સૉલ્વે અર્નેસ્ટ (Solvay Ernest)

January, 2009

સૉલ્વે, અર્નેસ્ટ (Solvay, Ernest) (જ. 16 એપ્રિલ 1838, રિબૅક-રૉગ્નોન, બ્રસેલ્સ પાસે; અ. 26 મે 1922, બ્રસેલ્સ) : બેલ્જિયમના ઔદ્યોગિક રસાયણવિદ. કાચ અને સાબુ ઉદ્યોગમાં મોટા પાયે વપરાતા સોડા-ઍશ (ધોવાનો સોડા, સોડિયમ કાર્બોનેટ) માટે વ્યાપારી ધોરણે પોસાય તેવી એમોનિયા-સોડા પ્રવિધિ વિકસાવવા માટે તેઓ પ્રખ્યાત છે.

અર્નેસ્ટ સૉલ્વે

સ્થાનિક શાળાઓમાં અભ્યાસ કર્યા બાદ સૉલ્વે તેમના પિતાના લવણો(salts)નું ઉત્પાદન કરતા ધંધામાં જોડાયા. 21 વર્ષની વયે તેઓ તેમના કાકા સાથે બ્રસેલ્સ નજીક આવેલા ગૅસવર્ક્સમાં જોડાયા અને ત્યાંની કામગીરી દરમિયાન તેમણે સૉલ્વે-એમોનિયા-સોડા પ્રવિધિ તરીકે જાણીતી ઔદ્યોગિક પ્રવિધિ વિકસાવી.

એમોનિયા-સોડા પ્રવિધિ આમ તો છેક 1811થી જાણીતી હતી, પણ આર્થિક રીતે પોષણક્ષમ એવા મોટા પાયા ઉપરના ઉત્પાદન માટે વ્યાપારી ધોરણે તેનો ઉપયોગ થયો ન હતો. સૉલ્વેએ સૉલ્વે-કાર્બોનેટિંગ ટાવરની શોધ દ્વારા સોડા-ઍશનું મોટા પાયા પર ઉત્પાદન કરવા માટેના પ્રશ્નનો ઉકેલ આણ્યો. આ ટાવરમાં એમોનિયા અને મીઠાના દ્રાવણને કાર્બન ડાયૉક્સાઇડ સાથે મિશ્ર કરવામાં આવે છે. 1861માં તેમણે પોતાના ભાઈ આલ્ફ્રેડ સાથે બ્રસેલ્સમાં પોતાની કંપનીની સ્થાપના કરી. 1863માં ક્યૂઇલેટ (Couillet) ખાતે ફૅક્ટરીનું બાંધકામ પૂરું થયું અને 1865માં ઉત્પાદન શરૂ થયું. આ દરમિયાન તેમણે પોતાની પ્રવિધિની પેટન્ટ કઢાવી અને સોડાના અન્ય ઉત્પાદકોને લાઇસન્સનું વેચાણ કર્યું. 1890 સુધીમાં તો તેમણે પરદેશમાં ઘણાં સ્થળોએ કંપનીઓની સ્થાપના કરી. આ પછી તો યુરોપ અને અમેરિકામાં પણ સૉલ્વેની પદ્ધતિ વપરાવા લાગી અને 19મા સૈકાના અંત સુધીમાં તો તેમણે 1820ના દસકાથી વપરાતી આવેલી લેબ્લૅન્ક પ્રવિધિનું સ્થાન લઈ લીધું.

તેમને સામાજિક સુધારા અને વૈજ્ઞાનિક સંશોધનમાં ઘણો રસ હતો. આથી પોતાની પ્રવિધિની સફળતાને કારણે તેમની પાસે એકઠી થયેલી દોલતનો ઉપયોગ તેમણે પરોપકારી હેતુઓ માટે કર્યો. પોતાના દેશને પણ તેમણે 1893–1900 દરમિયાન સેનેટના સભ્ય તરીકે સેવાઓ આપી. પ્રથમ વિશ્વયુદ્ધના ગાળામાં તેમણે ફ્રાન્સ અને બૅલ્જિયમ માટે યુ.એસ.માંથી આવતા ખાદ્ય પદાર્થોના વિતરણનું સુપરવિઝન સંભાળેલું. તેમણે ઈકોલે દ કૉમર્સ, ઈકોલે દ સાયન્સીઝ, પૉલિટિક્સ ઍટ સોશિયલ્સ તથા ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રી ઍન્ડ સોશિયૉલૉજીની સ્થાપના કરી હતી.

તેમને પ્રાપ્ત થયેલા પુરસ્કારોમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફ્રાન્સનો લેવૉઇઝિયર ચંદ્રક, બેલ્જિયમમાંથી ઑર્ડર ઑવ્ લિયૉપૉલ્ડ વગેરેનો સમાવેશ થાય છે.

જ. પો. ત્રિવેદી