હજારી ગલગોટા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની ‘મેરીગોલ્ડ’ તરીકે જાણીતી વનસ્પતિજાતિઓ. આ જાતિઓ Tagetes નામની પ્રજાતિમાં મૂકવામાં આવી છે. તે મૅક્સિકો અને અમેરિકાના અન્ય ગરમ ભાગોની મૂલનિવાસી છે અને ઉષ્ણ તથા ઉપોષ્ણ પ્રદેશોમાં પ્રાકૃતિક (naturalized) બની છે. જોકે મેરીગોલ્ડ નામ ઍસ્ટરેસી કુળની સોનેરી કે પીળા સ્તબક (capitulum) ધરાવતી પ્રજાતિઓ માટે પણ આડેધડ આપવામાં આવે છે. ભારતનાં ઉદ્યાનોમાં તેની પાંચ જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે.
હજારી ગલગોટા : (અ) ‘વેનિલા’ જાત; (આ) ‘સફારી’ જાત
Tagetes erecta L. (સં. સ્થૂલપુષ્પી; હિં., બં. ઝેંડુ; મ. રાજા-ચા-ફૂલ, ઝેંડુ; મું. મખમલ, ગુલ-જાફરી; ગુ. ગલગોટા) મજબૂત, શાખિત, 70–80 સેમી. ઊંચી શાકીય જાતિ છે. તેનો ફેલાવો સારો હોય છે. તેનાં પર્ણો પક્ષવત્ (pinnately) છેદનવાળાં અને ખૂબ સુગંધિત હોય છે. તેના ખંડો 1.5 સેમી. લાંબા, ભાલાકાર કે લંબચોરસ અને દંતૂર (serrate) હોય છે. એક જ પુષ્પ જેવો દેખાતો સ્તબક 8.0–9.0 સેમી. વ્યાસવાળો અને ઘેરા પીળા કે સોનેરી નારંગી રંગનો પુષ્પવિન્યાસ છે. કિરણ પુષ્પકો (ray florets) લાંબા, નહોર આકારનાં કે પંખાકાર(quilled)નાં હોય છે. નિચક્ર (involucre) ઘંટાકાર (campanulate) હોય છે. ચર્મફળ (achene) 6–7 મિમી. લાંબું અને રોમગુચ્છ (pappus) શલ્કી હોય છે.
આફ્રિકન મેરીગોલ્ડ ઉદ્યાનનો ખૂબ જાણીતો છોડ છે. તેના ચળકતા પીળા રંગને કારણે કર્તિત પુષ્પો (cut flowers) માટે અને ઉદ્યાનમાં બીજી હરોળની સીમા (border) બનાવવા માટે ઉપયોગ થાય છે. તેના પુષ્પના હાર પણ બનાવવામાં આવે છે. તેનો છેદિત પર્ણસમૂહ (foliage) ઉદ્યાનમાં સુંદર દેખાતો હોય છે.
તેનું વાવેતર સરળ હોય છે. તેની મુખ્ય જરૂરિયાતો ફળદ્રૂપ જમીન અને ખુલ્લો સૂર્યપ્રકાશ છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા કે તાજા પ્રકાંડના કટકારોપણ (cutting) દ્વારા થાય છે; અને ભેજવાળી મૃદા(soil)માં વાવવામાં આવે છે. તેના ધરુ ઉછેરી 20–25 સેમી.ના અંતરે રોપવામાં આવે છે. ધરુ રોપ્યા પછી લગભગ 2.5 મહિને પુષ્પનિર્માણ થાય છે અને 3–5 મહિના સુધી પુષ્પો આપે છે. ખાતર અને પાણીથી પુષ્પો વધારે બેસે છે અને લાંબા સમય સુધી મળે છે. કૂંડામાં ઉગાડેલા છોડમાં પુષ્પનિર્માણ વહેલું થાય છે અને પુષ્પો પુષ્કળ પ્રમાણમાં ઉદભવે છે. ખીલેલાં પુષ્પોની લણણી કરવામાં આવે છે. પ્રતિ હેક્ટરે 3,000 કિગ્રા. પુષ્પો અને 30,000 કિગ્રા. છોડ મળે છે.
