સ્વરાજ્ય પક્ષ : ધારાસભાઓમાં ચૂંટાઈને સરકારને ‘અંદરથી’ બંધારણીય લડત આપવા કૉંગ્રેસની અંદર જ દેશબંધુ ચિત્તરંજન દાસ તથા મોતીલાલ નેહરુએ જાન્યુઆરી, 1923માં સ્થાપેલો રાજકીય પક્ષ. ગાંધીજીએ અસહકારનું આંદોલન ફેબ્રુઆરી 1922માં બંધ રાખ્યું અને તે પછી તેમની ધરપકડ થઈ. ત્યાર બાદ દેશ સમક્ષ કોઈ કાર્યક્રમ રહ્યો નહિ. તેથી લોકોમાં હતાશા ફેલાઈ અને તેમનો જુસ્સો મંદ પડી ગયો. તેથી બ્રિટિશ સરકારની દમનનીતિનો વિરોધ કરવા અને અસહકારના આંદોલનથી લોકોમાં આવેલી રાજકીય જાગૃતિ તથા એકતા ટકાવી રાખવા માટે લોકોને વૈકલ્પિક કાર્યક્રમ આપવાના હેતુથી સ્વરાજ્ય પક્ષ સ્થાપવામાં આવ્યો હતો.
મોતીલાલ નહેરુ ચિત્તરંજન દાસ
ડિસેમ્બર, 1922માં ગયા મુકામે મળેલા કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં તેના પ્રમુખ ચિત્તરંજન દાસે પોતાના ભાષણમાં કૉંગ્રેસના સભ્યોને ધારાસભાઓની ચૂંટણી લડી, તેમાં બહુમતી મેળવી, સરકારના કાર્યને અંદરથી થંભાવી દેવાનો કાર્યક્રમ અપનાવવા વિનંતી કરી. પરંતુ ચક્રવર્તી રાજગોપાલાચારી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ તથા વલ્લભભાઈ પટેલ જેવા કેટલાક કૉંગ્રેસના નેતાઓ અસહકારના ઠરાવને વળગી રહી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાના મતના હતા. તેઓ ‘નાફેરવાદીઓ’ કહેવાયા. તેઓએ આ મતલબનો ઠરાવ મૂક્યો, જે બહુમતીથી પસાર થયો. તેથી કૉંગ્રેસના પ્રમુખપદેથી ચિત્તરંજન દાસે રાજીનામું આપ્યું. સપ્ટેમ્બર, 1923માં દિલ્હીમાં મૌલાના અબુલ કલામ આઝાદના પ્રમુખપદે મળેલા કૉંગ્રેસના ખાસ અધિવેશને કૉંગ્રેસના સભ્યોને ધારાસભામાં પ્રવેશ વાસ્તે નવેમ્બર 1923માં આવતી ચૂંટણીઓ લડવાની મંજૂરી આપી. દિલ્હી અધિવેશનના આ ઠરાવને કોકોનાડામાં મળેલા કૉંગ્રેસના વાર્ષિક અધિવેશને બહાલી આપી. ગાંધીજીએ પણ તેમને પોતાના કાર્યક્રમનો અમલ કરવાની છૂટ આપી.
