સેન, અપર્ણા (જ. 20 ઑક્ટોબર 1945, કોલકાતા) : અભિનેત્રી, દિગ્દર્શિકા, સંપાદિકા, મહિલાઓનાં હિતો માટે ઝૂઝતાં કર્મશીલ સન્નારી. કથાનકોની પસંદગી અને તેની વિશિષ્ટ માવજતને કારણે પોતાનાં બંગાળી અને અંગ્રેજી ચિત્રો થકી એક અનોખાં ચિત્રસર્જક બની રહેલાં અપર્ણા સેન એક એવા ઉચ્ચસ્તરીય બુદ્ધિજીવીઓ ધરાવતા બંગાળી ખાનદાનમાંથી આવે છે, જેનું બંગાળના સામાજિક ક્ષેત્રે સુધારાઓ કરવામાં ઘણું મોટું યોગદાન રહ્યું હોય. મહાન આધુનિક બંગાળી કવિઓમાં જેમની ગણના થાય છે તે જીવનાનંદ દાસ તેમના પિતાના મોટાભાઈ હતા. કોલકાતાની ખ્યાતનામ પ્રેસિડન્સી કૉલેજમાં ભણેલાં અપર્ણાએ બંગાળીમાં કાવ્યો રચ્યાં છે અને ટાગોરની કૃતિઓના અનુવાદો પણ કર્યા છે. ખ્યાતનામ ચિત્રસમીક્ષક અને દસ્તાવેજી ચિત્રોના સર્જક ચિદાનંદ દાસગુપ્તા અપર્ણાના પિતા છે. સત્યજિત રાય સાથે મળીને તેમણે છેક 1952માં કોલકાતામાં ભારતની પ્રથમ ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી હતી.
અપર્ણા સેન
ઘરના આવા વાતાવરણને કારણે અપર્ણાને નાનપણથી જ અભિનયમાં પણ રસ જાગ્યો હતો. દસ વર્ષનાં થયાં ત્યાં સુધીમાં તો બાળકલાકાર તરીકે તેમનું નામ થઈ ગયું હતું. ચિત્રમાં અભિનેત્રી તરીકે તેમને પ્રથમ તક સત્યજિત રાયે જ આપી હતી. કવિવર ટાગોરની ‘ત્રણ કન્યા’ પર રાયે બનાવેલા ચિત્રના છેલ્લા હપતા ‘સમાપ્તિ’માં ગામડાની એક અલ્લડ છોકરી મૃણ્મયીની ભૂમિકા તેમણે પહેલીવાર ભજવી હતી. એ પછી મૃણાલ સેનના ચિત્ર ‘આકાશકુસુમ’માં કામ કર્યું. પ્રારંભે થોડી નિષ્ફળતા બાદ ‘મેમસાહબ’ અને ‘એકાન્તો અપોન’ જેવાં તેમનાં ચિત્રો સફળ થયાં; પણ હવે તેમની ખ્વાહિશ પોતાની રીતે ચિત્રનું સર્જન કરવાની હતી. તેમણે પોતે લખેલી ‘36 ચૌરંઘી લેઇન’ વાર્તા તેમની પાસે હતી જ. તેના પરથી ચિત્રનું નિર્માણ કરવા માટે શશી કપૂરને વાત કરી. તેમણે તૈયારી દાખવતાં દિગ્દર્શિકા બનવાનું અપર્ણાનું સપનું સાકાર થયું. બંગાળી ચિત્રોના ઇતિહાસમાં અરુંધતી દેવી અને મંજુ ડે પછી દિગ્દર્શિકા બનનારાં અપર્ણા ત્રીજાં મહિલા બન્યાં. ‘36 ચૌરંઘી લેઇન’ આ એક જ ચિત્રે અપર્ણાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી દીધી. કોલકાતાના ચૌરંઘી વિસ્તારમાં એકાકી જીવન ગાળતી એક પ્રૌઢ ઍંગ્લો-ઇન્ડિયન શિક્ષિકાની એકલતા અને તેનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરનાર એક યુગલની કથાને અપર્ણાએ એવી સંવેદનશીલ રીતે રજૂ કરી હતી કે આ ચિત્રને શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ છબિકલા અને શ્રેષ્ઠ ફિલ્મના રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યા હતા. આ ઉપરાંત મનિલા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં શ્રેષ્ઠ ચિત્રનો ગોલ્ડન ઍવૉર્ડ અને અંગ્રેજીમાં શ્રેષ્ઠ ચિત્રનો ફિલ્મફેર ઍવૉર્ડ પણ મળ્યો હતો.
