સ્વભાવ (temperament) : પર્યાવરણ સાથે આંતરક્રિયા કરવાની અને આવેગિક પ્રતિભાવો આપવાની, જૈવ લક્ષણો ઉપર આધારિત, વ્યક્તિની વિશિષ્ટ શૈલી. સ્વભાવને વ્યક્તિના ભાવાત્મક પ્રતિભાવો, મનોદશાઓ (moods) અને શક્તિ સાથે સંબંધ ધરાવતાં લક્ષણોના સમૂહ તરીકે પણ સમજી શકાય. પ્રવૃત્તિની કક્ષામાં, લાક્ષણિક મનોદશામાં તેમજ આવેગ-અભિવ્યક્તિની તીવ્રતા અને ગુણ(quality)માં વિવિધ વ્યક્તિઓના સ્વભાવમાં સ્થાયી તફાવતો હોય છે; દા. ત., કેટલાક માણસો અતિપ્રવૃત્તિશીલ હોય છે. કેટલાક સામાન્ય પ્રમાણમાં જ પ્રવૃત્તિ કરતા હોય છે, તો બીજા કેટલાકનો સ્વભાવ પ્રવૃત્તિ ટાળીને આરામ કરવાનો જ હોય છે. કેટલાક લોકો શાંત રહીને પરિસ્થિતિનો મુકાબલો કરે છે જ્યારે બીજાઓ સ્વભાવથી જ પરિસ્થિતિ પ્રત્યે આવેગની તીવ્ર ઉત્તેજનાથી વર્તે છે.

દરેક વ્યક્તિના આવેગોનો વિસ્તાર (range) પણ જુદો જુદો હોય છે. સ્વભાવમાં આ આવેગ-વિસ્તારનો પણ સમાવેશ થાય છે. કેટલીક વ્યક્તિનો સ્વભાવ હંમેશાં પ્રસન્ન અને આનંદની મનોદશા(mood)માં રહેવાનો હોય છે. કેટલીક વ્યક્તિનો સ્વભાવ મૂજી જેવો – ગમે તે સંજોગોમાં ગંભીર જ રહેવાનો હોય છે; તો કેટલીક વ્યક્તિઓની મનોદશા હંમેશા કાં તો ચિડાઈ જવાની, કાં તો ચિંતા કે ભય અનુભવવાની હોય છે. તો બીજા કેટલાક લોકો ક્યારેય ગંભીર રહી શકતા જ નથી; તેઓ દરેક પરિસ્થિતિને હળવાશથી લે છે કે મજાક જ ગણે છે.

કેટલાક માણસો તેમના સંપર્કમાં આવનારા લોકો પ્રત્યે અનુકૂળ કે સકારાત્મક પ્રતિભાવ આપે છે અને મિત્રતાથી વર્તે છે. બીજા માણસો તેમના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ પ્રત્યે, સ્વભાવથી જ નકારાત્મક કે પ્રતિકૂળ પ્રતિભાવ આપે છે. સ્વભાવની આ વિશિષ્ટતાનો પાયો વ્યક્તિને વારસામાં મળેલાં જૈવ લક્ષણો ઉપર રચાયો હોય છે. ઉંમર વધતાં, તે જેમ જેમ ઘરનાં, પડોશનાં, શાળાનાં કે વ્યવસાયનાં કે સમુદાયનાં એમ વિવિધ પર્યાવરણો સાથે આંતરક્રિયા કરતો જાય તેમ તેમ આ જૈવ આધારશિલા ઉપર સ્વભાવનું માળખું બંધાતું જાય છે.

વ્યક્તિ શું કરે છે તે ઉપરાંત તે શી રીતે કરે છે તેનો પણ તેના સ્વભાવમાં સમાવેશ થાય છે. વ્યક્તિના સ્વભાવને ઓળખવાનો પ્રયત્ન કરતી વખતે તેની હાલની પ્રવૃત્તિઓ ઉપરાંત તે ભવિષ્યમાં શું કરે અને શી રીતે વર્તે એવી શક્યતા છે તે પણ ધ્યાનમાં લેવું જરૂરી છે; તેથી જ, લગ્ન માટે યોગ્ય પાત્રને કે નોકરી માટે સારા ઉમેદવારને પસંદ કરતી વખતે આપણે તેના સ્વભાવનું મૂલ્યાંકન અત્યારની તેમજ ભવિષ્યની દૃષ્ટિથી કરીએ છીએ. શરૂઆતના અભ્યાસીઓએ સ્વભાવનું જૈવ-શારીરિક પાસું વધારે ધ્યાનમાં લીધું હતું, જ્યારે હાલના નિષ્ણાતો સ્વભાવમાં મનોવૈજ્ઞાનિક પરિબળોને વધુ મહત્વ આપે છે. વ્યક્તિની આવેગશીલતા અને સામાજિકતાને તેના સ્વભાવનાં મુખ્ય પાસાં ગણવામાં આવે છે. આ ઉપરાંત કાર્ય પ્રત્યેના અને અંગત સંબંધો અંગેનાં વ્યક્તિનાં મનોવલણો અને અભિગમનો પણ સ્વભાવમાં સમાવેશ કરવામાં આવે છે.