પર્ણો અને પુષ્પોને Alternaria zinnic નામની ફૂગનો ચેપ લાગે છે. તેમને બૅક્ટેરિયાનો સુકારો પણ લાગુ પડે છે. તેને પરિણામે પર્ણ પર વ્રણ ઉત્પન્ન થતાં તીવ્ર વિરંજન (discolouration) થાય છે અને અંતે વિપત્રણ (defoliation) થાય છે.
તાજાં પુષ્પોવાળા છોડોનું બાષ્પ-નિસ્યંદન (steam-distillation) કરતાં તીવ્ર, મીઠી અને લાંબો સમય ટકી રહેતી ગંધવાળું ગલગોટાનું તેલ ઉત્પન્ન થાય છે. જે દાવના(Artemisia pallens)ના તેલની યાદ આપે છે. ગલગોટાના તેલમાં d-લિમોનિન 32.0 %, ઓસિમિન 25.6 %, 1-લિનેલિલ એસિટેટ 12.7 %, 1-લિનેલૂલ 9.8 %, ટેજીટોન 6.2 % અને n-નોનિલ આલ્ડિહાઇડ 2.4 % હોય છે. તેલમાં પુષ્પની વાસ હોય છે અને તે મીણનો ગુણધર્મ ધરાવે છે. તેનો ખાસ ઉપયોગ અત્તર ઉદ્યોગમાં થઈ શકે છે. પૂરા ખીલેલા પાકમાંથી પ્રતિ હેક્ટરે 3 કિગ્રા. જેટલું તેલ પ્રાપ્ત થાય છે.
પુષ્પોમાં કેટલાંક રંજકદ્રવ્યો હોય છે. ભારતીય પ્રકારોમાં ક્વિર્સેટેજેટિન અને ક્વિર્સેટેજેટ્રિન પુષ્પનિર્માણની શરૂઆતમાં પ્રાપ્ત થતાં રંજકદ્રવ્યો છે. કૅમ્પ્ફૅરિટ્રિન અને હેલેનિયેન રૂમાની જાતોમાં મળી આવે છે. સરે (યુ.કે.) અને ફ્લોરિડા(યુ.એસ.)નાં પુષ્પોમાંથી કેટલાંક કૅરોટિનોઇડ ઓળખાયાં છે. દલપત્રોમાં રહેલું ઝેન્થોફિલ મરઘીનાં બચ્ચાંઓને ખોરાકમાં આપવામાં આવે છે; જેથી તેમની ચામડીનો રંગ અને તેમનાં ઈંડાં પીળા રંગનાં બને. જમીન પર પડેલાં સૂકાં પુષ્પકોના ચૂર્ણનો પણ ઉપર્યુક્ત હેતુ માટે ઉપયોગ થઈ શકે છે. પુષ્પોનો જલીય નિષ્કર્ષ ગ્રામ-ધનાત્મક બૅક્ટેરિયા સામે સક્રિયતા દર્શાવે છે.
બીજમાં 24 % પ્રોટીન અને 20 % તેલ હોય છે. તેમાં આલ્કેલૉઇડોની હાજરી માલૂમ પડી છે. મૂળમાં બાઇથાયેનિલ અને થોડુંક ટરથાયેનિલ મળી આવે છે. આ સંયોજનો કૃમિનાશક (nematocidal) સક્રિયતા દાખવે છે. મૂળનો નિષ્કર્ષ Meloidogyne નામના સૂત્રકૃમિનાં ઈંડાંનો નાશ કરે છે.
