સેતલવાડ મોતીલાલ ચિમનલાલ

January, 2008

સેતલવાડ, મોતીલાલ ચિમનલાલ (. 12 નવેમ્બર 1884, અમદાવાદ; . ઑગસ્ટ 1974, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી, પ્રથમ પંક્તિના ન્યાયવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની જનરલ. કાયદા અને વકીલાત સાથે ઘનિષ્ઠ અને પરંપરાગત સંબંધ ધરાવતા પરિવારમાં જન્મ. તેમના પ્રપિતામહ અંબાશંકર શરૂઆતમાં મુંબઈમાં સદર દીવાની અદાલતના શિરસ્તેદાર અને નિવૃત્તિ ટાણે અમદાવાદમાં મુખ્ય સદર અમીન હતા. તેઓ ન્યાયાધીશ તરીકે સમાજમાં પ્રતિષ્ઠાનું સ્થાન ધરાવતા હતા. તેમના દાદા શરૂઆતમાં વકીલ અને પછી સબોર્ડિનેટ ન્યાયાધીશ હતા. તેમની માતાના પિતા અમદાવાદમાં સરકારી વકીલ હતા. તેમના પિતા સર ચિમનલાલ સેતલવાડ મુંબઈની વડી અદાલતમાં મોટા ગજાના વકીલ ગણાતા હતા. તેમના ભણતરની શરૂઆત અમદાવાદની એક નિશાળમાં થયેલી. તેમના પિતા વકીલાત કરવા અમદાવાદથી મુંબઈ ગયા અને તેથી મોતીલાલનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની ગિરગામ વિસ્તારની એક ગુજરાતી શાળામાં થયેલું.

