સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ
January, 2008
સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ (Saint Lawrence Seaway) : આટલાંટિક મહાસાગર અને ઉત્તર અમેરિકી સરોવર જૂથને સાંકળતો દરિયાઈ જળમાર્ગ. આ જળમાર્ગ કૅનેડાયુ.એસ. વચ્ચેનાં વિશાળ સરોવરો, સેન્ટ લૉરેન્સ નદી તેમજ નહેર સંકુલથી રચાયેલો છે. તેમાં ઑન્ટેરિયો તેમજ ન્યૂયૉર્કને વીજપુરવઠો પૂરો પાડતા જળવિદ્યુત ઊર્જા-પ્રકલ્પનો પણ સમાવેશ થાય છે.
સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ
આ દરિયાઈ માર્ગનું નિર્માણકાર્ય 1954ના ઑગસ્ટમાં શરૂ કરવામાં આવેલું અને તે 1959ના એપ્રિલમાં પૂરું થયેલું. તેમાં કુદરતી જળમાર્ગો ઉપરાંત ઊંડી બનાવાયેલી ખાડીઓ, ઉઘાડ-બંધ કરી શકાતા દરવાજા તેમજ નહેરવ્યવસ્થા કરવામાં આવેલી છે. વિશાળ સરોવરો અને સેન્ટ લૉરેન્સ નદી સંકુલ સહિત તેની કુલ લંબાઈ 15,200 કિમી. જેટલી થાય છે.
આ દરિયાઈ માર્ગ અદભુત ઇજનેરી સાહસ ગણાય છે. આટલાંટિક મહાસાગર અને સરોવરજૂથની જળસપાટીના સ્તરમાં તફાવત રહેતો હોવાથી નહેરો તેમજ દરવાજા-પદ્ધતિ દ્વારા આવતાં-જતાં જહાજો માટે જળસ્તરનો મેળ કરવાની વ્યવસ્થા ગોઠવેલી છે. મોટાભાગની નહેરો અને દરવાજા મૉન્ટ્રિયલ અને ઑન્ટેરિયો સરોવર વચ્ચે આવેલાં છે; બાકીનાં વેલેન્ડ નહેરમાં છે, જે ઑન્ટેરિયો સરોવર અને ઇરી સરોવરને જોડે છે. ઑન્ટેરિયો સરોવર ત્યાંનાં બધાં જ સરોવરો પૈકી નીચી જળસપાટી ધરાવે છે. સરોવરોનાં જળસ્તરના સંદર્ભમાં જોતાં, સમુદ્રસપાટી કરતાં તેની જળસપાટી 60 મીટર જેટલી ઊંચાઈ પર છે. સુપીરિયર સરોવરની જળસપાટીથી આટલાંટિક મહાસાગરની જળસપાટી સુધી પહોંચતાં જળસપાટીસ્તર 183 મીટર જેટલું નીચે ઊતરે છે.
આ દરિયાઈ માર્ગ ઇરી સરોવરના પૂર્વ છેડાથી મૉન્ટ્રિયલ સુધી આશરે 725 કિમી.ના અંતર માટે વિસ્તરેલો છે. આ માર્ગ મારફતે 27,000 ટન વજનનો માલ વહન કરતાં મર્યાદિત કદનાં વહાણોની અવરજવર થઈ શકે છે. આ જળમાર્ગ પર કૅનેડાનાં મૉન્ટ્રિયલ, ટોરૉન્ટો, હેમિલ્ટન અને થન્ડર બે સહિત કુલ 12 બંદરો તથા યુ.એસ.નાં બફેલો, ડેટ્રોઇટ અને શિકાગો સહિત કુલ 66 બંદરો મળીને એકંદરે 78 જેટલાં બંદરો આવેલાં છે.