સ્વરાજ્ય પક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું કે : (1) સ્વરાજ્ય પક્ષનું ધ્યેય ભારત માટે સાંસ્થાનિક દરજ્જો મેળવવાનું છે, જેને માટે તે પોતાના દેશની સરકાર ઉપર ધારાસભાના યોગ્ય અંકુશની માગણી કરશે. (2) પક્ષના સભ્યો ધારાસભાઓમાં પ્રવેશીને સરકારની અંદાજપત્ર સહિતની સર્વ કાર્યવાહી અટકાવી દેશે, તેઓ સરકારી તંત્રના સંચાલનમાં સહકાર આપશે નહિ, તથા સરકારી મેળાવડામાં ભાગ લેશે નહિ. તેઓ સરકારના આપખુદ વહીવટીતંત્રમાં વિઘ્નો નાખી તેની કાર્યવાહીને અટકાવી દેશે, અથવા તો તે ધારાસભાને જવાબદાર એવી લોકશાહી પદ્ધતિ અપનાવવાની તેને ફરજ પાડશે. (3) વળી, તેઓ વખતોવખત ઠરાવો પસાર કરી સરકારનાં અન્યાયી કાર્યોનો વિરોધ કરશે અને જુલમી કાનૂનોને રદ કરાવવાનો પ્રયાસ કરશે તથા દેશને લાભદાયી થાય એવી આર્થિક નીતિનો અમલ કરવાની સરકારને ફરજ પાડશે.
ચૂંટણીઓ : 1923ના નવેમ્બરમાં સમસ્ત દેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં સ્વરાજ્ય પક્ષે સારો દેખાવ કર્યો. મધ્યસ્થ ધારાસભામાં તેણે 145માંથી 45 બેઠકો મેળવી. મધ્યપ્રાંતોની ધારાસભામાં તેણે ચોખ્ખી બહુમતી મેળવી તથા બંગાળની ધારાસભામાં તે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો. આ ઉપરાંત મુંબઈ ઇલાકો, સંયુક્ત પ્રાંતો, આસામ, મદ્રાસ ઇલાકો તથા પંજાબમાં તેને બહુમતી મળી નહિ, છતાં તેના સભ્યો સારી સંખ્યામાં ચૂંટાઈ આવ્યા.
1923ની ચૂંટણીઓમાં મતદારોએ સ્વરાજ્ય પક્ષમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મધ્યસ્થ ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના 45 સભ્યોના નેતા મોતીલાલ નહેરુ હતા. તેમણે મહંમદ અલી ઝીણાના નેતૃત્વ હેઠળ સ્થપાયેલા 24 અપક્ષ સભ્યોના જૂથના ટેકાથી ધારાસભામાં સરકાર વિરુદ્ધ એક સંયુક્ત પક્ષની રચના કરી. તેના કુશળ નેતૃત્વને કારણે સ્વરાજ્ય પક્ષ સરકાર વિરુદ્ધ અનેક મુસીબતો ઊભી કરી શક્યો. મધ્યસ્થ ધારાસભામાં તેની કામગીરી નીચે મુજબ હતી :
1. ગવર્નર-જનરલ લૉર્ડ રીડિંગે મધ્યસ્થ ધારાસભામાં 31 જાન્યુઆરી, 1924ના રોજ કરેલા મંગલ પ્રવચનમાં ગાંધીજીની માંદગી વિશે અથવા તેમને જેલમાંથી મુક્ત કરવા વિશેનો કોઈ ઉલ્લેખ ન હતો. તેથી સ્વરાજ્ય પક્ષના સભ્યોએ તેનો વિરોધ કર્યો. તેના પરિણામે, સરકારે થોડા દિવસોમાં ગાંધીજીને જેલમાંથી મુક્ત કર્યા હતા.
2. ભારતને સાંસ્થાનિક સ્વરાજ્ય આપવા અંગેનો પ્રસ્તાવ રંગાચારિયારે રજૂ કર્યો, ત્યારે મોતીલાલ નહેરુએ તેની સામે ગવર્નર જનરલને ભારતનું બંધારણ ઘડવા ગોળમેજી પરિષદ બોલાવવાની ભલામણ કરતો સુધારો મૂક્યો, જે બહુમતીથી પસાર થયો.
3. 1924ના માર્ચ માસમાં સરકારે રજૂ કરેલા અંદાજપત્રમાં મીઠાવેરો તથા અન્ય વેરાઓ ઘટાડવાની મોતીલાલ નહેરુની દરખાસ્ત ધારાસભાએ બહુમતીથી પસાર કરી; પરંતુ ગવર્નર જનરલે પોતાની ખાસ સત્તાથી તે દરખાસ્ત નામંજૂર કરી. બીજે વર્ષે સ્વરાજ્ય પક્ષે 1925ના વર્ષનું આખું અંદાજપત્ર નામંજૂર કર્યું.