સ્વભાવને ઘડવામાં વિવિધ પરિબળો ભાગ ભજવે છે. સ્વભાવનાં ઘણાં વલણો વ્યક્તિને જનીનો (genes) દ્વારા વારસામાં મળે છે. શરીરના બાંધા અને શરીરમાં ચાલતી ક્રિયાઓની પણ સ્વભાવ ઉપર નોંધપાત્ર અસર થાય છે. ઉંમર વધવા સાથે દેહરચના અને કાર્યોમાં થતા સ્થૂળ અને સૂક્ષ્મ ફેરફારો સ્વભાવ પર અસર કરે છે. વય સાથે વધતો, દુનિયાનો વિવિધતાભર્યો અનુભવ સ્વભાવનાં કેટલાંક લક્ષણોને વિકસાવવામાં ફાળો આપે છે. વયવૃદ્ધિ સાથે છોકરાના અને છોકરીના શરીરમાં જુદા જુદા ફેરફારો થાય છે. વળી માતાપિતા અને અન્ય વ્યક્તિઓ છોકરા પાસેથી અને છોકરી પાસેથી જુદા જુદા વર્તનની અપેક્ષા રાખે છે. તેઓ જુદી જુદી અપેક્ષાઓ પ્રમાણે સંતાનના વર્તનને કાબૂમાં રાખવાના પ્રયત્નો કરે છે; તેથી છોકરાના અને છોકરીના સ્વભાવ વચ્ચે પણ તફાવત પડે છે. ઘણા તરુણોનો સ્વભાવ બહિર્ગામી, સાહસિક અને કંઈક અંશે માબાપની મુશ્કેલીઓ વધારનારો બને છે; જ્યારે ઘણી તરુણીઓના સ્વભાવમાં પોતાના વિચારોને અંદર તરફ વાળીને જાતજાતની મનોદશાઓ અનુભવવાનું વલણ વિકસે છે એમ કીનનનો અભ્યાસ દર્શાવે છે.

સંતાનના સ્વભાવને ઘડવામાં, તેમને ઉછેરવાની માતાપિતાની કે વડીલોની રીત મુખ્ય ભાગ ભજવે છે. મોટા ભાગનાં માબાપ સંતાનને ઉછેરતી વખતે આમાંથી કોઈ એક કે વધારે શૈલી અપનાવે છે. લાડ લડાવવા, સતત દેખરેખ રાખીને ડગલે અને પગલે તેમને સલાહ–શિખામણ આપવી, સંતાનોને સતત ધાકમાં રાખવાં અને કડક રીતે શિસ્ત પળાવીને નિયમના ભંગ બદલ અપવાદ વગર સજા કરવી કે સંતાન શું કરે છે તેની ઉપેક્ષા કરવી  આ વિવિધ ઉછેર-શૈલીઓની સંતાનના સ્વભાવ ઉપર મોટે ભાગે આવી અસરો થાય છે : સતત અત્યંત લાડકોડમાં ઊછરેલું સંતાન મનસ્વી સ્વભાવનું બને છે અને બીજા લોકોનું કાર્ય પોતાની સેવા કરવાનું જ છે એમ માનતું થઈ જાય છે. સતત દેખરેખ અને સલાહ મેળવનાર સંતાનનો સ્વભાવ એક બાજુ સમાજને અનુરૂપ બને છે તો બીજી બાજુ પરાવલંબી બને છે. સતત ધાકમાં ઊછરેલ સંતાન મોટી વયે કાં તો અતિ આજ્ઞાંકિત અને બીકણ સ્વભાવનું કાં તો ઉશ્કેરાટિયા અને આક્રમક સ્વભાવનું બને છે. માતાપિતાની ઉપેક્ષા પામનારું સંતાન કાં તો નરમ અને લઘુતાગ્રંથિવાળા સ્વભાવનું, કાં તો સ્વતંત્ર મિજાજનું અને સ્વાવલંબી બને છે.

