હરસ્કોવિટસ્ મેલવિલે જિન (Herskovits Melville Jean)

February, 2009

હરસ્કોવિટસ્, મેલવિલે જિન (Herskovits Melville Jean) (જ. 10 સપ્ટેમ્બર 1895, બેલેફિન્ટાઇન, ઓહાયો, યુ.એસ.; અ. 1963) : અમેરિકાના શારીરિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્રના જાણીતા વિદ્વાન. તેઓ અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસના વિદ્યાર્થી હતા. તેમણે સ્નાતકની પદવી ઇતિહાસ વિષયમાં શિકાગો યુનિવર્સિટીમાંથી 1920માં મેળવી; પરંતુ તેઓ તે પછી માનવશાસ્ત્ર વિષય તરફ આકર્ષાયા અને કોલંબિયા યુનિવર્સિટીમાં ફ્રાન્સ બોઆસ પાસે 1921માં એમ.એ. થયા અને 1923માં પીએચ.ડી.ની પદવી પણ તેમના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત કરી. તેમના અભ્યાસનો વિષય ‘આફ્રિકાનાં પશુપાલક જૂથો’ હતો. આ સમય દરમિયાન તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં અધ્યાપનની કામગીરી કરી. પછીથી 1927માં નૉર્થ-વેસ્ટ યુનિવર્સિટીમાં તેઓ અધ્યાપન અને સંશોધનના કાર્ય માટે ગયા; જ્યાં તેમણે જીવનના અંત સુધી કાર્ય કર્યું.

મેલવિલે જિન હરસ્કોવિટસ્

આ યુનિવર્સિટીમાં 1947માં ‘પ્રોગ્રામ ઑવ્ આફ્રિકન સ્ટડીઝ ઍસોસિયેશન’ની સ્થાપના કરી અને અમેરિકામાં આફ્રિકન અભ્યાસો માટેની એક પ્રોફેશનલ ચૅર સ્થાપવામાં આવી, જેના તેઓ સૌથી પહેલા પ્રમુખ અને નિયામક બન્યા. તેમણે આ પછી આફ્રિકા અને આફ્રિકાવાસીઓ અંગેનાં ઘણાં સંશોધનો કર્યાં. તેમણે ડચ ગિયાના, પશ્ચિમ આફ્રિકા, હાઈતી, ટ્રિનિદાદ, બ્રાઝિલ વગેરે વિસ્તારોમાં ક્ષેત્રીય અભ્યાસો કર્યા. વળી આફ્રિકાના ‘સવા સહારા’ વિસ્તારમાં પણ અભ્યાસના હેતુથી ઘણા પ્રયાસો કર્યા. આને પરિણામે નૉર્થ વેસ્ટ યુનિવર્સિટીમાંના ગ્રંથાલયને તેમના નામ સાથે જોડી તેમને ગૌરવ આપવામાં આવ્યું. તેઓ ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ તથા એક્ઝીક્યુટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા હતા તથા તેમણે ‘અમેરિકન ઍન્થ્રોપૉલૉજિસ્ટ’ સામયિકના 1949થી 1952 સુધી સંપાદક તરીકેની કામગીરી પણ બજાવી હતી.

તેમણે પોતે અને તેમની પત્ની ફ્રાન્સી સાથે જે ગ્રંથો લખ્યા છે તે પૈકી કેટલાક નીચે પ્રમાણે છે : (1) ધ અમેરિકન નિગ્રો : અ સ્ટડી ઇન રેસિયલ ક્રૉસિંગ (1928); (2) ઍન્થ્રૉપોમેટ્રી ઑવ્ ધ અમેરિકન નિગ્રો (1930); (3) આઉટલાઇન ઑવ્ ડોહોમન રિલિજિયસ બિલીફ (1933); (4) રેબલ ડેસ્ટિની, અમંગ ધ બુશ નિગ્રોઝ ઑવ્ ડચ ગિયાના (1934); (5) લાઇફ ઇન અ હાઇટાઉ વેલી (1937); (6) સુરીનેમ ફોકલોર (1936); (7) ડોહોમી (1938); (8) ધ ઇકૉનૉમિક લાઇફ ઑવ્ પ્રિમિટિવ પીપલ (1940); (9) ધ મિથ ઑવ્ ધ નિગ્રો પાસ્ટ (1941); (10) ટ્રિનિદાદ વિલેજ (1947); (11) મૅન ઍન્ડ હિઝ વર્કસ (1948); (12) ઇકૉનૉમિક ઍન્થ્રૉપૉલૉજી (1952); (13) ફ્રાંઝ બોઅસ; ધ સાયન્સ ઑવ્ મૅન ઇન ધ મેકિંગ (1953); (14) કલ્ચરલ ઍન્થ્રૉપૉલૉજી (1955); (16) ડોહોમિયન નૅરેટિવ (1956).

તેમના આ વિવિધ સંશોધનાત્મક ગ્રંથોમાંથી ‘મૅન ઍન્ડ હિઝ વર્કસ’ અને ‘લાઇફ ઇન હાઇટાઉ વેલી’એ તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી.

અરવિંદ ભટ્ટ