4. સ્વરાજ્ય પક્ષે સરકારના દમનકારી કાયદાઓ નાબૂદ કરવાની માગણી કરતો ઠરાવ રજૂ કર્યો. તે બહુમતીથી પસાર થયો. આ ઉપરાંત મધ્યસ્થ તથા પ્રાંતીય સરકારોમાં ઉચ્ચ અમલદારોને લગતી ‘લી કમિશન’ની ભલામણો સ્વીકારવાનો સરકાર તરફથી રજૂ થયેલ ઠરાવ સામે ‘તે ભલામણો ભારતીયોને યોગ્ય ન્યાય આપતી ન હોવાથી તેનો અસ્વીકાર કરવો’ તે અંગેનો સુધારો મોતીલાલ નહેરુએ મૂક્યો. તે 68 વિરુદ્ધ 46 મતે પસાર થયો.
5. સરકારે મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારાઓના અમલ વિશે હેવાલ આપવા વાસ્તે સર ઍલેક્ઝાન્ડર મૂડીમૅનના પ્રમુખપદે એક કમિશન નીમ્યું. તેમાં કેટલાક ભારતીય સભ્યોને પણ નીમવામાં આવ્યા. તેમાં જોડાવાનું આમંત્રણ મળવા છતાં મોતીલાલ નહેરુ ન જોડાયા. સરકારે મૂડીમૅન કમિશનના બહુમતી હેવાલને સ્વીકારવાની ભલામણ કરી. તેની સામે સ્વરાજ્ય પક્ષના નેતા મોતીલાલ નહેરુએ લઘુમતી સભ્યોના હેવાલનો સ્વીકાર કરતો સુધારો મૂક્યો, જે બહુમતીથી પસાર થયો; પરંતુ વાઇસરૉયે પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરીને તે સુધારો રદ કર્યો.
6. સ્વરાજ્ય પક્ષે માર્ચ મહિનામાં 1926ના વર્ષનું અંદાજપત્ર પણ બહુમતીથી નામંજૂર કર્યું. ડિસેમ્બર, 1925માં કાનપુરમાં મળેલા કૉંગ્રેસના અધિવેશને સરકાર 1926ના ફેબ્રુઆરી સુધીમાં ગોળમેજી પરિષદ બોલાવવા પગલાં ન ભરે તો માર્ચ, 1926થી સ્વરાજ્ય પક્ષના ધારાસભ્યોને અંદાજપત્ર નામંજૂર કરવા સિવાય બીજા કોઈ કાર્ય વાસ્તે ધારાસભાગૃહનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો. તેથી ધારાસભામાંની તેની કામગીરીનો અંત આવ્યો.
મધ્યસ્થ ધારાસભાની જેમ પ્રાંતિક ધારાસભાઓમાં પણ સ્વરાજ્ય પક્ષે સ્વતંત્ર સભ્યોના સમર્થન વડે સારી કામગીરી બજાવી હતી; જે સંક્ષિપ્તમાં નીચે મુજબ હતી :
1. મધ્ય પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ્ય પક્ષને સ્પષ્ટ બહુમતી મળવા છતાં, તેના સભ્યો સરકારમાં ન જોડાયા. તેને બદલે તેઓએ લઘુમતી પક્ષના મંત્રીઓ સામે અવિશ્વાસની દરખાસ્તો પસાર કરી. તેઓને ત્યાગપત્ર આપવાની ફરજ પાડી. તેણે સરકાર તરફથી મૂકેલા ઠરાવો તથા અંદાજપત્રોને વખતોવખત નામંજૂર કર્યું.
