સેન્ટ લૉરેન્સ (નદી) : ઉત્તર અમેરિકાની મહત્ત્વની નદી. તે યુ.એસ. અને અગ્નિ કૅનેડાની સરહદ પર આવેલી છે. ભૌગોલિક સ્થાન : 49° 30´ ઉ. અ. અને 67° 00´ પ. રે.. કૅનેડાની મૅકેન્ઝી નદીને બાદ કરતાં તે બીજા ક્રમે આવતી મોટી નદી ગણાય છે, તેની લંબાઈ – તેના મૂળ સ્થાન ઑન્ટેરિયો સરોવરથી તેના મુખ સુધી 1,287 કિમી. જેટલી છે. તે આશરે 12,91,100 ચોકિમી. જેટલો જળસ્રાવ વિસ્તાર ધરાવે છે.

સેન્ટ લૉરેન્સ નદીના મુખભાગની નાળ ઘણી મોટી છે, તે સેન્ટ લૉરેન્સના અખાત (Saint Lawrence Seaway) તરીકે ઓળખાય છે. આ નદી તેમજ અખાત મારફતે આટલાંટિક મહાસાગર અને ઉત્તર અમેરિકાનું સરોવર-જૂથ અન્યોન્ય સંકળાયેલાં રહે છે. આ જળમાર્ગે થતો વ્યવહાર તેના કાંઠા પરનાં બંદરોને ખૂબ જ વ્યસ્ત રાખે છે. આ માર્ગ જૂના વખતમાં પણ રુવાંટી મેળવનારા પ્રવાસી-વેપારીઓ, વસાહતીઓ તેમજ અભિયાનકારો માટે મહત્ત્વનો બની રહેલો. તેમની અહીંની અવરજવરથી ઘણા વસાહતીઓ અહીં યુ.એસ. તેમજ કૅનેડા ખાતે વસવા પ્રેરાયેલા. તેઓ અહીંનાં ઘણાં સ્થળો ખૂંદી વળેલા. આ કારણે કૅનેડાવાસીઓ ગૌરવથી આ નદીને કૅનેડાની માતા (Mother of Canada) તરીકે ઓળખાવે છે.

સેન્ટ લૉરેન્સ નદીમાર્ગ

પ્રવાહપથ : ઑન્ટેરિયો સરોવરમાંથી તે નીકળે છે ત્યારે તેમાં સરોવરજળ વહે છે, તે જ રીતે તેની નાળમાં આટલાંટિકનાં જળ પણ ભરતી વખતે વહે છે. આ રીતે સેન્ટ લૉરેન્સ નદી એક વિશિષ્ટ પ્રકારનું નદીસંકુલ રચે છે. આ સંકુલનો મૂળ સ્રોત તો નદી પોતે જ છે, તે ડલથ (મિનેસોટાયુ.એસ.) ખાતે સુપીરિયર સરોવરમાં પ્રવેશે છે અને ઠલવાય છે. આખા સંકુલમાં સુપીરિયર, મિશિગન, હ્યુરોન, ઇરી અને ઑન્ટેરિયો સરોવર સાથે આ નદી સંકળાયેલી છે. આ રીતે તેની વિસ્તૃત લંબાઈ તો 3,669 કિમી.ની થાય છે. વાસ્તવમાં તો તે ઑન્ટેરિયો સરોવરના છેડેથી શરૂ થતી દેખાય છે. ત્યાંથી તે ઈશાનતરફી વળાંક લે છે. અન્ય નદીઓની જેમ તેના પર ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસ જેવા વિભાગો પડે છે.

ઉપરવાસની આ નદીનો વિભાગ ઑન્ટેરિયો સરોવરથી મૉન્ટ્રિયલ સુધી ગણાય છે. નદીનો આ  ભાગ યુ.એસ.-કૅનેડાની સરહદ રચે છે, બાકીનો  ભાગ માત્ર કૅનેડામાં અને તે પણ ક્વિબૅકમાં છે. આશરે 1700 જેટલા ટાપુઓનું જૂથ રચતો, સહસ્ર ટાપુઓ(The Thousand Islands)ના નામથી ઓળખાતો સમૂહ, જ્યાં આ નદી ઑન્ટેરિયો સરોવર છોડે છે ત્યાં માત્ર 64 કિમી.ની લંબાઈમાં સમાઈ જાય છે. મૉન્ટ્રિયલની પશ્ચિમે તેની મુખ્ય સહાયક નદી ઓટાવા તેને આવી મળે છે. ઉપરવાસમાં નદીપટની સરેરાશ પહોળાઈ બે કિમી. જેટલી છે, તેમ છતાં ક્યાંક ક્યાંક તે વધુ પહોળી પણ છે. એવાં સ્થળોમાં તે સરોવર જેવી દેખાય છે. સેન્ટ ફ્રાન્સિસ સરોવર અને સેન્ટ લુઈ સરોવર એનાં ઉદાહરણો છે. આ ઉપરાંત નદીના ઉપરવાસમાં આશરે 48 જેટલા તો પ્રપાતો (rapids) છે. ઑન્ટેરિયો સરોવર નજીકના પ્રપાતો સમુદ્રસપાટીથી 75 મીટર ઊંચાઈએથી, જ્યારે મૉન્ટ્રિયલ ખાતેના પ્રપાતો માત્ર 6 મીટર ઊંચાઈએથી ખાબકે છે.

