સેન, અમર્ત્ય (. 3 નવેમ્બર 1933, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : વર્ષ 1998ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારસરણીના નિષ્ઠાવાન સમર્થક, પ્રખર માનવતાવાદી તથા ધર્મનિરપેક્ષ અને બહુવાદી (pluralist) વિચારક. પિતાનું નામ આશુતોષ, જેઓ કૃષિવૈજ્ઞાનિક હતા અને માતાનું નામ અમિતા, જેઓ બાણું વર્ષની વયે આજે પણ શાંતિનિકેતનના પરિસરમાં રહે છે (2007). પિતાએ પશ્ચિમ બંગાળના જાહેર બાંધકામ કમિશનના ચૅરમૅન-પદે કામ કર્યું હતું. અમર્ત્ય સેનનું નામ રવીન્દ્રનાથ ઠાકુરે પાડ્યું હતું. સેન પરિવારના ઠાકુર પરિવાર સાથે ગાઢ સંબંધ હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શાંતિનિકેતન ખાતેની ખુલ્લી શાળા(Open to Sky)માં લીધું હતું જ્યાંથી 1947માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે દાખલ થયા. ત્યારબાદ તેઓ ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંલગ્ન ટ્રિનિટી કૉલેજમાં જોડાયા, જ્યાંથી 1955માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ., 1959માં એમ.એ. તથા તે જ વર્ષે પીએચ.ડી. થયા. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર પરની તેમની ડૉક્ટરેટ માટેની થીસિસ(મહાનિબંધ)ના પરીક્ષક તરીકે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના અર્થશાસ્ત્રના વિખ્યાત પ્રાધ્યાપિકા શ્રીમતી જોન રૉબિન્સન હતાં. ત્યારબાદ સેન સ્વદેશ પાછા ફર્યા અને 1956-71ના ગાળામાં પ્રથમ પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં (1956-58) તથા તે પછી થોડાંક વર્ષો બાદ દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ(1963-71)માં અર્થશાસ્ત્રના પ્રોફેસરપદે કામ કર્યું. દિલ્હી સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં તેઓ અર્થશાસ્ત્ર ઉપરાંત તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને ગાણિતિક અર્થશાસ્ત્ર કે ક્વોન્ટિટેટિવ ટૅકનિક્સ જેવા વિવિધ વિષયો શીખવતા, જે તેમની બહુશ્રુતતા પુરવાર કરે છે. ત્યારબાદ 1971-77 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ લંડનની વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં, 1977-78ના ગાળામાં ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં, 1988-98ના દાયકામાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં, જ્યાં તેઓ પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ ફિલૉસૉફીનું પદ ધરાવતા હતા અને 1998માં ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં ‘માસ્ટર ઑવ્ ટ્રિનિટી કૉલેજ’ના સન્માનનીય પદ પર નિયુક્ત થયા. આ પદ પર થતી નિમણૂક ઇંગ્લૅન્ડની શાહી સત્તા દ્વારા કરવામાં આવતી હોય છે. દરમિયાન 1983માં એક વર્ષ માટે તેમણે શાંતિનિકેતન ખાતે અર્થશાસ્ત્રના મુલાકાતી પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી હતી.