મોતીલાલ ચિમનલાલ સેતલવાડ

થોડાક સમય પછી તેમને અંગ્રેજી માધ્યમની વિલ્સન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. 1899માં આ શાળામાંથી તેઓ મૅટ્રિક થયા અને વર્ષ 1900માં તેઓ ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા; પરંતુ તે અરસામાં મુંબઈમાં પ્લેગની બીમારી ફાટી નીકળતાં તેઓ થોડાક સમય માટે અમદાવાદ આવતા રહ્યા. જ્યાં તેઓ ગુજરાત કૉલેજમાં ભણ્યા. વિચક્ષણ કાયદા પંડિત ભુલાભાઈ દેસાઈ ત્યારે આ કૉલેજમાં પ્રાધ્યાપક હતા. 1904માં તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી તથા 1906માં સરકારી લૉ કૉલેજમાંથી કાયદાશાસ્ત્રીની સ્નાતક પદવી હાંસલ કરી. ત્યારપછી વકીલાત કરવા માટે જરૂરી ગણાતી ઍડ્વોકેટની પરીક્ષા તેમણે 1911માં પાસ કરી અને તે જ વર્ષના ઑગસ્ટ મહિનામાં વકીલ તરીકે તેમની નોંધણી કરવામાં આવી. પિતાની સલાહથી તેઓ 1912માં ભુલાભાઈ દેસાઈની ચેમ્બરમાં તેમના જુનિયર તરીકે દાખલ થયા. 1912-37ના ગાળામાં તેમણે મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. તે દરમિયાન સરકાર તરફથી તેમને ન્યાયાધીશ તરીકે નીમવાની દરખાસ્ત પણ કરવામાં આવેલી, જે તેમણે નકારી કાઢી હતી. 1937થી ઑગસ્ટ, 1942 સુધી તેમણે મુંબઈ ઇલાકાની વડી અદાલતમાં ઍડ્વોકેટ જનરલના પદ પર કામ કર્યું અને ખૂબ પ્રશંસા મેળવી. ઑગસ્ટ, 1942માં કૉંગ્રેસ પક્ષના નેજા હેઠળ દેશમાં એક પછી એક જે રાજકીય બનાવો બનતા ગયા તેના માટે ભારતની પ્રજાની આઝાદીની ન્યાયી માગણીને તિરસ્કાર કરવાની બ્રિટિશ સરકારની નીતિ જવાબદાર છે એવો તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો અને તેથી મોતીલાલ સેતલવાડે આવા શાસન હેઠળ હવે પછી કામ ન કરવાનો નિર્ણય લીધો. તે મુજબ ઑગસ્ટ, 1942ના અંતમાં તેમણે ઍડ્વોકેટ જનરલના પદનું રાજીનામું મુંબઈ ઇલાકાના તત્કાલીન ગવર્નરને મોકલી આપ્યું. જાન્યુઆરી, 1944માં મુંબઈમાં સર્વપ્રથમ ‘નાગરિક સ્વતંત્રતા પરિષદ’(Civil Liberties Conference)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અધ્યક્ષ સ્થાને મોતીલાલ સેતલવાડની વરણી થઈ હતી. કાયદાના વર્તુળની બહાર આ તેમની સર્વપ્રથમ જાહેર પ્રવૃત્તિ હતી. પ્રમુખ તરીકેના તેમના ભાષણમાં તેમણે ભારતીય નાગરિકોના મૌલિક અધિકારોનું હનન કરવાની બ્રિટિશ સરકારની નીતિ વખોડી કાઢી હતી. 1946માં તેમણે લખેલી ‘વૉર ઍન્ડ સિવિલ લિબર્ટીઝ’ નામની પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી. ભારતના ભાગલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો નિર્ધારિત કરવા માટે સર સીરિલ રૅડક્લિફના અધ્યક્ષપણા હેઠળ જે કમિશન નીમવામાં આવેલું તેમની સમક્ષ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ વતી પશ્ચિમ પંજાબ અને પૂર્વ પંજાબ વચ્ચેની સરહદ નિર્ધારિત કરવા અંગે ભારતના હિતમાં રજૂઆત કરવાનું કામ મોતીલાલ સેતલવાડને સોંપવામાં આવેલું, જે તેમણે કોઈ પણ જાતની ફી લીધા વગર કર્યું હતું. તેમના આ કામની પ્રશંસા કરવા માટે લાહોર ખાતે હિંદુઓ અને શીખોએ એક વિશાળ જાહેર સમારંભ યોજ્યો હતો. 1947ના અરસામાં રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં દક્ષિણ આફ્રિકાના ભારતીય નિવાસીઓના પ્રશ્ર્નની ચર્ચા થવાની હતી, જેમાં ભારતના પક્ષની રજૂઆત કરવા માટે જે પ્રતિનિધિ મંડળ નીમવામાં આવેલું તેના એક સભ્ય તરીકે સરદાર પટેલની પહેલથી મોતીલાલ સેતલવાડનો સમાવેશ કરવામાં આવેલો (1947-49). તેવી જ રીતે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં 1948ના અરસામાં જ્યારે કાશ્મીરના પ્રશ્ર્ન પર ચર્ચા થવાની હતી ત્યારે પણ ભારત વતી રજૂઆત કરવા માટે વિજયાલક્ષ્મી પંડિતના નેતૃત્વમાં જે પ્રતિનિધિ મંડળની વરણી કરવામાં આવી હતી તેમાં પણ મોતીલાલ સેતલવાડનો સમાવેશ કરવામાં આવ્યો હતો (1948). તેમણે સ્વીકારેલ રાજકીય સ્વરૂપનું આ પહેલું પદ અને આ પહેલી જ જવાબદારી હતી. 1949માં તેમને કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના રાજ્યપાલના પદની ઑફર થઈ હતી, જે તેમણે નકારી કાઢી હતી. મે, 1949થી સપ્ટેમ્બર, 1949 દરમિયાન તેમણે દેશના ઍડ્વોકેટ જનરલની જવાબદારીઓ કામચલાઉ ધોરણે વહન કરી હતી. 26 જાન્યુઆરી 1950ના રોજ તેમને સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની જનરલ નીમવામાં આવ્યા. આ પદ પર તેમણે આશરે 13 વર્ષ (1950-63) કામ કર્યું. સ્વતંત્ર ભારતમાં સૉલિસિટર જનરલનું પદ પણ તેમની સંમતિથી ઊભું કરવામાં આવ્યું હતું, જેના પર તેમની સલાહથી જાણીતા કાયદાશાસ્ત્રી સી. કે. દફતરીની નિમણૂક કરવામાં આવી હતી. 1952ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મુંબઈ નગરની કોઈ એક બેઠક પરથી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લોકસભા માટે તેમને ઊભા કરવાની દરખાસ્ત તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલી (અને ત્યારબાદ તેમને કેન્દ્રમાં કાયદામંત્રીનું પદ બહાલ કરવામાં આવશે એવો સંકેત પણ સાથોસાથ આપવામાં આવેલો.); પરંતુ કોઈ પણ રાજકીય પદ સ્વીકારવું નહિ એવા તેમના કાયમી નિર્ધારને કારણે આ દરખાસ્તનો પણ તેમણે અસ્વીકાર કર્યો હતો. ફેબ્રુઆરી, 1952માં રાષ્ટ્રસંઘની પૅરિસ ખાતે મળનાર સલામતી સમિતિ સમક્ષ કાશ્મીર પ્રશ્ર્નની ચર્ચા થવાની હતી, જેમાં ભારતના પક્ષની રજૂઆત કરવા મોતીલાલ સેતલવાડની વરણી થઈ હતી. ભારતની સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ હરિલાલ કણિયાના અવસાન પછી, ઇંગ્લૅન્ડની વર્ષો જૂની પરંપરા મુજબ દેશના ઍટર્ની જનરલ તરીકે કામ કરી રહેલી વ્યક્તિને મુખ્ય ન્યાયમૂર્તિનું આ રીતે રિક્ત થયેલ પદ આપવામાં આવે એવી દરખાસ્ત હતી; પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો 65 વર્ષે નિવૃત્ત થતા હોવાથી અને મોતીલાલ સેતલવાડે તે પહેલાં જ વયની તે મર્યાદા વટાવેલી હોવાથી ઉપર્યુક્ત દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી. 1954માં સ્વતંત્ર ભારતમાં સર્વપ્રથમ લૉ કમિશન રચવામાં આવ્યું, જેના ચૅરમૅન-પદે મોતીલાલ સેતલવાડની વરણી થઈ હતી.

1955માં દમણ નજીકના દાદરા અને નગર હવેલીના પ્રદેશ પર પોતાની સત્તા પુન: પ્રસ્થાપિત કરવા માટે પોર્ટુગલે હેગ ખાતેના આંતરરાષ્ટ્રીય ન્યાયાલય સમક્ષ ભારતના વિરુદ્ધમાં કેસ માંડ્યો હતો. આ કેસમાં ભારત વતી આંતરરાષ્ટ્રીય ન્યાયાલય સમક્ષ રજૂઆત કરવાનું કાર્ય ભારત સરકારે મોતીલાલ સેતલવાડને સોંપ્યું હતું. આ કાર્ય તેમણે સફળતાથી પૂરું કર્યું હતું. ઉપર્યુક્ત કેસમાં હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે 1960માં પોર્ટુગલની વિરુદ્ધમાં અને ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ ચલાવવા માટે પણ સેતલવાડે કોઈ ફી આકારી ન હતી.

સપ્ટેમ્બર, 1960માં કૅનેડાના પાટનગર ઓટાવા ખાતે આયોજિત રાષ્ટ્રસંઘની લૉ કૉન્ફરન્સમાં તેમણે હાજરી આપી હતી.

1950-68ના ગાળા દરમિયાન મોતીલાલ સેતલવાડે સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. 1959થી તેઓ બાર ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાના સ્થાપક પ્રમુખ રહ્યા હતા. 1966માં ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજ્યસભાના સભ્ય તરીકે છ વર્ષના ગાળા માટે નિયુક્ત કર્યા હતા. 1957માં તેમને ‘પદ્મવિભૂષણ’ના ખિતાબ દ્વારા સન્માનવામાં આવ્યા હતા. આઝાદી પૂર્વે 1941માં બ્રિટિશ સરકારે તેમને ‘સર’ની પદવી દ્વારા અલંકૃત કરવાની દરખાસ્ત તેમની સમક્ષ રજૂ કરી હતી, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. વિદેશી સરકાર દ્વારા કોઈ ઇલ્કાબ તેઓ સ્વીકારતા ન હતા; પરંતુ ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ સ્વતંત્ર ભારતની સરકાર દ્વારા તેમને એનાયત થયેલો હોવાથી તે તેમણે રાષ્ટ્રપતિ ભવનના એક ભવ્ય સમારંભમાં જાતે હાજર રહીને સ્વીકાર્યો હતો (29 ઑક્ટોબર, 1957).

ઑક્ટોબર, 1970માં ‘માઇ લાઇફ – લૉ ઍન્ડ અધર થિંગ્જ’ શીર્ષક હેઠળ તેમની આત્મકથા પ્રકાશિત થઈ હતી, જેની તે પછી ત્રણ આવૃત્તિઓ 1971, 1999 અને 2003માં પ્રસિદ્ધ થઈ છે. જાણીતા ધારાશાસ્ત્રી ફલી એસ. નરીમાને ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના લખી છે, જેમાં વ્યક્તિ તરીકે અને કાયદા પંડિત તરીકે મોતીલાલ ચિમનલાલ સેતલવાડની કારકિર્દીની સમીક્ષા કરવામાં આવી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે