સ્પોડ્યુમિન (spodumene) : સ્ફુલિંગમણિ પાયરોક્સિન વર્ગનું ખનિજ. તે ટ્રાયફેન નામથી પણ ઓળખાય છે. રાસા. બંધારણ : LiAlSi2O6 – લિથિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટ. તે લિથિયમનું ધાતુખનિજ છે અને સીરેમિક દ્રવ્યો માટેનો સ્રોત ગણાય છે. આ ખનિજ  સામાન્ય રીતે લિથિયમધારક ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં રહેલું હોય છે. તે જ્યારે પારદર્શક, તેજસ્વી અને કાચ જેવી ચમકવાળું હોય ત્યારે અર્ધકીમતી રત્ન (ઉપરત્ન) તરીકે તેનું મૂલ્ય અંકાય છે.

સ્પોડ્યુમિન

 રત્નશોખીન સંગ્રાહકો આવાં ખનિજોને જાળવી રાખે છે, સંગ્રહસ્થાનોમાં તેને પ્રદર્શિત કરવામાં આવે છે. સૂર્યપ્રકાશમાં ખુલ્લું રહેવાથી તેનો રંગ ઝાંખો પડે છે. તેના મુખ્ય પ્રકારોમાં પન્નુ જેવા લીલા હિડ્ડેનાઇટ તેમજ ગુલાબી કે આછા જાંબલી કુંઝાઇટનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા