સેન્ટ લૉરેન્સનો અખાત : ઉત્તર આટલાંટિક મહાસાગર સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : 48° 00´ ઉ. અ. અને 62° 00´ પ. રે.. આટલાંટિક મહાસાગર સાથે સંકળાયેલા મેક્સિકોના અખાત પછી વિસ્તારની દૃષ્ટિએ આ અખાતનો ક્રમ આવે છે. તેની પૂર્વે ન્યૂફાઉન્ડલૅન્ડનો આંશિક ભાગ, દક્ષિણે નોવા સ્કોશિયા અને ન્યૂ બ્રુન્સવીકનો સમાવેશ થાય છે. આ અખાતમાં સેન્ટ લૉરેન્સ નદી તેમજ ગ્રેટ લેક્સનો જળપુરવઠો ઠલવાતો રહે છે. પૂરતા જળપુરવઠાને કારણે તે પૂર્વ કૅનેડા અને ઉત્તર યુ.એસ. માટે મહત્ત્વનો જળમાર્ગ બની રહ્યો છે અને આ બંને દેશોનો વેપાર વિકસ્યો છે. 1959થી આ જળમાર્ગ દ્વારા સમુદ્રોમાં અવરજવર કરતાં માલવાહક જહાજો અખાતના મુખથી ગ્રેટ લેક્સના અંતરિયાળ ભાગો સુધી જઈ શકે છે. આ અખાત બે ખાડીમાર્ગો દ્વારા આટલાંટિક મહાસાગર સાથે સંકળાયેલો છે; આ પૈકીની એક કૅબટ(cabot)ની સામુદ્રધુની છે, જે કૅપ બ્રેટનથી ન્યૂફાઉન્ડલૅન્ડ સુધી 95 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલી છે, જ્યારે બીજી બેલે(Belle)ની સામુદ્રધુની લાબ્રાડોર અને ન્યૂફાઉન્ડલૅન્ડ વચ્ચે આવેલી છે. આ રીતે યુ.એસ. અને કૅનેડા ગ્રેટ લેક્સ, સેન્ટ લૉરેન્સ નદી, અખાત, બે સામુદ્રધુની, આટલાંટિક મહાસાગર મારફતે અન્ય દેશો સાથે જોડાયેલાં રહે છે.

આ અખાતમાં સંદેશાવ્યવહારના અનેક કેબલ પથરાયેલા છે. અનેક સ્ટીમરો ક્વિબૅક અને આટલાંટિક વચ્ચે અવરજવર કરતી રહે છે. અખાતમાં નાની ભરતી અનુભવાય છે; બદલાતા પ્રવાહો, ગાઢ ધુમ્મસ તથા તરતી હિમશિલાઓ કેટલીક વાર વહાણવટાને નુકસાન પણ પહોંચાડે છે. અખાતની દક્ષિણે પિન્સ ઍડવર્ડ ટાપુ તથા સેંટ લૉરેન્સ નદીના મુખ પાસે એન્ટિકોસ્ટી (Anticosti) ટાપુ આવેલા છે. આ ઉપરાંત અખાતના ઉત્તર અને દક્ષિણ કાંઠા પર નાના નાના ઘણા ટાપુઓ આવેલા છે.

સેન્ટ લૉરેન્સના અખાતની તેમજ સેન્ટ લૉરેન્સ નદીની શોધ જૅક્વિસ કાર્ટિયરે (Jacques Cartier) કરી હતી. તેના અભિયાનની બીજી સફરમાં તેણે 10 ઑગસ્ટ, 1533ના રોજ અખાતના ઉત્તર કિનારેથી પ્રવેશ કર્યો હતો.

નીતિન કોઠારી