અમર્ત્ય સેન

‘કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર’ના સૈદ્ધાંતિક અને પ્રયુક્ત બંને પાસાંઓના પ્રખર નિષ્ણાત તરીકે સેન જાણીતા છે અને તે સંદર્ભમાં ત્રણ ક્ષેત્રે તેમનું યોગદાન મૌલિક અને શકવર્તી ગણવામાં આવે છે : સોશિયલ ચૉઇસ, સંપત્તિ અને સાધનોની કલ્યાણલક્ષી વહેંચણી અને ગરીબી. દુકાળ, ભૂખમરો, કંગાલિયત અને ગરીબી વિશેનું, વિશ્વના ભારત જેવા વિકાસશીલ દેશોના સંદર્ભમાં તેમણે કરેલ સંશોધન અને વિવેચન તલસ્પર્શી રહ્યું છે. તેમના પ્રકાશિત થયેલ સાહિત્યમાં ઇકૉનૉમિક મેથોડૉલૉજી; સોશિયલ ચૉઇસ થિયરી; સર્વસામાન્ય કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર; આર્થિક મોજણી (economic measurement); સ્વયંસિદ્ધ અને સૂત્રમય ચૉઇસ થિયરી; ખોરાકનું માત્ર ઉત્પાદન જ નહિ, પરંતુ તેની વહેંચણી અને તેમાંથી ઉદભવતા દુકાળ અને ભૂખમરો; આર્થિક અને જાતિ-લિંગ આધારિત ભેદભાવ; મૂડીસર્જન; વિકાસ અને વહેંચણી; પ્રકલ્પ-મૂલ્યાંકન તથા ખર્ચ-લાભ વિશ્લેષણ; રોજગારી, ભારતીય અર્થતંત્ર અને સમાજવ્યવસ્થા અને નૈતિક દર્શનશાસ્ત્ર અને તત્ત્વમીમાંસા – આટલો વિસ્તૃત વ્યાપ જોઈ શકાય છે. રોજગારીના સંદર્ભમાં તેમણે ‘શ્રમની આભાસી કિંમત’(‘shadow price of labour’)ના ખ્યાલને શુદ્ધ સ્વરૂપે રજૂ કરવામાં પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ બધામાં પચાસના દાયકામાં ઇંગ્લૅન્ડમાં કૅમ્બ્રિજ ખાતે તેમણે નીતિશાસ્ત્ર અને નૈતિક દર્શનશાસ્ત્રનું જે અધ્યયન કર્યું હતું તેની પૂર્વભૂમિકાનો પડઘો પડ્યો છે, એમાં જરા પણ શંકાને સ્થાન નથી. તેઓ ‘ઉપયોગિતાવાદ’ તથા આર્થિક સિદ્ધાંતો પરના તેના વર્ચસની સખત ટીકા કરે છે. તેમના વિચારો પર ઍડમ સ્મિથ અને જૉન સ્ટુઅર્ટ મિલ ઉપરાંત કાર્લ માર્ક્સના વિચારોનો પણ પ્રભાવ પડ્યો છે. જાણીતા માર્ક્સવાદી વિચારક મૉરિસ ડૉબને સેન પોતાના ગુરુસ્થાનની નજીક મૂકે છે. એટલા માટે જ વિશ્વભરના ઘણા વિદ્વાનો તેમનો ઉલ્લેખ માત્ર અર્થશાસ્ત્રી તરીકે કરતા નથી, પરંતુ ‘ફિલૉસૉફર ઇકૉનૉમિસ્ટ’ તરીકે કરવાનું વધારે પસંદ કરે છે. તેમની દુકાળ વિશેની સૈદ્ધાંતિક રુચિ જાત-અનુભવનું પરિણામ છે. બાળપણમાં 1943ના બંગાળમાં પડેલ દુકાળની વિનાશકતા તેમણે નજરે જોઈ હતી, જેની અસર તેમના માનસપટલ પર કાયમી ધોરણે પડી છે. તેમના સંશોધન મુજબ આ દુકાળ માટે અપર્યાપ્ત અન્ન ઉત્પાદન નહિ (દેશના અન્નના પૂરતા ભંડાર ઉપલબ્ધ હતા), પરંતુ સર્વસામાન્ય ઉપભોક્તામાં ખરીદશક્તિનો અભાવ એ જ મુખ્યત્વે જવાબદાર પરિબળ હતું. તેથી જો બેકારોને કામ આપવામાં આવ્યું હોત અને તે દ્વારા તેમની આવક અને ખરીદશક્તિમાં વધારો કરવાની આર્થિક નીતિ અખત્યાર કરવામાં આવી હોત તો લાખો લોકોના જાન બચાવી શકાયા હોત એવી તેમની દૃઢ રજૂઆત છે. વિશ્વની ઘણી સરકારો તથા અન્નની કટોકટીની સમસ્યાનું નિરાકરણ કરવાની જવાબદારી વહન કરતી ઘણી વૈશ્ર્વિક સંસ્થાઓ પર સેનના આ નિષ્કર્ષોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી તે પછીના ગાળામાં અન્નનું ઉત્પાદન અને પુરવઠો જ નહિ, પરંતુ સર્વસામાન્ય લોકોની ખરીદશક્તિની વૃદ્ધિ કરી શકે તેવી આર્થિક અને રોજગારવિષયક નીતિ વિશ્વના ઘણા પ્રદેશોમાં અમલમાં મૂકવાનો પ્રયાસ થયો હતો.