સેન્ટ લૉરેન્સનો મધ્યવાસ મૉન્ટ્રિયલથી શરૂ થઈ ક્વિબૅક શહેર સુધી ગણાય છે. આ વિભાગના નદીપટની પહોળાઈ ઉપરવાસની નદીની પહોળાઈ જેટલી જ રહે છે, તેમાં સેન્ટ પીટર સરોવર રચનાનો પણ સમાવેશ થઈ જાય છે.

સેન્ટ લૉરેન્સ નદી

સેન્ટ લૉરેન્સના હેઠવાસનો ભાગ ક્વિબૅક શહેર પાસે આશરે 16 કિમી.ની પહોળાઈનો બની રહે છે. તે અખાતમાં ક્રમશ: ફેરવાતો જાય છે અને ઍન્ટિકોસ્ટી ટાપુની પશ્ચિમે તેની પહોળાઈ 145 કિમી.ની બની જાય છે. અહીં આ નદી પ્રત્યેક ક્ષણે 11,000 ઘનમીટર પાણી અખાતમાં ઠાલવે છે. આ અખાત સ્વયં આટલાંટિક મહાસાગરનો જ ઊંડો ફાંટો બની રહે છે. મહાસાગરની ભરતી પશ્ચિમે છેક ટ્રૉઇસરી-વિયર્સ સુધી પહોંચે છે. ભરતીને કારણે નદીનાં પાણી 6 મીટર જેટલાં ઊંચાં આવે છે. ટ્રૉઇસરી-વિયર્સની પૂર્વ તરફ નદીનાં સ્વચ્છ મીઠાં જળ મહાસાગરના ખારા જળમાં ફેરવાઈ જાય છે.

અર્થતંત્ર : કૅનેડાની અન્ય કોઈ પણ નદી કરતાં સેન્ટ લૉરેન્સ નદી દ્વારા વાર્ષિક વધુ (5.4 કરોડ ટનથી વધુ) માલ વહન થાય છે. માલની હેરફેર ઉત્તર અમેરિકા અને દરિયાપારના દેશો વચ્ચે આશરે 40 % જેટલી ગણી શકાય. માલમાં મુખ્યત્વે તો અનાજ અને લોહઅયસ્ક હોય છે, તેમ છતાં બીજો છૂટક માલ પણ જાય છે. લોહઅયસ્ક ક્વિબૅકના પશ્ચિમ લાબ્રાડૉરમાંથી લેવાય છે, ત્યાંથી તે શિકાગો, ક્લિવલૅન્ડ તેમજ સરોવરો પરનાં અન્ય બંદરો મારફતે નજીકની લોખંડ-પોલાદ મિલોને પહોંચાડાય છે. માલ લઈ જતાં જહાજો પાછાં ફરતી વખતે સરોવરનાં બંદરો પરથી અનાજ લઈ આવે છે. 50 % માલ નદી દ્વારા જાય છે, વળતી વખતે અનાજ જેવો 75 % માલ લઈ આવે છે.

હેઠવાસની નદી 30 મીટર જેટલી ઊંડી બની રહે છે; પરંતુ ઉપરવાસમાં તે પ્રમાણમાં છીછરી હોય છે. 1959 સુધી તો, ઉપરવાસમાં નદી છીછરી પડતી હતી. એ વર્ષે યુ.એસ. અને કૅનેડાના બંને દેશોએ ભેગા મળીને જળમાર્ગમાં ફેરફાર કર્યા, જેથી તે નૌકાસફર માટે ટોરૉન્ટો, થન્ડર બે, ઑન્ટેરિયો અને મિલવૌકી સુધી 8 મીટર જેટલી ઊંડી બની રહેલી. આ જળમાર્ગ મહાસાગર અને સરોવરો વચ્ચે જહાજો માટે અનુકૂળ બની રહ્યો છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં આ નદી પર ઑન્ટેરિયોના કૉર્નવૉલ નજીકના બંધ ખાતે જળવિદ્યુત-યોજના પણ સાકાર કરી છે.

પ્રાણીજીવન-વનસ્પતિજીવન : સેન્ટ લૉરેન્સ નદી તેમજ તેના ખીણપ્રદેશમાં ઘણી જાતનાં પ્રાણીઓ અને વનસ્પતિ જોવા મળે છે. બાસ, ઈલ, પર્ચ, પાઇક, સ્મેલ્ટ, ટ્રાઉટ જેવી વિવિધ પ્રકારની માછલીઓ મળે છે. અહીં બર્ચ, એલ્મ, હેમ્લૉક, મૅપલ, ઓક અને સ્પ્રુસનાં વૃક્ષો નદીકાંઠા નજીક ઊગે છે. વન્ય પ્રદેશના ભાગોમાં રીંછ, હરણ, લોંકડી, અમેરિકી સાબર, કસ્તૂરી ઉંદર, ધાનીધારી અમેરિકી પ્રાણી ઑપોસમ, સસલાં, ઋક્ષક (રેકૂન), અમેરિકી નોળિયો (સ્કન્ક) અને ખિસકોલીઓ જોવા મળે છે. આ ઉપરાંત બતક, હંસ, દરિયાઈ પક્ષી (gull) અને લૂન જેવાં પક્ષીઓ તેમના માળા નદી નજીક બાંધે છે.

