સ્વભાવવાદ : પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક સિદ્ધાન્ત. ‘શ્વેતાશ્વતરોપનિષદ’માં (1.2) કાલવાદ, યચ્છાવાદ આદિ સાથે સ્વભાવવાદનો ઉલ્લેખ છે. ‘સૂત્રકૃતાંગ’ની શીલાંકકૃત ટીકામાં (1.1.2.2), અશ્વઘોષરચિત ‘બુદ્ધચરિત’માં, આચાર્ય મલ્લવાદીકૃત ‘નયચક્ર’ તથા તેની સિંહસૂરિલિખિત વૃત્તિમાં, આચાર્ય હરિભદ્રસૂરિના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં અને ‘ષડ્દર્શનસમુચ્ચય’ની ગુણરત્ન-વિરચિત ‘તર્કરહસ્યદીપિકા’ ટીકામાં સ્વભાવવાદની સમજૂતી આપવામાં આવી છે. જૈન કર્તાઓએ જ ખાસ કરીને સ્વભાવવાદની નોંધ લીધી છે અને અપેક્ષાકૃત વિશેષ સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો છે.

સ્વભાવવાદીઓનું કથન છે કે જગતમાં જે કંઈ બને છે તે સ્વભાવના કારણે જ બને છે. સ્વભાવથી અતિરિક્ત કોઈ પણ કારણ જગતના નિર્માણમાં કે જગતવૈચિત્ર્યના નિર્માણમાં સમર્થ નથી. ‘બુદ્ધચરિત’, ‘નયચક્ર’ અને ‘તર્કરહસ્યદીપિકા’માં એક શ્લોક આવે છે, તેનો અર્થ આ પ્રમાણે છે : કંટકોની તીક્ષ્ણતા, પશુપક્ષીઓની વિચિત્રતા વગેરે સ્વભાવના કારણે છે. બધી જ વસ્તુઓ સ્વભાવત: પ્રવૃત્ત થાય છે. કોઈ પણ પ્રવૃત્તિમાં ઇચ્છા, પ્રયત્ન કે બુદ્ધિનું કોઈ સ્થાન નથી.

‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં સ્વભાવવાદનું નિરૂપણ કરતાં કહ્યું છે કે કોઈ પણ જીવનું માતાના ગર્ભમાં પ્રવેશવું, બાલ્યાવસ્થા પ્રાપ્ત કરવી, શુભાશુભ અનુભવોનો ભોગ કરવો વગેરે ઘટનાઓ સ્વભાવ વિના ઘટી શકતી નથી. તેથી જગતની સમસ્ત ઘટનાઓનું કારણ સ્વભાવ જ છે. જગતની સઘળી વસ્તુઓ સ્વભાવથી જ પોતપોતાના સ્વરૂપમાં વિદ્યમાન રહે છે અને નાશ પામે છે. સ્વભાવ વિના તો મગ ચડે પણ નહિ, ભલેને કાલ વગેરે હાજર કેમ ન હોય. અમુક જ વસ્તુમાંથી ઉત્પન્ન થવું એ અમુક વસ્તુનો સ્વભાવ છે. ગોટલામાંથી આમ્રવૃક્ષનું ઉત્પન્ન થવું એ આમ્રવૃક્ષનો સ્વભાવ છે અને ગોટલાએ આમ્રવૃક્ષને જ ઉત્પન્ન કરવું, બાવળને નહિ, એ ગોટલાનો સ્વભાવ છે. જો માટીમાં ઘડાને ઉત્પન્ન કરવાનો સ્વભાવ ન હોય તો માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય નહિ. તેથી જગતની બધી જ ઘટનાઓનું કારણ સ્વભાવ છે. મનુષ્ય જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિમાં તેને તેનો સ્વભાવ પ્રેરે છે. તે પોતાની ઇચ્છાથી કે બુદ્ધિથી પ્રવૃત્તિ કરતો નથી. આ ઉપાદેય છે માટે મારે તેને ગ્રહણ કરવું જોઈએ અને આ હેય છે એટલે મારે તેને તજવું જોઈએ એમ વિચારી વિવેકબુદ્ધિપૂર્વક તે ઉપાદાન-હાનરૂપ પ્રવૃત્તિ કરતો નથી. પસંદગીમાં, પ્રવૃત્તિમાં તે સ્વતંત્ર નથી. સ્વભાવથી જ તેની પ્રવૃત્તિ, પસંદગી બધું નિયત હોય છે. સ્વભાવથી પ્રેરાયેલો તે વર્તે છે. અજ્ઞાનને કારણે તે પોતાને સ્વતંત્ર માને છે. તેની પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વભાવત: થાય છે. ‘નયચક્ર’માં સ્પષ્ટપણે કહ્યું છે કે स्वभावादेव प्रवर्तितव्यमित्येव प्रवर्तन्तेडप्रतर्कतो वस्तूनि, अक्षिनिमेष-धातुकण्टकादिवत् । વળી, ‘નયચક્રવૃત્તિ’ મુજબ ‘વસ્તુઓ સ્વભાવત: પ્રવૃત્ત અને સ્વભાવત: નિવૃત્ત થાય છે, હું તેમનો કર્તા નથી’ આ પ્રમાણે જે વ્યક્તિ સમજે છે તે જ સત્ય સમજે છે.

