપેસ્ટ પાછા આવ્યા હતા, જ્યાં તેમણે યુનિવર્સિટી કક્ષાએ ફાર્મેકૉલૉજી વિષયનું અધ્યયન શરૂ કર્યું અને 1944માં તે વિષયમાં ડિપ્લોમા હાંસલ કર્યો. આ અભ્યાસને કારણે તેઓ લશ્કરની ફરજિયાત તાલીમમાંથી મુક્તિ મેળવી શક્યા હતા. અલબત્ત, 1944માં તેમનો અભ્યાસ પૂરો થયા પછી તેમને અગાઉ આપવામાં આવેલી મુક્તિ રદ કરવામાં આવી અને તેમને પૂર્વ તરફના યુદ્ધક્ષેત્રમાં મોકલવામાં આવ્યા. સાત માસ પછી તેમના સમગ્ર યુનિટને નાઝી શાસકોને ઑસ્ટ્રિયા ખાતેના એક કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં મોકલવામાં આવ્યા, જેમાંથી તે યુક્તિપૂર્વક છટકી ગયા અને યુદ્ધની સમાપ્તિ સુધી એક જેસ્યુઇટ ધર્મમઠમાં તેમણે શરણ લીધું.

જૉન ચાર્લ્સ હરસાન્યિ

1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ તેઓ બુડાપેસ્ટ પાછા આવ્યા હતા અને પોતાની મૂળ યુનિવર્સિટીમાંથી તેમણે 1947માં દર્શનશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની પદવી સંપાદન કરી હતી. ત્યારબાદ 1947–48માં તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપન કર્યું હતું. તે દરમિયાન માર્કસવાદીઓની વિચારસરણીનો ખુલ્લંખુલ્લા વિરોધ કરવાના ગુનાસર તેમને તેમના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદના બે વર્ષ સુધી પોતાના દેશ હંગેરીમાં રહીને તેમણે તેમની દવાની પારિવારિક દુકાન ચલાવી હતી; પરંતુ તેમની માર્કસવાદ-વિરોધી વિચારસરણીને લીધે દેશની સામ્યવાદી સરકાર તેમની દુકાન બળજબરીથી હસ્તગત કરશે એવા ભયથી તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે ઑસ્ટ્રિયા મારફત ઑસ્ટ્રેલિયા જતા રહ્યા હતા.

ઑસ્ટ્રેલિયામાં સિડની ખાતે હરસાન્યિ બપોરના સમયમાં એક ફૅક્ટરીમાં કામ કરતા અને રાત્રીના સમયમાં તેમણે સ્થાનિક યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યયન શરૂ કર્યું; જ્યાંથી તેમણે 1953માં એમ.એ.ની પદવી હાંસલ કરી. આ સિદ્ધિને કારણે 1954માં તે બ્રિસ્બેન ખાતેની ક્વીન્સલૅન્ડ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા (1954 –56). સાથોસાથ તેમણે ‘જર્નલ ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી’ અને ‘રિવ્યૂ ઑવ્ ઇકૉનૉમિક સ્ટડીઝ’ જેવા પ્રથમ કક્ષાનાં સામયિકોમાં કેટલાક લેખો પ્રકાશિત કર્યા, જેને કારણે તેમને ઠીકઠીક ખ્યાતિ પ્રાપ્ત થઈ.

1956માં તેમને રૉકફેલર શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતાં 1956–58 દરમિયાન બે વર્ષ સુધી તેમણે અમેરિકાની સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીમાં અને એક સત્ર કાઉલ્સ ફાઉન્ડેશનમાં કામ કર્યું. સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીના વસવાટ દરમિયાન તેમણે વિખ્યાત અર્થશાસ્ત્રી કૅનેથ ઍરો(1921)ના માર્ગદર્શન હેઠળ રમતના સિદ્ધાંત પર એક પ્રબંધ લખ્યો, જેનાથી વર્ષ 1959માં તેમને સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીએ ડૉક્ટરેટની પદવી આપી. તે પૂર્વે વર્ષ 1958માં તેમની વીઝાની મુદત પૂરી થતાં તેઓ ઑસ્ટ્રેલિયા પાછા જતા રહ્યા.

ઑસ્ટ્રેલિયાના આ વસવાટ દરમિયાન તેમણે કૅમ્બે ખાતેની ‘ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી’માં થોડોક સમય રમતના સિદ્ધાંત પર સંશોધન કર્યું; પરંતુ ઑસ્ટ્રેલિયાના એકંદર શૈક્ષણિક વાતાવરણથી તેમને સંતોષ થતો ન હોવાથી કૅનેથ ઍરો (1921) અને જેમ્સ ટૉબિન(1918)ની સહાયથી તેઓ ફરી અમેરિકા ગયા, જ્યાં 1961–63ના ગાળામાં તેમણે ડેટ્રોઇટ ખાતેની સ્ટેટ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરના પદ પર કામ કર્યું. સાથોસાથ તેમનું રમતના સિદ્ધાંત પરનું સંશોધન ચાલુ જ હતું. 1966–68 દરમિયાન પ્રિન્સટન યુનિવર્સિટીના નેજા હેઠળ અમેરિકાની સરકારના ‘આર્મ્સ કન્ટ્રોલ ઍન્ડ ડિસઆર્મામેન્ટ એજન્સી’ને સલાહસૂચન કરતી ‘રમતગમતના સિદ્ધાંત’ના સંદર્ભમાં નીમવામાં આવેલી નિષ્ણાતોની એક ટુકડીમાં હરસાન્યિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ખાતેના વસવાટ દરમિયાન હરસાન્યિએ લોકોની વ્યક્તિગત પસંદગીઓ અને તેમની નૈતિક પસંદગીઓ વચ્ચેના સંબંધો અને તફાવતો અંગે બે સંશોધનલેખો પ્રકાશિત કર્યા હતા. રમતગમતના સિદ્ધાંત અંગે જૉન નૅશ(1928)નાં પ્રકાશનો બાદ હરસાન્યિએ પણ તે વિષય પર કેટલાક સંશોધનલેખો 1953–88 દરમિયાન પ્રકાશિત કર્યા હતા.

1994ના નોબેલ પુરસ્કારના તેમના સહવિજેતા હતા પ્રિન્સટન યુનિવર્સિટીના જૉન નૅશ અને જર્મનીની હેનિશ ફ્રેડરિક-વિલ્હેલ્મ યુનિવર્સિટીના સેલ્ટન રિનહાર્ડ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે