સ્ટ્રૅબો (Strabo) [જ. ઈ. પૂ. 63 (?), અમાસિયા, તુર્કસ્તાન; અ. ઈ. સ. 24 (?)] : ગ્રીક ભૂગોળવેત્તા અને ઇતિહાસવિદ. તેમણે રોમ અને ઍલેક્ઝાંડ્રિયામાં અભ્યાસ કરેલો. ત્યાર બાદ તેમણે અરબસ્તાન, દક્ષિણ યુરોપ તથા ઉત્તર આફ્રિકામાં પણ પ્રવાસો ખેડેલા.

સ્ટ્રૅબો

ભૌગોલિક માહિતી એકત્રિત કરી તેને લખાણબદ્ધ કરવા માટે તેઓ જાણીતા છે. તેમણે ભૂગોળ વિશે 17 ગ્રંથો લખેલા, જેમાં તત્કાલીન જાણમાં હોય એવા દુનિયાના બધા જ ભાગોનું વર્ણન કરવામાં આવેલું છે. ખ્રિસ્તી યુગના પ્રારંભકાળના ભૂમધ્ય સમુદ્રની આજુબાજુના દેશોની ભૌગોલિક માહિતી માટે આ ગ્રંથો જૂના સંદર્ભોની ગરજ સારે છે. સ્ટ્રૅબોએ લંબાણપૂર્વક ઇતિહાસ પણ લખેલો, પરંતુ આજે તે ઉપલબ્ધ નથી.

નીતિન કોઠારી