નહેરો અને દરવાજા : આ દરિયાઈ માર્ગ પરના દરવાજા અને નહેરોનું વહીવટીકાર્ય કૅનેડાની સેન્ટ લૉરેન્સ સીવે ઑથોરિટી તથા સેન્ટ લૉરેન્સ સીવે ડેવલપમેન્ટ કૉર્પોરેશન સંભાળે છે. કૅનેડિયન એજન્સી હેઠળ 89 કિમી. લંબાઈની નહેર તેમજ 13 દરવાજા (તે પૈકીના 5 દરવાજા મૉન્ટ્રિયલ અને ઑન્ટેરિયો સરોવર વચ્ચે) આવેલા છે તથા બાકીના વેલેન્ડ નહેર વિભાગમાં છે. એ જ રીતે યુ.એસ. એજન્સી હેઠળ 16 કિમી. લંબાઈની નહેર અને 2 દરવાજાના વહીવટની જવાબદારી છે. આ અંગેનો વેરો આ બંને દેશો ભેગા મળીને ભરે છે.
દરિયાઈ જળમાર્ગની નહેરો ઓછામાં ઓછી 60 મીટર પહોળાઈવાળી છે અને 8 મીટર ઊંડી છે. દરવાજાની પહોળાઈ 24 મીટર, લંબાઈ 233 મીટર અને ઊંડાઈ 9 મીટર છે. પ્રત્યેક દરવાજો પસાર કરવામાં જહાજને આશરે 35 મિનિટનો સમય લાગે છે. આ જળમાર્ગ એપ્રિલથી મધ્ય ડિસેમ્બર સુધીના આશરે 250 દિવસો માટે ખુલ્લો રહે છે. માફકસરના હવામાનવાળી ઋતુમાં કોઈ પણ જહાજને આખોય જળમાર્ગ પસાર કરવામાં દોઢ દિવસ લાગે છે, જોકે ધુમ્મસ કે પવનોના સુસવાટાવાળા સંજોગો વખતે થોડીક વધુ વાર પણ લાગે છે; એ જ રીતે વેલેન્ડ નહેરમાંથી પસાર થવામાં પણ વાર લાગે છે.
સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ દ્વારા વાર્ષિક અંદાજે 4.5 કરોડ મેટ્રિક ટન માલસામાનની હેરફેર થતી રહે છે. તે પૈકીનો ઘણોખરો માલ કૅનેડા અને યુ.એસ.માંથી જહાજોમાં ભરાય છે અને યુરોપના દેશોમાં જાય છે. હેરફેર થતા મુખ્ય માલમાં જથ્થાબંધ અનાજ, ખનિજો, લોહ-અયસ્ક, કોલસો, પોલાદ, ઓટોમોબાઇલ તેમજ અન્ય કાચા માલનો સમાવેશ થાય છે. 30થી વધુ રાષ્ટ્રો માલની હેરફેરમાં ભાગ લે છે. 65 % માલ કૅનેડિયન જહાજો મારફતે અને 35 % માલ અમેરિકી જહાજો મારફતે લઈ જવાય છે. અહીંનાં સરોવરો પરનાં બંદરો તથા સમુદ્ર આરપાર થતા રહેતા કુલ વેપારનો 25 % હિસ્સો આ જળમાર્ગ મારફતે થાય છે. યુ.એસ.માંથી આટલાંટિક મહાસાગર આરપાર પશ્ચિમ યુરોપ સાથે થતા જળમાર્ગી અંતર કરતાં આ માર્ગ ટૂંકો પડવાથી વેપાર માટે આર્થિક રીતે લાભકારક નીવડે છે.
જળવિદ્યુત ઊર્જાપ્રકલ્પ : આ દરિયાઈ જળમાર્ગ પર ઑન્ટેરિયોના કૉર્નવૉલ અને ન્યૂયૉર્કના મેસીના વચ્ચે આવેલા મોસેઝ-સૉન્ડર્સ બંધ ખાતે આ પ્રકલ્પ આવેલો છે. આ પ્રકલ્પમાંથી ઑન્ટેરિયો અને ન્યૂયૉર્કને અંદાજે 16,00,000 કિલોવૉટ વીજપુરવઠો મળે છે. તેનો વહીવટ બંને દેશો હસ્તક છે. આ પ્રકલ્પને જળપુરવઠો પૂરો પાડતા સેન્ટ લૉરેન્સ સરોવરની લંબાઈ 48 કિમી. જેટલી છે. બંધના સ્થળ પર અગાઉ પ્રપાતો હતા, જે અહીં ત્રણ બંધ નિર્માણ પામવાથી પ્રપાતોનું અસ્તિત્વ રહ્યું નથી.
ગિરીશભાઈ પંડ્યા