અન્ય લોકોના, ખાસ કરીને જીવનમાં મહત્વ ધરાવતી વ્યક્તિઓના મત વડે પણ વ્યક્તિનો સ્વભાવ ઘડાય છે. માતાપિતા, વડીલો, સગાં, પાડોશીઓ, મિત્રો, સહકર્મીઓ વગેરે વારંવાર વ્યક્તિનો સ્વભાવ કેવો છે એ વિશે ટિપ્પણી (comment) કરતા હોય છે. એ પ્રતિભાવો પ્રમાણે મોટે ભાગે એ વ્યક્તિ પોતાના વર્તન કે ટેવોમાં વધતો કે ઓછો ફેરફાર કરતી હોય છે. અન્યોએ સ્વભાવ અંગે જણાવેલી વાજબી અપેક્ષાઓ પ્રમાણે વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન આવે છે.

કેટલાંક સંશોધનો સૂચવે છે કે કુટુંબમાં વ્યક્તિના જન્મનો ક્રમ તેના સ્વભાવ ઉપર અમુક અસર કરે છે. પ્રથમ ક્રમે જન્મેલ વ્યક્તિ મોટે ભાગે સ્વતંત્ર અને સ્વાશ્રયી બને છે, પણ તેનામાં સામાજિકતા બરોબર વિકસતી નથી. બીજા ક્રમે જન્મનાર વ્યક્તિ વધારે પ્રેમાળ, નમ્ર અને ગાઢ સામાજિક સંબંધોવાળી બને છે. આમ સહોદર ભાઈબહેનોના સ્વભાવમાં વૈવિધ્ય વિકસે છે.

વ્યક્તિની તેના પર્યાવરણ સાથેની ક્રિયા-પ્રતિક્રિયાઓ અને તેનાં પરિણામો પણ તેના સ્વભાવને ઘડે છે. ઘરનું પર્યાવરણ શાંત હોય કે ત્યાં વારંવાર ઝઘડા થતા હોય, આનંદપૂર્ણ હોય કે તણાવ અને અસંતોષભરેલું હોય, પ્રવૃત્તિમય હોય કે સુસ્તી/નિષ્ક્રિયતાથી ભરેલું હોય, ગાઢ સંબંધોવાળું હોય કે અલિપ્તતાભરેલું હોય તેની સ્વભાવ ઉપર જુદી જુદી અસરો થાય છે. એ જ રીતે પાડોશનાં (ઉપર પ્રમાણેનાં) વિવિધ પર્યાવરણોની સ્વભાવ ઉપર અસર થાય છે. છૂટા છૂટા બંગલામાં રહેનારા, સોસાયટી કે પોળોમાં રહેનારા કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોના સ્વભાવમાં કેટલાક લાક્ષણિક તફાવતો હોય છે. રોજ કુટુંબ સાથે રહેનારા લોકોના તો નોકરી/ધંધાર્થે કુટુંબથી જુદા પરગામ રહેનારા કે રોજ કલાકો સુધી મુસાફરી કરનારા લોકોના સ્વભાવનાં કેટલાંક લક્ષણો જુદાં પડે છે.

પોતાના પતિનો કે પોતાની પત્નીનો સ્વભાવ કેવો છે અને તેની સાથેના વ્યવહારો સહકારપૂર્ણ, સ્પર્ધાત્મક કે સંઘર્ષમય છે કે કેમ એ મુદ્દા પણ વ્યક્તિના સ્વભાવ પર અસર કરે છે. નોકરી-ધંધાનું પર્યાવરણ અનુકૂળ છે કે તણાવપૂર્ણ છે, પ્રવૃત્તિમય છે કે સુસ્ત, સહકારયુક્ત છે કે સ્પર્ધા/સંઘર્ષમય – એની પણ સ્વભાવ પર અસર થાય છે. જીવનમાં થતા અપેક્ષિત તેમજ વિરલ કે આશ્ચર્યજનક અનુભવો પણ સ્વભાવ પર અસર કરે છે. વ્યક્તિની સંસ્કૃતિ અને પેટાસંસ્કૃતિ પણ તેના સ્વભાવ પર પ્રભાવ પાડે છે. સંસ્કૃતિમાં પ્રવર્તતાં ધોરણો, વિધિનિષેધો, રીતરિવાજો અને મોભા તથા ભૂમિકા અંગેના ખ્યાલોની વ્યક્તિના સ્વભાવ ઉપર સીધી કે આડકતરી અસર થાય છે. મોટા ભાગના લોકો સંસ્કૃતિને અનુરૂપ સ્વભાવ અપનાવે છે; પણ કેટલીક વ્યક્તિઓ બળવો કરીને તેનાથી વિરુદ્ધ લક્ષણોવાળો સ્વભાવ વિકસાવે છે.

