સ્વપ્રેમગ્રંથિ (Narcissism)

January, 2009

સ્વપ્રેમગ્રંથિ (Narcissism) : સ્વપ્રેમદર્શક ગ્રંથિ એટલે વ્યક્તિને પોતાની જાત પ્રત્યે અનહદ પ્રેમ. માણસે પોતાના જ પ્રેમમાં પડેલા રહેવું તે. આ આત્મપ્રેમ અતિશયતાની સીમા વટાવી ગયો હોય ત્યારે તે વિકૃતિ બની ગ્રંથિ, વળગણ બની જાય છે.

ગ્રીક દંતકથામાં નાર્સિસસ નામનો સોળ વરસનો અતિશય સ્વરૂપવાન રાજકુમાર હતો. તે ઈકો નામની તેની પ્રિયતમા તેમજ અનેક સુંદર યુવતીઓના પોતાના પ્રત્યેના પ્રેમને નકારતો હતો. આથી એક યુવાને તેને બદદુઆ આપી કે તું પોતે તારા પોતાના જ પ્રેમમાં પડશે ! દેવી નેમેસિસે આ બદક કળાને સાકાર કરતો શાપ આપ્યો કે નાર્સિસસ પોતાનું પ્રતિબિંબ નદીના પાણીમાં જોશે અને તેના પ્રેમમાં પડશે. નાર્સિસસ પોતાનું પ્રતિબિંબ નદીના પાણીમાં જોઈને તેને ભેટવા ગયો. તે ત્યાં નદીકિનારે જ બેસી રહ્યો અને ભૂખે મરી ગયો. આ જ ગાળે એક સુંદર ફૂલ ઊગી નીકળ્યું.

સિગમંડ ફ્રૉઇડે વ્યક્તિના મનોજાતીય વિકાસના આલેખનમાં શૈશવકાળમાં એક એવી અવસ્થા બતાવી છે, જેમાં શિશુમાં કામશક્તિ આત્મકેન્દ્રી હોય છે. બાળક પોતાની જાત સાથેની જ પ્રવૃત્તિઓમાં રાચે છે અને સુખ મેળવે છે. કામશક્તિની આ આત્મકેન્દ્રી, સ્વપ્રેમની અવસ્થા સાહજિક અને પ્રાસંગિક જ હોય છે. વયવૃદ્ધિ સાથે બાળક આ અવસ્થામાંથી બહાર નીકળી જાય છે; પરંતુ એમ બને કે આ સ્વપ્રેમનું તત્વ શિશુ-અવસ્થામાં ગંઠાઈ ગયું હોય અને બાળક શારીરિક, માનસિક રીતે પુખ્ત બને છતાં પુખ્તવયે પણ તે સ્વપ્રેમની આત્મકેન્દ્રી પ્રવૃત્તિઓમાં વધારે રાચતો રહે એમ બને. પુખ્ત વયની વ્યક્તિમાં આ સ્વપ્રેમદર્શક ગ્રંથિ કેટલાંક વિશિષ્ટ વર્તનલક્ષણો દ્વારા જણાઈ આવે છે.

સ્વપ્રેમદર્શક ગ્રંથિયુક્ત વ્યક્તિમાં (i) અન્ય સાથેના સંબંધોમાં પણ ધ્યાન માત્ર પોતાની જાત ઉપર જ કેન્દ્રિત રહે છે. પરિણામે અન્યો સાથે સંતોષકારક સંબંધો બાંધવામાં અને જાળવી રાખવામાં તેને મુશ્કેલી પડે છે; (ii) આવી વ્યક્તિમાં મનોવૈજ્ઞાનિક સભાનતાનો અભાવ હોય છે અને તેને પોતાની જાત વિશે સાચી સમજ હોતી નથી; (iii) તેને અન્ય સાથે લાગણીભર્યા સંબંધો બાંધવામાં તેમજ બીજાઓથી પોતાની જાતને અલગ પાડવામાં મુશ્કેલીઓનો અનુભવ થાય છે; (iv) આવી વ્યક્તિ અન્ય કોઈ તરફથી પોતાની થતી જરા પણ ટીકા કે કલ્પિત અપમાનો પરત્વે અતિશય સંવેદનશીલ હોય છે; (v) કોઈ કૃત્ય પરત્વે અપરાધભાવથી પીડાવાને બદલે તે શરમના ભાવથી વધારે પીડાય છે.

સાહિત્યકારોએ સ્વપ્રેમને કેન્દ્રમાં રાખી નવલકથા, નાટક, કાવ્ય જેવી સાહિત્યકૃતિઓ રચી છે.