કારખાનાંઓનાં પ્રદૂષણ, ગટરોનાં અસ્વચ્છ જળ, જહાજોનો કચરો આ નદીના વન્યજીવન માટે ખતરારૂપ બની રહેલાં છે; જોકે કૅનેડા અને યુ.એસ. બંને દેશોએ આ પ્રદૂષણ સામે શક્ય એટલાં જરૂરી પગલાં લીધાં છે.

ઇતિહાસ : ઉત્તર ધ્રુવવૃત્ત પ્રદેશની હિમનદીઓ ઉત્તર અમેરિકાનાં વિશાળ સરોવરો કોતરી કાઢેલાં હોવાની ઘટના પરથી નદી અને અખાત બંનેને તે જ નામ પછીથી અપાયાં હોવાનું જણાય છે. અહીં અસ્તિત્વ ધરાવતી હિમનદી આજથી આશરે 15,000થી 11,000 વર્ષ પૂર્વેના ગાળામાં, પ્લાયસ્ટોસીન હિમયુગના અંતિમ ચરણમાં ક્રમે ક્રમે ઓગળતી ગયેલી, તેનાં પાણીથી અહીંનાં કોરાયેલાં ગર્તમાં તેમજ ધાર પર સરોવરો અને નદી-અખાતની રચના થયેલી છે.

આ વિસ્તારમાં યુરોપિયનો પહોંચ્યા તે અગાઉ અહીં આલ્ગોંકિયન અને ઇરોક્વૉઇસ ઇન્ડિયનો વસતા હતા. 1535માં ફ્રેન્ચ અભિયંતા જેક્વિસ કાર્ટિયરે અહીં અભિયાન શરૂ કરેલું. ઑગસ્ટની 10મી તારીખે સેન્ટ લૉરેન્સનો જમણવારનો દિવસ હતો, ત્યારે કાર્ટિયર અહીંના અખાતમાં પ્રવેશ્યો અને તેણે આ જળમાર્ગને સેન્ટ લૉરેન્સ નામ આપ્યું. ત્યાંથી તે મૉન્ટ્રિયલ સુધી હંકારી ગયો; પરંતુ તે સ્થળે પડતા પ્રપાતોથી તેને અટકી જવું પડ્યું. કાર્ટિયરે આ નદીને તો કૅનેડાની નદી નામ આપેલું, પણ અહીં તો તેનાં સો વર્ષો પછી પણ ‘સેન્ટ લૉરેન્સ’ નામ જ વપરાતું રહ્યું.

17મી સદી દરમિયાન, ફ્રેન્ચોએ અહીં વસાહતો સ્થાપી. આજે ક્વિબૅક, મૉન્ટ્રિયલ, ટ્રૉઇસ-રીવિયર્સ તેમજ કાંઠા પરનાં સ્થળો છે ત્યાં તેઓ વસતા ગયા. ઘણીખરી વસાહતો રુવાંટીના વેપારનાં મથકો બની રહી તેમજ બંદરોમાં ફેરવાતી ગઈ. વેપારને કારણે નદીનાળ (estuary) જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાતાં ગયાં.

તે પછી ગ્રેટ બ્રિટન અહીં ફ્રાન્સ સાથે સાત વર્ષ લડાઈ લડ્યું. કૅનેડા પર ગ્રેટ બ્રિટને કાબૂ જમાવ્યો. ત્યારપછી આ નદી રુવાંટી, લાકડાં, ઘઉં અને અન્ય કૅનેડિયન નિકાસી વસ્તુઓને બ્રિટન લઈ જવાનો જળમાર્ગ બની રહી.

સેન્ટ લૉરેન્સના આ જળમાર્ગમાં તે પછી સુધારાવધારા કરવાના પ્રયાસો થયા. 1680માં નહેરનું બાંધકામ શરૂ થયું. વેપારીઓ મૉન્ટ્રિયલ નજીકના પ્રપાતોને વટાવી શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ. પછીનાં વર્ષોમાં બીજી ઘણી નહેરો તેમાં ઉમેરાતી ગઈ.

ઉપરવાસની નદીનો ભાગ દર વર્ષે શિયાળામાં ઠરી જાય છે. કૅનેડા અને યુ.એસ. તેમાં બારે માસ અવરજવર કરી શકાય એવો ઉકેલ લાવવા પ્રયાસો કરી રહ્યા છે.

ગિરીશભાઈ પંડ્યા