વનસ્પતિનો આસવ સંધિવા, શરદી અને શ્વસનીશોથ(bronchitis)માં ઉપયોગમાં લેવામાં આવે છે. મૂળનો નિષ્કર્ષ રેચક ગુણધર્મ ધરાવે છે. પર્ણો મૂત્રપિંડની તકલીફો તથા સ્નાયુના દુખાવામાં વપરાય છે અને દાઝ્યા પર તથા ગૂમડા પર લગાડવામાં આવે છે. પર્ણોનો રસ કાનના દુખાવામાં ઉપયોગી છે. પર્ણો અને પુષ્પકો આર્તવજનક (emmenagogue) ગુણધર્મ ધરાવે છે. તેમનો આસવ કૃમિહર (vermifuge), મૂત્રલ (diuretic) અને વાતહર (carminative) હોય છે. પુષ્પકો આંખના રોગો અને ચાંદાંઓની ચિકિત્સામાં વપરાય છે. ધાર્મિક પ્રસંગોમાં પુષ્પો સુશોભનના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
minuta Linn. syn. T. glandulifera Schrank (સ્ટિન્કિગન્રોગર) પુષ્કળ પ્રમાણમાં સુવાસિત, એકવર્ષાયુ 1–2 મી. ઊંચી અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી જાતિ છે. તે પડતર જમીનો પર કે શુષ્ક સ્થળોએ ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં 1250–2500 મી.ની ઊંચાઈએ થાય છે. તેનાં પર્ણો 7 –15 સેમી. લાંબાં હોય છે અને પક્ષવત્ નિદર (pinnatisect) પ્રકારનું છેદન ધરાવે છે. પર્ણો 11–19 ખંડોનાં બનેલાં હોય છે. પ્રત્યેક ખંડ 4.0 કે તેથી વધારે સેમી. લાંબા, રેખીય કે ભાલાકાર હોય છે. પુષ્પવિન્યાસ આછા પીળા રંગનો અને તોરા (corymb) સ્વરૂપે ગોઠવાયેલા ગુચ્છોનો બનેલો હોય છે. ચર્મફળ કાળા રંગનાં હોય છે.
વન્ય વનસ્પતિઓમાંથી બાષ્પનિસ્યંદન દ્વારા તેલ મેળવવામાં આવે છે. તે આનંદદાયક સુવાસ ધરાવે છે. તેના બંધારણમાં અરોમાડેન્ડ્રિન 17.3 %, ટેજીટોન 15.4 %, ફિનિલ ઇથાઇલ આલ્કોહૉલ 15.4 %, ઓસિમિન 15.0 %, સેલિસિલઆલ્ડિહાઇડ 7.9 %, ફિનિલએસિટાલ્ડિહાઇડ 3.5 %, 2–હૅક્ઝિન–1–આલ 3.5 %, યુડેસ્મોલ 2.2 %, લિનેલિલ એસિટેટ 1.8 % અને અજ્ઞાત કાર્બોનિલ સંયોજન 5.0 % તથા લિમોનિન અને લિનેલૂલ અતિઅલ્પ પ્રમાણમાં હોય છે. તેલનું ટેજીટોન અને ઓસિમિનને કારણે સહેલાઈથી બહુલીકરણ (polymerization) થાય છે; તેથી હવા, ભેજ અને પ્રકાશની સંપૂર્ણ ગેરહાજરીમાં તેનો સંચય થઈ શકે છે. ભારતમાં ઉગાડાતી ગલગોટાની જાતિઓમાં T. minuta દ્વારા સૌથી વધારે પ્રમાણમાં બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. આ તેલમાં કાર્બોનિલ દ્રવ્ય સૌથી વધારે પ્રમાણમાં હોય છે અને તેને ટેજીટોન તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. ટેજીટોનની હાજરીને કારણે તે વિષાળુ હોય છે અને તેથી તેનો ઉપયોગ અત્તર ઉદ્યોગ પૂરતો મર્યાદિત છે.
Dysdercus koenigii F. પર ટેજીટોનને કારણે તેલ શૈશવ અંત:સ્રાવ (juvenile hormone) ધનાત્મક સક્રિયતા દાખવે છે. ટેજીટોન અત્યંત સક્રિય શૈશવ અંત:સ્રાવ તુલ્યરૂપ (analogue) છે. પાયરેથ્રમ સાથે તેલ યોગવાહી (synergistic) સક્રિયતા દર્શાવતું હોવાથી તેલનું મહત્વ વધારે વધે છે.
સમગ્ર છોડનો ઇથેનોલીય નિષ્કર્ષ રાનીખેત-રોગના વિષાણુ સામે પ્રતિવિષાણુક (antiviral) અસર દાખવે છે. મૂળમાં બાઇથાયેનિલ વ્યુત્પન્નો હોવાથી કૃમિનાશક ગુણધર્મ ધરાવે છે. તમાકુનાં ખેતરોમાં તેને ઉગાડતાં તમાકુના મૂળને સૂત્રકૃમિ દ્વારા થતા ગાંઠના રોગની આવૃત્તિ (frequency) ઘટી જાય છે. છોડ તીવ્ર ઇયળનાશક (larvicidal) અસર આપે છે અને બ્લોફ્લાય પ્રતિકર્ષી (repellent) છે. તે ગાયોને વિષાક્તન (poisoning) કરે છે. તે દૂધ અને માખણ બગાડે છે. છોડનો રસ આંખ અને ત્વચામાં પ્રકોપન (irritation) કરે છે.