2. બંગાળની ધારાસભામાં સ્વરાજ્ય પક્ષ સૌથી મોટો પક્ષ હોવા છતાં તેના સભ્યો સરકારમાં જોડાયા નહિ અને બંધારણીય કટોકટી પેદા કરી. ત્યાંના સ્વરાજ્ય પક્ષના નેતા ચિત્તરંજન દાસે સ્વતંત્ર સભ્યોના ટેકાથી ધારાસભામાં સંયુક્ત પક્ષ રચ્યો. તેણે 1924ના અંદાજપત્રમાં બે મંત્રીઓના પગાર નામંજૂર કરીને તેઓને ત્યાગપત્ર આપવાની ફરજ પાડી અને ફેબ્રુઆરી, 1925માં તે વર્ષનું અંદાજપત્ર નામંજૂર કર્યું. જૂન, 1925માં ચિત્તરંજન દાસના અવસાનથી બંગાળના સ્વરાજ્ય પક્ષને મોટો ફટકો પડ્યો. તેમ છતાં બંગાળની ધારાસભામાં એક અસરકારક વિરોધ પક્ષ તરીકે તેણે ઘણી સારી કામગીરી બજાવી હતી.
3. અન્ય પ્રાંતોમાં સ્વરાજ્ય પક્ષ ઉપર્યુક્ત બે પ્રાંતો જેવી કામગીરી કરી શક્યો નહિ, પરંતુ તેના સભ્યો મુંબઈ ઇલાકાની ધારાસભામાં તત્કાલીન હિંદી વજીર લૉર્ડ ઑલિવરના ભારતવિરોધી ભાષણ વિરુદ્ધ સભામોકૂફીની દરખાસ્ત પસાર કરાવી શક્યા. સંયુક્ત પ્રાંતમાં તેમણે સરકારનાં આપખુદ કાર્યોનો વિરોધ કર્યો હતો તથા આસામમાં તેમણે જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવા તથા બંધારણીય સુધારા આપવા અંગે ઠરાવો પસાર કર્યા.
માર્ચ, 1926થી મધ્યસ્થ ધારાસભાની માફક પ્રાંતિક ધારાસભાઓમાંથી પણ સ્વરાજ્ય પક્ષના સભ્યોએ સભાત્યાગની નીતિનો અમલ કર્યો.
સ્વરાજ્ય પક્ષે ધારાસભાઓનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તેનાથી પક્ષમાં ભંગાણ પડ્યું. પક્ષના કેટલાક સભ્યો માનતા હતા કે પક્ષે સર્વ કાર્યોમાં સરકારનો વિરોધ કરવાને બદલે, લોકહિતમાં આવશ્યક હોય ત્યાં સરકારને સહકાર પણ આપવો જોઈએ. મધ્યપ્રાંતની ધારાસભાના સ્વરાજ્ય પક્ષના નેતા એસ. બી. તામ્બેએ ગવર્નરની કારોબારી સમિતિમાં હોદ્દો સ્વીકાર્યો. વિઠ્ઠલભાઈ પટેલે મધ્યસ્થ ધારાસભાનું પ્રમુખપદ સ્વીકાર્યું અને મોતીલાલ નહેરુએ લશ્કરમાં હિંદીકરણ અંગેની સ્કીન સમિતિનું સભ્યપદ સ્વીકાર્યું. તેમ છતાં તેમણે તામ્બેના પગલાને શિસ્તભંગ કહીને વખોડી કાઢ્યું. તેમણે કેલકર તથા જયકર સામે પણ શિસ્તભંગનાં પગલાં લેવાની ધમકી આપી. તેથી પક્ષમાંનો ઝઘડો ઉગ્ર બન્યો.
