હઝરા, માતંગિની (જ. 1870, હોગલા, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 સપ્ટેમ્બર 1942, તામલુક, જિ. મિદનાપોર) : દેશભક્ત, મહિલા સ્વાતંત્ર્ય-સૈનિક. માતંગિની ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મી હતી. તે અશિક્ષિત હતી. નાની ઉંમરે, તેનાં લગ્ન, પાસેના ગામના આશરે 60 વર્ષના વિધુર ત્રિલોચન હઝરા સાથે થયાં હતાં. તે માત્ર 18 વર્ષની વયે વિધવા થઈ.
તેના ગામના યુવકો પાસેથી તેણે 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ વિશે જાણ્યું. 26 જાન્યુઆરી, 1932ના દિવસે સ્વાતંત્ર્યદિનની ઉજવણી માટે ધ્વજવંદન પછી સરઘસ કાઢવામાં આવ્યું. તેમાં કેટલીક છોકરીઓ નેતૃત્વ કરતી હતી. સરઘસમાં કોઈ મહિલા ન હોવા છતાં, 62 વર્ષની માતંગિની તેમાં જોડાઈ. તેના જીવનનો આ સૌથી વધુ યાદગાર દિવસ હતો. તેણે અહિંસા દ્વારા સ્વતંત્રતા મેળવવાની પ્રતિજ્ઞા લીધી. મીઠાના કાનૂનભંગમાં તેણે સક્રિય ભાગ લીધો, કેટલાંક સરઘસોની આગેવાની લીધી અને કેટલીક વાર તેની ધરપકડ કરવામાં આવી. તેની મોટી ઉંમર ધ્યાનમાં લઈને, કેટલાક કલાક અટકાયતમાં રાખીને, પોલીસો તેને છોડી મૂકતા. આ વર્ષે 1932માં તામલુકની અદાલતમાં પોલીસનો સખત બંદોબસ્ત હોવા છતાં, તેણે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેથી તેને નિર્દયતાપૂર્વક મારવામાં આવી. તે બેભાન થઈ ગઈ અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. એક સ્ટ્રેચરમાં તેને દવાખાને લઈ જવામાં આવી.
કૉલકાતા ખાતે મેદાનમાં માતંગિની હઝરાની પ્રતિમા
ઈ. સ. 1933માં, બંગાળના ગવર્નર સર જૉન એન્ડરસન એક સભાને સંબોધન કરવા તામલુક આવ્યા ત્યારે માતંગિનીએ તેમની સમક્ષ કાળા વાવટા સહિતના દેખાવોનું નેતૃત્વ કર્યું. તેની ધરપકડ કરવામાં આવી. તેને છ મહિનાની સખત કેદની સજા કરવામાં આવી. જેલમાં તેને અનેક મહિલા કૉંગ્રેસ-કાર્યકરોનો પરિચય થયો અને રાષ્ટ્રવાદી ચળવળ વિશે તેને ઘણું જાણવા મળ્યું. તે નિયમિત કાંતતી અને ખાદી પહેરતી. કોમી એકતા, ગરીબોની સેવા, અસ્પૃશ્યતાનિવારણ વગેરે રચનાત્મક પ્રવૃત્તિમાં તે ઘણો સમય આપતી. મિદનાપોર જિલ્લાના કૉંગ્રેસ-કાર્યકરો તેના મહેમાન બનતા. તેને ગાંધીજી માટે પુષ્કળ અહોભાવ હતો.
‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન, 29 સપ્ટેમ્બર, 1942નો દિવસ તામલુકના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાયેલ છે. તે દિવસે અહિંસક સ્વયંસેવકોની પાંચ ટુકડીઓએ તામલુકની અદાલત અને પોલીસસ્ટેશનનો કબજો લેવા પાંચ મુખ્ય માર્ગો પર કૂચ કરી. તેમાંના સૌથી મોટા સરઘસમાં માતંગિની હતી. તે સરઘસની આગેવાની લેવા ઇચ્છતી હતી; પરંતુ તે વખતે મહિલાઓની સલામતી જોવામાં આવતી. તેથી શિસ્તબદ્ધ સૈનિકની જેમ તે પાછળ રહી. અદાલત પાસે શસ્ત્રસજ્જ સૈનિકો પાસે સરઘસ આવ્યું ત્યારે સૈનિકોએ અટકી જવાનો હુકમ કરી, બંદૂકો તાકી એટલે સરઘસ અસ્તવ્યસ્ત થયું. આ દૃશ્ય જોઈને માતંગિની આગળ આવી, રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને સરઘસનું નેતૃત્વ લીધું. મૂર્તિમંત થયેલી તે ‘હિંદદેવી’એ સત્યાગ્રહીઓને સંબોધી માતૃભૂમિની મુક્તિ કાજે પોતાના મોંઘેરા જીવનનું બલિદાન દેવા ઉત્તેજ્યા. તેના પ્રવચનના પ્રભાવથી યુવાનો સરઘસમાં ગોઠવાઈને આગળ વધ્યા. સૈનિકોએ રોકવા છતાં માતંગિનીના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહીઓ ‘વંદે માતરમ્’ અને ‘ગાંધીજી કી જય’ પોકારતા, બંદૂકો અને સૈનિકોની પરવા કર્યા વિના આગળ વધ્યા. ગોળીબાર થતાં એક સૈનિકની ગોળી તેને પગમાં વાગવા છતાં, તે ધ્વજ સહિત આગળ ધસી. બીજી ગોળી હાથમાં વાગી. ‘વંદે માતરમ્’ પોકારીને આગળ ધસતી માતંગિનીના કપાળમાં ત્રીજી ગોળી વાગી અને તે શહીદ થઈ ! છતાં તેના હાથમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકતો હતો. ગાંધીજીના ‘કરેંગે યા મરેંગે’ શબ્દો તેણે સાર્થક કર્યા.
જયકુમાર ર. શુક્લ
બંસીધર શુક્લ