સ્ફોટક બખોલ (Blow hole) : સમુદ્ર ભેખડની ખડક-દીવાલમાં ઉદભવતી બખોલ. સમુદ્ર-મોજાંની નિરંતર ક્રિયાથી થતી રહેતી વેગવાળી પછડાટોથી ખડક-દીવાલનો કેટલોક ભાગ સ્ફોટ (ધડાકા) સહિત તૂટીને ઊછળે છે, પરિણામે વખત જતાં કોટર કે બખોલ જેવા પોલાણ-આકારો તૈયાર થાય છે. ગરમી-ઠંડીની અસરથી ખડકની બાહ્યસપાટી પર તડો અને સાંધા ઉદભવે છે. તડોસાંધામાં રહેલી હવા મોજાંની ઓચિંતી અથડામણ થવાથી પ્રસરણ પામે છે. પ્રસરેલી હવા બહાર નીકળવા પ્રયાસ કરે છે. તે દરમિયાન નાના-મોટા વિસ્ફોટ સાથે ખડકભાગ તૂટી જઈ પોલાણ તૈયાર થાય છે. આવાં પોલાણ કે બખોલને સ્ફોટક બખોલ કહે છે. ક્યારેક જાડાઈવાળા લાવાપ્રવાહોના થરની બાહ્યસપાટી પર પણ જ્વાળામુખ આકારનાં તદ્દન નાનાં કોટરો બનતાં હોય છે. તેમને પણ સ્ફોટક બખોલ કહે છે.

ગિરીશભાઈ પંડ્યા