સ્પૉફૉર્થ, ફ્રેડરિક (જ. 9 સપ્ટેમ્બર 1853, બાલ્મેન, સિડની; અ. 4 જૂન 1926, લોંગ ડિટન, સરે, ઇંગ્લૅન્ડ) : અગ્રણી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેમની પ્રારંભિક ટેસ્ટ મૅચોમાં તેમને તેમની ગોલંદાજી બદલ ‘ધ ડેમન’ એવું ઉપનામ અપાયું હતું; કારણ કે ઘણી ટેસ્ટ મૅચોમાં તેઓ જ મોટા ભાગની વિકેટ ઝડપતા. તેમણે ઝડપી ગોલંદાજ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને તેમની ઝડપમાં તેઓ વૈવિધ્ય અને ‘બ્રૅક’ ઉમેરતા રહ્યા. મેલબોર્ન ખાતેની જાન્યુઆરી 1879ની બીજી ટેસ્ટમાં આખા દાવનું તેમનું પૃથક્કરણ 6–48 અને 7–62નું હતું, એમાં પ્રથમ સરેરાશમાં ટેસ્ટની સર્વપ્રથમ હેટ-ટ્રિક (લગાતાર 3 વિકેટ) પણ નોંધાઈ.

ફ્રેડરિક સ્પૉફૉર્થ

1882માં તેમણે એથીય સારો દેખાવ કર્યો; એક જ ટેસ્ટ મૅચમાં 7–31ની સરેરાશથી 14 વિકેટ ઝડપનાર તેઓ પ્રથમ ગોલંદાજ. ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પ્રથમ કક્ષાની મૅચોમાં તેમની રમત જાણે અપવાદરૂપ હતી; 1878માં 11.00ની સરેરાશથી તેમણે 97 વિકેટ, 1882માં 13.24ની સરેરાશથી 157 રન અને 1884માં 12.82ની સરેરાશથી 207 વિકેટ ઝડપી. ઑસ્ટ્રેલિયન ટીમના 5 દેશોના 1878 અને 1880માં લાંબા આંતરરાષ્ટ્રીય પ્રવાસો દરમિયાન, તેમણે તમામ મૅચોમાં 6.04ની સરેરાશથી 764 વિકેટ અને 5.40ની સરેરાશથી 763 વિકેટ ઝડપી.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 18 ટેસ્ટ 187787; 9.43ની સરેરાશથી 217 રન; સૌથી વધુ જુમલો 50; 18.41ની સરેરાશથી 92 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 7–44; 11 કૅચ.

(2) પ્રથમ કક્ષાની મૅચ 1874–97; 9.88ની સરેરાશથી 1928 રન; સૌથી વધુ જુમલો 50; 14.95ની સરેરાશથી 853 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 918; 83 કૅચ.

મહેશ ચોકસી