થૉમસ અને સાથીઓએ માતાપિતા સાથેની આંતરક્રિયાના નિરીક્ષણના આધારે શિશુઓના સ્વભાવના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે : સરળ સ્વભાવ, મુશ્કેલ સ્વભાવ અને ધીમા પ્રતિભાવવાળો સ્વભાવ. સરળ સ્વભાવવાળાં શિશુઓનું પ્રમાણ 40 %, મુશ્કેલ સ્વભાવનું પ્રમાણ 10 %, ધીમા પ્રતિભાવવાળા સ્વભાવનું પ્રમાણ 15 % હતું, જ્યારે બાકીનાં 35 % શિશુઓ મિશ્ર સ્વભાવનાં હતાં. સરળ સ્વભાવનાં શિશુઓની આહાર-નિદ્રાની નિયમિત ટેવો તરત વિકસી હતી અને તેમણે નવા લોકો કે નવા સંજોગોને સ્વીકારીને તેની સાથે વિધાયક પ્રતિભાવો આપ્યા હતા. મુશ્કેલ સ્વભાવનાં શિશુઓ આહાર-નિદ્રામાં અનિયમિત હતાં અને નવી વ્યક્તિઓ કે નવા સંજોગો પ્રત્યે અણગમો દર્શાવતાં, ધમાલ કરતાં અને તીવ્ર નકારાત્મક મનોદશામાં રહેતાં હતાં. ધીમા પ્રતિભાવવાળાં શિશુ નવા સંજોગો પ્રત્યે શરૂઆતમાં પ્રતિકૂળ, પણ ટેવાયા પછી અનુકૂળ બન્યાં હતાં. આ તફાવતો દસ વર્ષ પછી પણ ટકી રહ્યા હતા.

શરીરમાં વિવિધ તત્વોના મહત્વને આધારે ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસે સ્વભાવના ચાર પ્રકારો આપ્યા છે. તેના મતે રક્ત(લોહી)પ્રધાન લોકો આશાવાદી અને પ્રવૃત્તિશીલ સ્વભાવના હોય છે. જ્યારે કાળા-પિત્ત-પ્રધાન લોકો દુ:ખી અને નિરાશાથી ઘેરાયેલા હોય છે. પીળા-પિત્ત-પ્રધાન લોકો આકરા, ચીડિયા અને તામસી સ્વભાવના હોય છે, જ્યારે કફપ્રધાન લોકો બેપરવા અને ઉદાસીન સ્વભાવના હોય છે.

શરીરના બાંધામાં કયા સ્તર(પડ)નું મહત્વ છે એને આધારે શેલ્ડને સ્વભાવના ચાર પ્રકારો પાડ્યા છે. આંતરસ્તરપ્રધાન બાંધાવાળી વ્યક્તિમાં જઠર વગેરે અંદરનાં અંગો તેમજ ચરબીનું મહત્વ હોય છે. શરીર ગોળમટોળ હોય એવી વ્યક્તિનો સ્વભાવ નિરાંતવાળો, ખાવાપીવાનો શોખીન અને પ્રવૃત્તિની ધીમી ગતિવાળો હોય છે. તે ગમે તે વ્યક્તિની સાથે મૈત્રી બાંધવા તૈયાર હોય છે અને મુશ્કેલી આવે ત્યારે લોકોની મદદ મેળવવા દોડી જનારો હોય છે. મધ્યસ્તર-પ્રધાન બાંધાવાળી વ્યક્તિમાં સ્નાયુઓ વિકસિત અને મહત્વના હોય છે. તેનામાં શારીરિક પ્રવૃત્તિઓનું મહત્વ હોય છે. તે ઘોંઘાટિયો, સાહસિક, આક્રમક, નેતૃત્વ લેનારો અને સ્પર્ધાળુ સ્વભાવનો હોય છે. મુશ્કેલી આવે ત્યારે તે અતિપ્રવૃત્તિશીલ બને છે. બાહ્યસ્તરપ્રધાન બાંધાવાળી વ્યક્તિના દેહમાં હાડકાં, ચામડી અને ચેતાતંત્રનું મહત્વ હોય છે. તે સ્નાયુઓને સખત રાખે છે. ઓછું ઊંઘે છે. પોતાના વર્તન ઉપર વધારે નિયંત્રણ કરે છે અને સામાજિક જવાબદારીથી વર્તે છે. તે બીજાંઓને અતિ ઝડપથી પ્રતિભાવ આપે છે. વારંવાર થાકી જાય છે અને મુશ્કેલી આવે ત્યારે એકાંત શોધે છે. તે મગજની ક્રિયાઓમાં રચ્યોપચ્યો રહે છે. સમતોલ બાંધાવાળી વ્યક્તિમાં શરીરનાં ત્રણેય સ્તરો સમાન મહત્વનાં હોય છે અને તેનો સ્વભાવ પણ સમતોલ હોય છે.