સારણી : ભારતીય ગલગોટાની જાતિઓના તેલની લાક્ષણિકતાઓ
ઉત્પાદન % | વિ. ગુ.
(specific gravity) |
વક્રીભવનાંક | પ્રકાશિક ધૂર્ણન
[]D |
ઍસિડ મૂલ્ય | એસ્ટર મૂલ્ય | કાર્બોનિલ,
C10H18O તરીકે % |
|
T. erecta (પુષ્પિત)
– પુષ્પો પર્ણો પ્રકાંડ |
0.01 (શુષ્કતાને આધારે 0.06)
0.017 0.050 0.009 |
0.9184
– – 0.9360* 0.9526* 0.9326* |
1.4944
– – 1.5025 † 1.5027 † 1.4975 † |
– 3.0°
– – + 1.2° + 4.2° – 6.6° |
3.5
– – 5.4 2.3 12.7 |
31.7
– – 33.5 50.2 30.8 |
13.9
– – 23.5 45.9 24.5 |
T. lucida | – | 1.5218 (15°) | – | – | 6.0 | 22.0 | – |
T. minuta (પુષ્પિત) | 0.500 (શુષ્કતાને આધારે 1.0) | 0.8705 | 1.4954 | + 5.1° | 0.4 | 20.2 | 45.3 |
T. patula (પુષ્પિત)
– |
0.14 (શુષ્કતાને આધારે 0.45) | 0.8859
– – |
1.4979
– – |
– 2.5°
– – |
1.6
– – |
26.0
– – |
17.4
– – |
પુષ્પો | 0.027 | 0.8917** | 1.4923 (28° સે.) | – 3.4° | 6.1 | 25.0 | 40.4 |
પર્ણો | 0.137 | 0.8900** | 1.4995 ‡ | + 3.5° | 2.9 | 31.3 | 42.5 |
પ્રકાંડ | 0.037 | 0.8828** | 1.4872 ‡ | – 7.4° | 9.1 | 26.0 | 26.3 |
T. tenuifolia
(પુષ્પયુક્ત) |
0.030 (શુષ્કતાને આધારે 0.1) | 0.8807 | 1.4905 | – 5.1° | 1.8 | 32.7 | 13.5 |
પુષ્પો ક્ષુધાપ્રેરક (stomachic), વિરેચક (aperient), મૂત્રલ અને પ્રસ્વેદક (diaphoretic) હોય છે. તેઓ બાષ્પશીલ તેલ ધરાવે છે; જે પ્રશાંતક (tranquillizing), અલ્પરક્તદાબી (hypotensive), ઉદ્વેષ્ટહર (spasmolytic), શ્વસનીવિસ્ફારક (bronchodilatory) અને પ્રતિ-શોથજ (anti-inflammatory) ગુણધર્મો ધરાવે છે.
patula Linn. (હિં., બં. ઝેંડુ; ગુ. ગલગોટા, હજારી; મુંબઈ : મચમુલ, ગુલ્જાફીરી; અં. ફ્રેંચ મેરીગોલ્ડ) એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, નાની શાકીય જાતિ છે અને તલભાગેથી શાખાઓ ઉત્પન્ન કરે છે. તે મૅક્સિકોની મૂલનિવાસી છે. સમગ્ર ભારતનાં ઉદ્યાનોમાં 1350 મી.ની ઊંચાઈ સુધી વાવવામાં આવે છે. તેનાં પર્ણો 5–10 સેમી. લાંબાં અને પક્ષવત્ છેદનવાળાં હોય છે. પર્ણોના ખંડો 1–3 સેમી. લાંબા, રેખીય-ભાલાકાર (linear-lanceolate) અને દંતુર હોય છે. સ્તબક એકાકી, રતાશ પડતો પીળો કે નારંગી રંગનો અને લાલ ચિહનોવાળો તથા 2.5–12.5 સેમી. લાંબો હોય છે.
