સ્ટ્રૅન્ડ, પૉલ (જ. 16 ઑક્ટોબર 1890, ન્યૂયૉર્ક નગર, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1976, પૅરિસ નજીક, ફ્રાન્સ) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર. પરસ્પર અસંગત જણાતા પદાર્થો અને વસ્તુઓની સહોપસ્થિતિ નિરૂપતી ફોટોગ્રાફી કરીને અમૂર્ત અને ઍબ્સર્ડ વલણો પર ભાર મૂકવા માટે તેઓ જાણીતા છે.

સત્તર વરસની ઉંમરે સ્ટ્રૅન્ડે લુઇસ હાઇન પાસે ફોટોગ્રાફી શીખવી શરૂ કરી. હાઇન ઔદ્યોગિક કામદારો અને વિદેશોમાંથી અમેરિકા આવતા વસાહતીઓની ફોટોગ્રાફી કરવા માટે ખ્યાતનામ છે. હાઇને સ્ટ્રૅન્ડની ઓળખાણ અમેરિકાના એક અન્ય અગ્રણી ફોટોગ્રાફર આલ્ફ્રેડ સ્ટીગ્લિટ્ઝ (Alfred Stieglitz) સાથે કરાવી. ઉપરાંત એ વખતે ન્યૂયૉર્કમાં યોજાયેલાં આધુનિક ચિત્રકારો પિકાસો, બ્રાક (Braque) અને સેઝાં(Cezanne)નાં ચિત્રપ્રદર્શનોથી સ્ટ્રૅન્ડ પ્રભાવિત થયા; જેના પરિણામે એ અમૂર્ત અને ઍબ્સર્ડ ફોટોગ્રાફી તરફ ઢળ્યા. એ વખતની એમની ફોટોગ્રાફીમાંથી બે ફોટોગ્રાફ ‘શેડો પૅટર્ન, ન્યૂયૉર્ક’ (1915) અને ‘વૉલ સ્ટ્રીટ’ (1915) ખૂબ જાણીતા થયા. અન્ય એક ફોટોગ્રાફ ‘વ્હાઇટ ફૅન્સ’(1916)માં તેમણે અમૂર્ત ડિઝાઇનને તેમજ સફેદ-ગ્રે-કાળા રંગોના વિરોધાભાસને ઉઠાવ આપવા માટે પરિપ્રેક્ષ્ય અને ઊંડાણના નિરૂપણનો ત્યાગ કર્યો છે.

આ આરંભિક તબક્કામાં સ્ટીગ્લિટ્ઝ અને અન્ય અમેરિકન આધુનિક ફોટોગ્રાફરોથી વિપરીત સ્ટ્રૅન્ડે કદી પણ નેગેટિવ કે પ્રિન્ટમાં ફેરફાર–બદલાવ જેવાં ચેડાં કર્યાં નહિ. કૅમેરાના લેન્સ વડે નેગેટિવ પર પ્રકાશનું જે આલેખન થતું તે કૅમેરાના મૂળ ફોટોકાર્યને જ સ્ટ્રૅન્ડ ચુસ્તપણે વળગી રહ્યા. સ્ટ્રૅન્ડની આ પ્રકારની ફોટોગ્રાફી સૌપ્રથમ વાર સ્ટીગ્લિટ્ઝે પોતાના સામયિક ‘કૅમેરાવર્ક’માં પ્રકાશિત કરી.

સ્ટ્રૅન્ડ પૉલે મેક્સિકન સંસ્કૃતિની રચેલી ફોટોગ્રાફ શ્રેણીમાંથી એક ફોટોગ્રાફ

પ્રથમ વિશ્વયુદ્ધમાં સ્ટ્રૅન્ડે અમેરિકન લશ્કરમાં યુદ્ધના દસ્તાવેજી ફોટોગ્રાફર તરીકે સેવા આપી. એ પછી ચિત્રકાર–ફોટોગ્રાફર ચાર્લ્સ શીલરના સહયોગમાં તેમણે દસ્તાવેજી ફિલ્મ ‘મૅનૅહેટા’ (Mannahatta) બનાવી. ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મોના સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું; પરંતુ એ સાથે તેમણે સ્થિર ફોટોગ્રાફી પણ કરી, જેમાં તેમણે ઉત્તર અમેરિકા ખંડનાં ઘણાં સુંદર સ્થળોને આવરી લીધાં. તેમાં કોલોરાડો (1926), મેઇને (1927–28), ક્યૂબૅકનો ગાસ્પે દ્વીપકલ્પ (1929) અને ન્યૂ મૅક્સિકો (1930) ફોટોશ્રેણીઓમાં તેમણે એ સ્થળોની ભવ્યતાને સુપેરે ફોટોગ્રાફીમાં ઝડપી.

1933માં મૅક્સિકોની સરકારે સ્ટ્રૅન્ડની નિમણૂક પોતાના દેશના મુખ્ય ફોટોગ્રાફ તથા સિનેમેટોગ્રાફર તરીકે કરી. સ્ટ્રૅન્ડે મૅક્સિકન માછીમારોના જીવન વિશે ફિલ્મની ‘રેડેસ’ (Redes) બનાવી.

આ ફિલ્મનું ઉપશીર્ષક ‘ધ વેવ’ છે.

અમિતાભ મડિયા