મોટા ભાગના લોકોમાં શિશુ-અવસ્થાથી પુખ્ત વય સુધી સ્વભાવમાં સાતત્ય અને સુસંગતતા જોવા મળે છે પણ વિશિષ્ટ અનુભવો કે પર્યાવરણમાં થતાં મોટાં પરિવર્તનોને લીધે સ્વભાવમાં પરિવર્તન થઈ શકે છે. સ્વભાવનો વસ્તુલક્ષી અભ્યાસ કરવા માટે નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલિ, સ્વમૂલ્યાંકન અને સ્વભાવમાપન-તુલા-પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ગીલફર્ડ-ઝીમરમૅનની સ્વભાવ-તુલા જાણીતી છે. ઉપરાંત હાલ સાઇમન અને ક્રોસબી-રચિત સ્વભાવના ચાર વર્ગોની માપ-તુલા પણ પ્રચલિત બની છે, જેની મદદથી ચાર પરિમાણોમાં વ્યક્તિનો સ્વભાવ માપીને તેનું પાર્શ્વચિત્ર (profile) મેળવવામાં આવે છે. તે દ્વારા વ્યક્તિના સ્વભાવનાં નબળાં અને સબળાં પાસાં ઓળખાય છે.

સ્વભાવનું જ્ઞાન અને સમજ વિવિધ રીતે ઉપયોગી બને છે. વ્યક્તિ પોતાનો સ્વભાવ સાચી રીતે ઓળખે તો શું વિકસાવવા જેવું છે અને શું સુધારવા જેવું છે તેનો નિર્ણય કરીને યોગ્ય પગલાં ભરી શકે છે. વળી, પોતાની જાતને તે પૂરેપૂરી સ્વીકારી શકે છે. જો વ્યક્તિ પોતાના સ્વભાવ વિશેની વૈજ્ઞાનિક રીતે મેળવેલી વિગતો પોતાનાં સગાં, મિત્રો કે સહકર્મીઓને જણાવે તો તે લોકો એને વધારે સારી રીતે ઓળખશે અને સ્વીકારશે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે મતભેદો કે સંઘર્ષો ઊભા થાય ત્યારે એકબીજાના સ્વભાવનાં લક્ષણોની જાણકારીથી એમની સમસ્યા ઉકેલવામાં મદદ મળે છે. અન્ય વ્યક્તિના સ્વભાવની સૂઝને કારણે તેની સાથે વધુ અસરકારક રીતે આંતરક્રિયા કરી શકાય છે; તેથી જીવનમાં સંતોષ અને કાર્યક્ષમતા વધે છે. પોતાના સ્વભાવનું યથાર્થ જ્ઞાન મેળવવાથી વ્યક્તિ પોતાની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દીને વધારે વાસ્તવિક અને તાર્કિક બનાવી શકે છે. બીજી વ્યક્તિના જીવન-ઇતિહાસની ઝીણી ઝીણી વિગતોને જાણ્યા વગર પણ તેનો સ્વભાવ ઓળખવાથી તેની વર્તનશૈલીને ઝડપથી સમજી શકાય છે. વેચાણપ્રક્રિયા, કેળવણી, તાલીમ, ગુનેગારોની સુધારણા માનસોપચાર અને માનવ-સંસાધનના વિકાસ(human resources development)માં તો માનવ-સ્વભાવનું જ્ઞાન અનિવાર્ય બને છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે