સૉલ્તી, જોર્જ (સર) (જ. 21 ઑક્ટોબર 1912, બુડાપેસ્ટ, હંગેરી; અ. 5 સપ્ટેમ્બર 1997) : હંગેરિયન વાદ્યવૃંદ-સંચાલક (conductor). ચૌદ વરસની ઉંમરે તેમણે બુડાપેસ્ટ ખાતે લિઝ્ટ (Liszt) એકૅડેમી ખાતે પ્રસિદ્ધ હંગેરિયન સંગીતકારો બેલા બાતૉર્ક અને ઝોલ્ટાન કૉડાલેની પાસે ચાર વરસ સુધી સંગીતનો અભ્યાસ કર્યો. અઢાર વરસની ઉંમરે તેઓ બુડાપેસ્ટ ઑપેરામાં એક વાદક અને વાદ્યવૃંદ-સંચાલક તરીકે જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને ઝુરિકમાં સલામત આશ્રય શોધવો પડેલો, કારણ કે તેમનો ધર્મ યહૂદી હતો.

જોર્જ સૉલ્તી (સર)

આ કારણે તેઓ જાહેરમાં ઝાઝું વાદ્યવાદન કે વાદ્યવૃંદ-સંચાલન કરી શકતા નહિ. છતાં આ જ સમય દરમિયાન 1942માં તેમણે જિનીવા ઇન્ટરનૅશનલ પિયાનો કૉમ્પિટીશનમાં પ્રથમ ઇનામ જીતેલું. વિશ્વયુદ્ધ પૂરું થતાં 1946માં મ્યૂનિક ખાતેના બૅયારિશ સ્ટાટ્સોપર (bayerische staatsoper) ઑર્કેસ્ટ્રાના દિગ્દર્શક તરીકે જવાબદારી સ્વીકારી; જેમાંથી તેમણે 1952માં નિવૃત્તિ મેળવી. આ પછી 1952થી 1960 દરમિયાન ફ્રૅન્કફર્ટ ઑપેરા તથા 1961થી 1971 સુધી તેમણે કૉવેન્ટ ગાર્ડન ઑપેરાના દિગ્દર્શકની જવાબદારી સંભાળી. 1971માં બ્રિટિશ રાણીએ ‘નાઇટ કમાન્ડર ઑવ્ ધ બ્રિટિશ ઍમ્પાયર’ ખિતાબથી તેમને નવાજ્યા. 1974માં ફ્રાન્સના પ્રમુખે સર્વોચ્ચ ફ્રેન્ચ સન્માન ‘લિજ્યોં ઑવ્ ઑનર’ વડે તેમને બિરદાવ્યા.

ચાલુ જવાબદારીઓની સાથે સાથે સોલ્તીએ 1969માં શિકાગો સિમ્ફની ઑર્કેસ્ટ્રાના તથા 1971થી 1973 સુધી પૅરિસ ઑપેરાના ડિરેક્ટર/નિર્દેશકની જવાબદારી પણ સંભાળેલી. 1979માં તેઓ લંડન ફિલ્હામૉર્નિક ઑર્કેસ્ટ્રાના ડિરેક્ટર/નિર્દેશક ઉપરાંત મુખ્ય સંચાલક બન્યા.

અમિતાભ મડિયા