દરેક સજીવ કે નિર્જીવ વસ્તુના અનાદિ-અનન્ત જીવનનો ઘટનાક્રમ તેના પોતાના સ્વભાવથી જ ચુસ્તપણે પૂર્વનિશ્ચિત (predetermined) હોય છે. કેટલાક મગ ચડે છે અને કેટલાક મગ ગમે તેટલી કોશિશ કરો તોપણ ચડતા જ નથી. તેનું કારણ છે તેમનો સ્વભાવ. વળી, જે મગ ચડે છે તેમાંથી કેટલાક વહેલા ચડે છે અને કેટલાક મોડા. તેનું કારણ છે તેમનો સ્વભાવ. કેટલાક જીવો મોક્ષ પામે છે અને કેટલાક જીવો કદાપિ મોક્ષ પામતા જ નથી. તેનું કારણ છે તેમનો સ્વભાવ. જે જીવો મોક્ષ પામે છે તેમાંથી કેટલાક વહેલા મોક્ષ પામે છે અને કેટલાક મોડા મોક્ષ પામે છે. તેનું કારણ છે તેમનો સ્વભાવ. જીવના ભૂત, વર્તમાન અને ભાવિ સમગ્ર જીવનનો ઘટનાક્રમ તેના સ્વભાવથી જ ચુસ્તપણે નિયત છે, તે પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ કે પ્રયત્નથી તેને બદલી શકતો નથી.

પ્રોફેસર એ. એલ. બાશમે (A. L. Basham) પોતાના પુસ્તક ‘History and Doctrines of the jivkas’માં જણાવ્યું છે કે આજીવિક દર્શનમાં કેટલાક આજીવિક ચિન્તકોએ નિયતિની પ્રતિષ્ઠા સ્વભાવને બક્ષી હોય એમ લાગે છે. કેટલાક આજીવિકો બધું જ નિયતિથી નિયત છે એમ કહે છે જ્યારે કેટલાક આજીવિકો બધું જ સ્વભાવથી નિયત છે એમ કહે છે; પરંતુ આજીવિક ચિન્તકોના આ બંને વર્ગો પુરુષાર્થને અને સ્વતંત્ર ઇચ્છાશક્તિને વ્યર્થ અને નિરર્થક સમજે છે. નિયતિવાદ અને સ્વભાવવાદના સમર્થકોને અક્રિયાવાદીઓના વર્ગમાં મૂકવામાં આવ્યા છે. અક્રિયાવાદીઓ તે છે જે પુરુષાર્થની ઉપયોગિતા યા શક્તિ સ્વીકારતા નથી અર્થાત્ કર્મસિદ્ધાન્તનો યા કર્મવાદનો તેઓ સબળ નિષેધ કરે છે. સ્વભાવવાદીઓનો નિયતિવાદીઓથી એટલો જ ભેદ જણાય છે કે સ્વભાવવાદીઓ વસ્તુ કે જીવના સમગ્ર જીવનનો ઘટનાક્રમ વસ્તુ કે જીવની પોતાની અંદરના જ સ્વભાવ નામના તત્વ દ્વારા ચુસ્તપણે પૂર્વનિયત થયેલો માને છે, જ્યારે નિયતિવાદીઓ વસ્તુ કે જીવના સમગ્ર જીવનનો ઘટનાક્રમ વસ્તુ કે જીવથી બાહ્ય એવા નિયતિ નામના તત્વ દ્વારા ચુસ્તપણે પૂર્વનિયત થયેલો માને છે. આ સિવાય તેમની વચ્ચે બીજો કોઈ ભેદ જણાતો નથી. તે બંનેની દલીલો અને તર્કપ્રણાલી એક જ છે.

નગીન શાહ