આમ તો દરેક વ્યક્તિને ઓછાવત્તા પ્રમાણમાં પોતાની જાત પ્રત્યે આકર્ષણ, સ્વપ્રેમ હોય જ. નાના શિશુથી માંડીને વૃદ્ધ વ્યક્તિને પોતાનાં કોઈ વખાણ કરે, પોતે સારા, આકર્ષક દેખાય તે ગમે છે. ઘણાં યુવક-યુવતીઓ અરીસામાં પોતાની જાતને જોઈને મલકાય છે. સુંદર શરીરને જોઈને શરમાય છે, ફુલાય છે, વળી સાજશણગાર સજવા, અંગ-પ્રસાધનોનો ઉપયોગ કરવો વગેરે પોતાની જાત પ્રત્યેના પ્રેમના જ આવિષ્કારો છે. કેટલાક માણસો એટલા બધા સ્વપ્રેમી હોય છે કે ઘર, બહાર, ઑફિસ બધે જ સૌ તેમને જ કેન્દ્રમાં રાખે, તેમની જ વાતો કરે  –વખાણ કરે એવું આગ્રહપૂર્વક ઇચ્છે છે. સામાન્યત: સૌ વ્યક્તિઓ આત્મકેન્દ્રી વલણ, સ્વપ્રેમના વળગણમાંથી બહાર નીકળી બાહ્ય જગતની વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે અને અન્ય સાથેના સંબંધોમાં વાસ્તવિક, વસ્તુલક્ષી બની રહેવા પ્રયાસો કરે છે.

બેન બર્સ્ટેને (Ben Burstein) ‘Some Narcissistic Personality Types’ (1986)માં સ્વપ્રેમદર્શક વ્યક્તિત્વના ચાર પ્રકારો બતાવ્યા છે :

(i) ઝંખનાસેવી (craving) વ્યક્તિત્વ : પોતાની જાતનું જ વળગણ, પોતાની પ્રત્યે જ સૌ ધ્યાન આપે અને પોતાની જ સરભરા થાય તેવો આગ્રહ.

(ii) વ્યામોહાત્મક (paranoid) વ્યક્તિત્વ : અતિશય સંવેદનશીલ. વર્તનમાં જડ, ઈર્ષ્યાખોર, શંકાશીલ, ક્રોધિત, અન્યના વાંક જુએ.

(iii) યુક્તિપ્રયુક્તિયુક્ત (manipulative) વ્યક્તિત્વ : કશુંક પ્રાપ્ત કરવા માટે જાતજાતની યુક્તિઓ, કાવાદાવા કરે, અન્યના ભોગે પોતાનું જ હિત જુએ.

(iv) જાતીયતાકેન્દ્રી (phallic) વ્યક્તિત્વ : જાહેરમાં જાતીય ચેષ્ટાઓ કરે, કામુકતાનું પ્રદર્શન, અતિશય ઉદ્ધત. કારેન હોર્ની(નવફ્રોઇડવાદી)એ તારવ્યું છે કે સ્વપ્રેમદર્શનનું વલણ કેટલેક અંશે જનીનિક છે; તેમણે ‘NPA’નો એક વ્યક્તિત્વ-સિદ્ધાંત આપ્યો છે. તેમાં વ્યક્તિત્વના ત્રણ પ્રકારો બતાવ્યા છે : સ્વપ્રેમદર્શક (N = narcissitic), પૂર્ણત્વલક્ષી (P = perfectionist) અને આક્રમક (A = aggressive). જોઆના અશ્મમે (Joanna Ashmum) ‘What is Personality Disorders’ (2000)  – એ પુસ્તકમાં સ્વપ્રેમદર્શક ગ્રંથિયુક્ત વિકૃત વ્યક્તિત્વનાં કેટલાંક લક્ષણો નીચે પ્રમાણે બતાવ્યાં છે :

(i) પોતાનામાં અગાધ, અમાપ શક્તિ, તેજસ્વિતા, સૌંદર્ય છે તેવા તરંગોમાં રાચવું;

(ii) પોતે મોટા વીવીઆઇપી છે એમ માનવું અને સૌ તે સ્વીકારે તેવો આગ્રહ રાખવો.

(iii) પોતે ખાસ પ્રકારની વ્યક્તિ છે તેવું માને; મિત્રો, સાથીદારો તેનો આ ખાસ દરજ્જો સ્વીકારે તેમજ માન આપે એવી આશા રાખે;

(iv) સૌ તેનાં અત્યંત વખાણ, પ્રશંસા કરે એવું ઇચ્છે;

(v) પોતે અત્યંત પ્રતિભાશાળી છે તેવું માને;

(vi) સ્વાર્થી બનીને અન્યનો ફાયદો ઉઠાવે;

(vii) પરાનુભૂતિ ન અનુભવી શકે, અન્યની લાગણીઓ ન સમજી શકે;

(viii) અન્યની તીવ્ર ઈર્ષા કરે, અન્યો પોતાની ઈર્ષા કરે છે તેવું માને;

(ix) અતિશય ઉદ્ધત, ગરમ મિજાજ, અન્ય પ્રત્યે તિરસ્કારયુક્ત વલણ અને વર્તન.

ભાનુપ્રસાદ અ. પરીખ