તેના ધરુ તૈયાર કરી 20 સેમી.ને અંતરે રોપવામાં આવે છે. ધરુ રોપ્યા પછી 2-2.5 મહિને પુષ્પનિર્માણ થાય છે. પુષ્પોનો બેસારો 3-4 મહિના સુધી ચાલુ રહે છે. ક્યારેક ટોચનો ભાગ કાપી નાખવાથી નવી ફૂટ આવે છે. તેના પર પણ પુષ્પો બેસે છે.
પશ્ચિમ ભારતમાં આ જાતિ મોટે પાયે વાવવામાં આવે છે. કેટલાંક સ્થળોએ તે પ્રાકૃતિક બની છે. ખીલેલાં પુષ્પોવાળી અવસ્થામાં તે પ્રતિ હેક્ટરે લગભગ 2,500 કિગ્રા. પુષ્પો અને 25,000 કિગ્રા. છોડનું ઉત્પાદન આપે છે.
તેનાં પુષ્પો પૂજામાં, સુશોભનમાં, પુષ્પગુચ્છ કે છડી અથવા હાર બનાવવામાં કે ફૂલદાનીમાં વપરાય છે.
વનસ્પતિના બધા હવાઈ ભાગો અને કેટલીક વાર પુષ્પોનું બાષ્પનિસ્યંદન કરી પીળાશ પડતા બદામી રંગનું, તરલ બાષ્પશીલ તેલ મેળવવામાં આવે છે. હવા અને ભેજના સંપર્કમાં આવતાં ઘેરા રંગનું અને ઘટ્ટ બની જાય છે. અત્તર ઉદ્યોગમાં તેનું સારું બજાર છે. તાજાં પુષ્પોવાળી વનસ્પતિઓમાંથી પ્રતિ હેક્ટરે લગભગ 35 કિગ્રા. તેલ મેળવી શકાય છે. ભારતીય અત્તરોમાં ‘અત્તર-ઝેંડુ’ પ્રખ્યાત છે.
પુષ્પોમાં પટુલેટિન (6–0–મિથાઇલક્વિર્સેટેજેટિન), પટુલેટ્રિન (પટુલેટિન–7–મોનોગ્લુકોસાઇડ) નામનાં રંજકદ્રવ્યો માત્ર પુષ્પનિર્માણની શરૂઆતમાં અને કલિકાઓમાંથી તથા સાયનિડિન ડાઇગ્લાયકોસાઇડ મળી આવે છે. ભારતીય જાતોમાંથી ક્વિર્સેટેજેટિન અને ક્વિર્સેટેજેટ્રિન T. erectaની જેમ પ્રાપ્ત થતાં નથી; પરંતુ રૂમાની જાતોમાં તે બંનેનું પટુલેટિન અને પટુલેટ્રિનની સાથે અલગીકરણ કરવામાં આવ્યું છે. રૂમાની જાત હેલેનિયન (1.05 %) ધરાવે છે, જે નેત્રપટલનાં કેટલાંક કાર્યમાં લાભદાયી છે.
પુષ્પોનો જલીય નિષ્કર્ષ ગ્રામ ધનાત્મક બૅક્ટેરિયા સામે સક્રિયતા દાખવે છે. સમગ્ર વનસ્પતિ જર્મન અને અમેરિકન વંદાઓ માટે વિષાળુ હોય છે. મૂળ કૃમિનાશક પૉલિથાયેનિલો ધરાવે છે. ટરથાયેનિલ અલ્પ પ્રમાણમાં હોય છે. શુષ્ક કિરણપુષ્પકો કેટલીક વાર કેસર સાથે અપમિશ્રિત (adulterated) કરવામાં આવે છે, પરંતુ તે પાણીમાં આછો રંગ આપે છે.
મૂળ અને બીજ રેચક હોય છે. પર્ણો ત્વચા પ્રકોપિત કરતાં કેટલાક ઘટકો ધરાવે છે. તાજાં પુષ્પોમાંથી પ્રાપ્ત કરેલું તેલ કરોડરજ્જુ મજ્જા પર લકવાની અસર ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ પ્રતિરોધી (antiseptic) અને કીટપ્રતિકર્ષી તરીકે તથા વાળ ધોવા માટે થાય છે. પુષ્પો ઉત્તેજક (stimulant) અને કૃમિહર (anthelmintic) ગુણધર્મો ધરાવે છે. તેના રસમાં આયોડિન હોય છે અને તેનો ઉપયોગ ઈજાઓ અને વ્રણ ઉપર થાય છે. પુષ્પોનો કાઢો વાતહર (carminative) હોય છે.