ડિસેમ્બર, 1925માં કૉંગ્રેસના કાનપુર અધિવેશનમાં ઉગ્ર ચર્ચા પછી ડૉ. બી. એસ. મુંજે, એન. સી. કેલકર, એમ. આર. જયકર વગેરે સભ્યો પક્ષમાંથી જુદા પડ્યા. તેઓએ જુદા જુદા પ્રાંતોના સહકારવાદી ધારાસભ્યો, ઉદારમતવાદીઓ અને સ્વતંત્ર સભ્યોની પરિષદ બોલાવીને તેમાં ‘હિન્દી રાષ્ટ્રીય પક્ષ’ની સ્થાપના કરી. તેણે સરકાર સાથે આવશ્યકતા અનુસાર સહકાર કરવાનું નક્કી કર્યું. આ નવા પક્ષમાં સ્વરાજ્ય પક્ષના અનેક સભ્યો જોડાયા. તેથી સ્વરાજ્ય પક્ષના ભંગાણની પ્રક્રિયા વેગવાન બની. 1925 તથા 1926નાં વર્ષોમાં દેશમાં અનેક સ્થળે કોમી હુલ્લડો થયાં; તેથી સ્વરાજ પક્ષને મુસ્લિમ ધારાસભ્યોનો ટેકો મળતો બંધ થયો. 1926ની ચૂંટણીઓમાં તેનો દેખાવ સામાન્ય રહ્યો અને તેનું અસ્તિત્વ નામ પૂરતું જ રહ્યું.
અસહકારની ચળવળ એકાએક પાછી ખેંચી લીધા બાદ દેશના રાજકીય મંચ પર જે શૂન્યાવકાશની પરિસ્થિતિ સર્જાઈ હતી, તેમાં સ્વરાજ્ય પક્ષે પોતાની પ્રવૃત્તિઓથી ચેતન પૂર્યું અને અસહકારની ચળવળનો અંત (1922) તથા સવિનય કાનૂનભંગનો આરંભ (1930) વચ્ચેના સમયગાળા દરમિયાન જનતાની રાજકીય જાગૃતિ ટકાવી રાખી, તે તેની સૌથી ઉપયોગી સેવા હતી. આ પક્ષે ધારાસભાઓમાં કેટલાક સમય પર્યન્ત એક શિસ્તબદ્ધ પક્ષ તરીકે વર્તાવ કરીને ઉચ્ચ કક્ષાની સંસદીય પ્રણાલિકા સ્થાપી તથા ભારતના લોકોની લોકશાહી પદ્ધતિ અને બંધારણીય માર્ગે રાજ્ય કરવાની યોગ્યતા પુરવાર કરી. સ્વરાજ્ય પક્ષે સરકાર તરફથી રજૂ કરેલા ઠરાવો અને અંદાજપત્રોને નામંજૂર કરીને સરકારની અન્યાયી નીતિ વિશે લોકોને જાગ્રત કર્યા. સ્વરાજ્ય પક્ષનાં કાર્યોને લીધે જ સરકારને મૂડીમૅન સમિતિ અને સાયમન કમિશનની નિમણૂક કરવી પડી. તેણે ધારાસભાઓમાં પ્રવેશીને મોન્ટેગ્યુ–ચેમ્સફર્ડના બંધારણીય સુધારાની ખામીઓને જાહેર કરી તથા બ્રિટિશ સરકારની આપખુદ, અન્યાયી તથા જુલમી નીતિને પ્રકાશમાં આણી. છતાં સ્વરાજ્ય પક્ષ કેન્દ્રમાંથી બિનજવાબદાર તંત્ર કે પ્રાંતોમાંથી દ્વિમુખી શાસનપદ્ધતિ દૂર કરાવી શક્યો નહિ. વળી, તે સરકારની કાર્યવાહીમાં વિઘ્નો નાંખી, તેમાં ગંભીર કટોકટી પેદા કરી શક્યો નહિ. તેથી તે પોતાનું ધ્યેય સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હતો એમ કહી શકાય.
જયકુમાર ર. શુક્લ