‘36 ચૌરંઘી લેઇન’ પછી ‘પરોમા’ પણ અપર્ણાનું નોંધપાત્ર પ્રયોગાત્મક ચિત્ર હતું. તેમાં તેમણે દર્શાવ્યું હતું કે એક નારી કેટલી હદે એક ચોક્કસ વાડામાં બંધાઈ રહેતી હોય છે અને જો તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે તો એને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ‘પારોમિતાર એક દિન’માં તેમણે સાસુ અને વહુના ખૂબ નિકટના સંબંધોનું નિરૂપણ કર્યું હતું. તેમાં સાસુની ભૂમિકા તેમણે પોતે ભજવી હતી. આ ચિત્ર માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શનનો રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો હતો. ‘સતી’માં તેમણે એક યુવતીનાં વૃક્ષ સાથે લગ્ન કરાવ્યાં હતાં. ‘યુગાંત’માં તેમણે સ્ત્રી-પુરુષના સંબંધોનું નિરૂપણ કર્યું હતું. આ ચિત્રમાં તેમણે પહેલીવાર મહત્ત્વાકાંક્ષા, પ્રદૂષણ, રાજકારણ અને માનસિક સંબંધો જેવા વિષયો હાથ પર લીધા હતા.
ચલચિત્રોનું દિગ્દર્શન ને ચિત્રોમાં અભિનય કરવા ઉપરાંત મહિલાઓ માટેના બંગાળી સામયિક ‘સાનંદા’નું સંપાદન પણ તેમણે ઘણાં વર્ષો કર્યું હતું. તેમની એક પુત્રી કોંકણા સેનશર્મા પણ અભિનયક્ષેત્રે કાઠું કાઢી ચૂકી છે. અપર્ણાએ તેને લઈને બનાવેલું ચિત્ર ‘મિ. ઍન્ડ મિસિસ ઐયર’ પણ ખૂબ વખણાયું છે. કોમી હુલ્લડની પશ્ર્ચાદભૂમાં બનેલા આ ચિત્ર માટે અપર્ણાને શ્રેષ્ઠ દિગ્દર્શિકા તરીકે રાષ્ટ્રીય ઍવૉર્ડ અને કોંકણાને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો હતો. એ પછી કોંકણાને લઈને અપર્ણાએ વધુ એક અંગ્રેજી ચિત્ર ‘15 પાર્ક ઍવૅન્યૂ’ બનાવ્યું, જેમાં ઘરમાં એક માનસિક બીમાર દીકરીને કારણે માતા અને બીજી દીકરીના જીવનમાં આવતી જટિલતા તેમના સંબંધો મારફત નિરૂપાઈ છે. અનેક આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવોમાં અપર્ણા જુરીના સભ્ય તરીકે સ્થાન પામી ચૂક્યાં છે.
નોંધપાત્ર ચિત્રો : ‘36 ચૌરંઘી લેઇન’ (1981), ‘પરોમા’ (1984), ‘સતી’ (1989), ‘યુગાંત’ (1995), ‘પારોમિતાર એક દિન’ (2000), ‘મિ. ઍન્ડ મિસિસ ઐયર’ (2002), ‘15 પાર્ક ઍવૅન્યૂ’ (2005).
હરસુખ થાનકી