સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite)

January, 2009

સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite) : નાઇટ્રોગ્લિસરીન અને ગનકોટન (guncotton) (નાઇટ્રોસેલ્યુલોઝ કે સેલ્યુલોઝ નાઇટ્રેટ) ધરાવતો ઉચ્ચ વિસ્ફોટક. સ્વીડિશ વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલે 1867માં ઔદ્યોગિક દૃષ્ટિએ ઘણા અગત્યના એવા ડાઇનેમાઇટની શોધ કરી હતી. ડાઇનેમાઇટના ચાર મુખ્ય પ્રકાર છે : (i) સીધું (સરળ, straight) ડાઇનેમાઇટ, (ii) એમોનિયા ડાઇનેમાઇટ, (iii) સીધું અથવા સરળ જિલેટિન અને (iv) એમોનિયા જિલેટિન.

સરળ જિલેટિન એ સ્ફોટક જિલેટિન તરીકે ઓળખાતા દૃઢ (stiff), ઘટરસ(gel)માંથી બનાવાય છે અને તે નાઇટ્રોગ્લિસરીન સાથે થોડા (7 %થી 8 % જેટલાં) ગનકોટન (એક વિસ્ફોટક) સાથે મિશ્ર કરીને બનાવાય છે. સરળ જિલેટિનમાં આ ઉપરાંત સોડિયમ નાઇટ્રેટ તેમજ અન્ય સંઘટકો (ingradients) પણ ઉમેરવામાં આવે છે.

સ્ફોટક જિલેટિનની શોધ (1875) એ આલ્ફ્રેડ નોબેલનું બીજું મહત્વનું પ્રદાન હતું. એક દંતકથા મુજબ નોબેલની આંગળીએ ઈજા થવાથી તેમણે ઘાને ઢાંકવા માટે કોલોડિયોન(collodion)નો (ઓછો નાઇટ્રોજન ધરાવતા નાઇટ્રોસેલ્યુલોઝના ઈથર અને આલ્કોહૉલમાંના દ્રાવણનો) ઉપયોગ કર્યો, પણ પીડાને કારણે ઊંઘ ન આવવાથી નાઇટ્રોસેલ્યુલોઝ ઉપર કોલોડિયોનની શું અસર થાય છે તે તપાસવા નોબેલ પ્રયોગશાળામાં ગયા. અત્યંત સંતોષ સાથે તેમણે જોયું કે દ્રાવકોના બાષ્પીભવન બાદ એક ચર્મલ (કઠોર, tough), સુઘટ્ય (plastic) પદાર્થ બાકી રહે છે. આ ઉપરથી તેમણે શોધી કાઢ્યું કે નાઇટ્રોગ્લિસરીનમાં 7 %થી 8 % જેટલું કોલોડિયોન પ્રકારનું નાઇટ્રોસેલ્યુલોઝ સીધું ઉમેરવાથી પણ આવો પદાર્થ મળી શકે છે. આને તેમણે સ્ફોટક જિલેટિન નામ આપ્યું. તેમણે એ પણ જોયું કે ગનકૉટનનો ઓછો જથ્થો પદાર્થની શ્યાનતા (viscosity) ઘટાડી તેમાં અન્ય સક્રિય સંઘટકો ઉમેરવાનું શક્ય બનાવે છે. તેમણે મૂળ પદાર્થનો સ્ફોટક જિલેટિન જ્યારે ગાઢાં પ્રવાહી મિશ્રણો(dope mixtures)ને જિલેટિન ડાઇનેમાઇટ તરીકે ઓળખાવ્યાં.

આ પદાર્થોનો મુખ્ય ફાયદો એ હતો કે તેઓ ઊંચી જલપ્રતિરોધકતા (water resistance) ધરાવતા હતા અને તુલનાક્ષમ ડાઇનેમાઇટો કરતાં વધુ સ્ફોટક કાર્યશક્તિ (blasting action power) ધરાવતા હતા. આ વધારાની શક્તિ તેમની ઊંચી ઘનતા અને સુઘટ્યતા(plasticity)ને કારણે હતી. આવા વિસ્ફોટકોનો ઉપયોગ ખાણોના પથ્થરોને તોડવા, બોગદાં બનાવવા જેવા હેતુઓ માટે થાય છે.

પ્ર. બે. પટેલ