સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin)

January, 2009

સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin) : એમીનોગ્લાયકોસાઇડ વર્ગનું શક્તિશાળી પ્રતિજૈવિક (antibiotic) ઔષધ. રાસાયણિક નામ :

O2ડીઑક્સિ2(મિથાઇલ એમીનો)–α–L–ગ્લુકોપાયરેનોસીલ – (1 → 2)–0–5–ડીઑક્સિ–3–C–ફૉર્માઇલ–α–L–લિક્સોફ્યુરે-નોસીલ–(1 → 4)N, N’–બિસ (એમીનોઇમિનોમિથાઇલ)–D–સ્ટ્રેપ્ટામાઇન.

સ્ટ્રેપ્ટોમાયસીસ (Streptomyces) સમૂહના સૂક્ષ્મજીવાણુઓમાંથી વાતજીવી (aerobic) જલમગ્ન (submerged) આથવણ દ્વારા મેળવાય છે. તેની સંરચના પ્રબળ જલરાગી (hydrophilic) પ્રકૃતિ સૂચવે છે અને સામાન્ય દ્રાવક-પદ્ધતિઓ વડે તેનું નિષ્કર્ષણ થઈ શકતું નથી. બે વિસ્થાપિત ગ્વાનિડીન સમૂહોની પ્રબળ-બેઝ લાક્ષણિકતાને કારણે તેને કેટાયન (cation) તરીકે ગાળેલા દ્રાવણમાંથી આયન-વિનિમય પદ્ધતિ વડે અલગ કરી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થાય છે.

સ્ટ્રેપ્ટોમાયસિન

સ્ટ્રેપ્ટોમાયસિન ધૂળિયા સફેદ ચૂર્ણ-સ્વરૂપે હોય છે. તે ગંધવિહીન અને સહેજ કડવું હોય છે. તેનાં લવણો ભેજશોષક હોય છે, પણ હવા તથા પ્રકાશની તેના પર ખાસ અસર થતી નથી. તેનો અણુભાર 581.6 છે. ઇથાઇલ આલ્કોહૉલ, આઇસોપ્રોપેનોલ, ઈથર તથા કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવાં દ્રાવકોમાં તે અદ્રાવ્ય છે જ્યારે પાણીમાં પ્રતિ મિલીલિટરે 20 મિગ્રા. કરતાં વધુ દ્રાવ્ય છે. પાણીમાંનું તેનું તટસ્થ દ્રાવણ 25° સે. તાપમાનની નીચે એક અઠવાડિયા સુધી વિઘટન પામ્યા વગર સમતોલ સ્થિતિમાં રહે છે. આલ્કલાઇન (pH 7 કરતાં વધુ) દ્રાવણોમાં તે વધુ ક્રિયાશીલ રહે છે. સંકેન્દ્રિત ઍસિડ કે આલ્કલીમાં તે અસ્થિર હોય છે. આલ્કલાઇન પદાર્થોનાં દ્રાવણો સાથે તે ભળી શકતું નથી.

સ્ટ્રેપ્ટોમાયસિન ક્ષયરોગ અથવા ટી.બી.ની સારવારમાં, ટાઇફૉઈડ તાવ તેમજ અન્ય કેટલાક જીવાણ્વિક (bacterial) રોગ-સંક્રમણ(infections)માં થાય છે. વિશ્વની ત્રીજા ભાગની એટલે કે લગભગ 1.7 અબજ જેટલી વસ્તીને માઇક્રોબૅક્ટેરિયમ ટ્યૂબરક્યુલૉસિસ જીવાણુનો ચેપ લાગે છે. જેઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓમાં તે ઉગ્ર સ્વરૂપ પકડે છે; દા. ત., પૂરતી સારવારને અભાવે એચ.આઇ.વી. ચેપગ્રસ્ત થયેલ વ્યક્તિમાં આ જીવાણુ ઝડપથી વૃદ્ધિ પામતાં રોગી મૃત્યુ પામે છે.

માત્રા : અંત:સ્નાયવી (intramuscular) ઇંજેક્શન દ્વારા તે સ્નાયુમાં દાખલ કરવામાં આવે છે. પુખ્ત વ્યક્તિ માટે રોજ એક ગ્રામ માત્રા પાંચ ગ્રામ પેરાએમીનોસેલિસિલિક ઍસિડ (PAS) તથા 200થી 300 મિગ્રા. આઇસોનિયાઝાઇડ સાથે આપવામાં આવે છે. થોડા વખતમાં જ સ્ટ્રેપ્ટોમાયસિન બંધ કરવાનું હોય છે અથવા અઠવાડિયાનું એક ગ્રામ – એ રીતે બેથી ત્રણ વાર અપાય છે. જોકે ચિકિત્સકની સલાહ અતિ આવશ્યક છે.

આડઅસરો : તેની આડ-અસરોમાં ઊબકા આવવા, ઊલટી થવી, ઘેન ચઢવું, ઢીમણાં થવાં અને તાવ વગેરે મુખ્ય છે. તેની લાંબા ગાળાની અસરોમાં બધિરતા મુખ્ય છે.

મૂત્રાશય(kidney)ના રોગીઓને આ ઔષધ આપવું હિતાવહ નથી, કારણ કે તે ઘાતક ઝેરી અસરો નિપજાવે છે; ઘણી વાર રક્તદાબમાં ઘટાડો થાય છે. કોઈક કિસ્સામાં તે પક્ષાઘાત પણ નિપજાવે છે. અન્ય પ્રતિજૈવિકોની માફક ઍલર્જિક (allergic) પ્રક્રિયા પણ સંભવિત છે. હાલ આ ઔષધ ઓછું ઉપયોગમાં લેવાય છે.

સ્ટ્રેપ્ટોમાયસિનનો શાકભાજી ઉપર તેમજ તમાકુ કે ગૃહસજાવટના છોડવા માટે તેનો સામાન્ય જંતુનાશક તરીકે ઉપયોગ થાય છે. પાકને નુકસાન પહોંચાડનાર સૂક્ષ્મ જીવાણુઓ, ફૂગ તથા તળાવો તથા માછલીઘરમાં લીલના નિયમન માટે પણ તે વપરાય છે. પક્ષીઓ માટે તે ઝેરી નથી. માછલી માટે તે થોડુંક ઝેરી છે. બિલાડીને અનુલક્ષીને તે સૂક્ષ્મજીવાણુનાશક તરીકે વાપરવામાં આવે છે.

યોગેન્દ્ર કૃ. જાની