બટાટાની સાથે તેનું આંતર-વાવેતર કરતાં બટાટાના મૂળમાં થતા ગાંઠના રોગનું નિયંત્રણ થાય છે. તે નીંદણની વૃદ્ધિ અટકાવે છે. તેનો લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે.
lucida Cav. (સ્વીટ-સેન્ટેડ મેરીગોલ્ડ) 30–45 સેમી. ઊંચી, બહુવર્ષાયુ જાતિ છે અને મૅક્સિકોની મૂલનિવાસી છે. તેનાં પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), 5–10 સેમી. લાંબાં અને દંતુર હોય છે. પુષ્પવિન્યાસ નારંગી-પીળો હોય છે અને અગ્ર ભાગે ગુચ્છોમાં ઉત્પન્ન થાય છે. તેનો ઉદ્યાનોમાં સીમા બનાવવામાં ઘણી વાર ઉપયોગ થાય છે.
છોડનો ઉપયોગ ખોરાકમાં સૂપના એક ઘટક તરીકે થાય છે. પર્ણો અને પુષ્પવિન્યાસનો ઉપયોગ નહાવાના પાણીને સુવાસિત બનાવવામાં થાય છે. છોડના બાષ્પનિસ્યંદનથી લીલાશ પડતું પીળું તેલ ઉત્પન્ન થાય છે. તેલમાં ઇસ્ટ્રેગોલ વિપુલ પ્રમાણમાં હોય છે. બીજમાં શુષ્કતાને આધારે 21.2 % જેટલું પ્રોટીન અને 11.4 % મેદીય તેલ હોય છે. તે આલ્કેલૉઇડો અને ટેનિન ધરાવે છે.
tenuifolia Cav. syn. T. signata Bartl. (સ્ટ્રિપ્ડ મેરીગોલ્ડ, પટ્ટિત ગલગોટા) એકવર્ષાયુ, 30–60 સેમી. ઊંચી, શાખિત જાતિ છે અને મૅક્સિકોની મૂલનિવાસી છે. તેનાં પર્ણો પક્ષવત્ છેદનવાળાં, રેખીય અને દંતુર હોય છે. પુષ્પવિન્યાસ ચળકતો પીળા રંગનો અને 2.5 સેમી. જેટલો વ્યાસ ધરાવે છે. ખીલેલાં પુષ્પોવાળો પાક પ્રતિ હેક્ટરે 2,250 કિગ્રા. પુષ્પો અને 22,500 કિગ્રા. છોડ ઉત્પન્ન કરે છે.
પુષ્પનિર્માણ-અવસ્થાએ સમગ્ર તાજા છોડનું બાષ્પનિસ્યંદન કરતાં આનંદદાયી સુવાસ આપતું તેલ ઉત્પન્ન કરે છે. તેલમાં અરોમાડેન્ડ્રિન 18.4 %, ટેજેટોન 13.5 %, ઓસિમિન 11.0 %, ફિનિલઇથાઇલ આલ્કોહૉલ 9.1 %, α-ટર્પેનિયોલ 8.8 %, યુડેસ્મોલ 3.6 %, લિમોનિન 2.7 % અને β-ફિનિલ ઇથાઇલ-મિથાઇલ ઈથર 2.1 % અને અજ્ઞાત ફિનોલ હોય છે. પાક દ્વારા પ્રતિ હેક્ટરે 6.75 કિગ્રા. તેલનું ઉત્પાદન થાય છે. પુષ્પોમાં હેલેનિયેન (0.45 %) હોય છે.
ઑસ્ટ્રેલિયન મેરીગોલ્ડ નામની ગલગોટાની નવી જાત બજારમાં મુકાઈ છે. તે 2.0 મી. જેટલી ઊંચી થાય છે. પુષ્પવિન્યાસ મોટા, 12–13 સેમી. વ્યાસવાળા અને વધારે આકર્ષક હોય છે. ગુજરાતમાં આ જાત હજુ સુધી જોવા મળી નથી.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