અમર્ત્ય સેન વ્યક્તિગત રાજકીય સ્વતંત્રતાના પ્રખર હિમાયતી છે. તેમની દૃઢ માન્યતા છે કે સક્રિય લોકશાહી(functioning democracy)માં દુકાળો સર્જાતા નથી, કારણ કે આવી રાજ્યવ્યવસ્થામાં લોકોની વિવિધ પ્રકારની માંગ પ્રત્યે શાસકો સભાન હોય છે. ઝડપી આર્થિક વિકાસ માટે તેમણે માત્ર આર્થિક સુધારણા પર જ નહિ; પરંતુ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સુધારણા પર ભાર મૂક્યો છે. અમર્ત્ય સેને પાંચ પ્રકારની સ્વતંત્રતાની હિમાયત કરી છે : (1) ‘આંતરિક સ્વતંત્રતા’ (Internal freedom), (2) ‘સામેલગીરીની સ્વતંત્રતા’ (Participatory freedom), (3) ‘સોદો કરવાની સ્વતંત્રતા’ (Transactional freedom), (4) ‘કાર્યપ્રણાલી પસંદ કરવાની સ્વતંત્રતા’ (Procedural freedom) તથા (5) ‘રક્ષણ આપનારી સ્વતંત્રતા’ (Protective freedom). સેનની દૃઢ માન્યતા છે કે આ પાંચેય પ્રકારની સ્વતંત્રતાની હાજરીમાં જ સમાજ વિકાસ સાધી શકે છે.

અમર્ત્ય સેનનાં ત્રીજી વારનાં પત્ની ઇમ્મા રૉથચાઇલ્ડ આર્થિક ઇતિહાસનાં વિશેષજ્ઞ હોવા ઉપરાંત ઇંગ્લૅન્ડની જાણીતી કિંગ્ઝ કૉલેજનાં ફેલો તથા કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર હિસ્ટરી ઍન્ડ ઇકૉનૉમિક્સ’નાં નિયામક પણ છે.

નોબેલ પારિતોષિક મેળવનાર અમર્ત્ય સેન છઠ્ઠા ભારતીય અને પ્રથમ અર્થશાસ્ત્રી છે. આ પૂર્વે રવીન્દ્રનાથ ઠાકુર (સાહિત્ય, 1913); સી. વી. રામન (ભૌતિકશાસ્ત્ર, 1930); હરગોવિંદ ખુરાના (જીવવિજ્ઞાન, 1968); મધર ટેરેસા (શાંતિ, 1979) અને સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર(ભૌતિકશાસ્ત્ર, 1983)ને નોબેલ પારિતોષિકો એનાયત થયાં હતાં.

અમર્ત્ય સેને 2005 સુધીના ગાળામાં જે લખાણ કર્યું છે તે નીચે મુજબ છે : ‘પૉવર્ટી ઍન્ડ ફેમિન્સ’ (એન્ટાયટલમેન્ટ થિયરી – એંશીના દાયકામાં પ્રકાશિત); ‘હંગર ઍન્ડ પબ્લિક ઍક્શન’ (જીન ડ્રેઝી સાથે – 1989); ‘કલેક્ટિવ ચૉઇસ ઍન્ડ સોશિયલ વેલ્ફેર’ (મોનોગ્રાફ – 1970); ‘ઇનઇક્વૉલિટી રી-એક્ઝામિન્ડ’ (1992) અને હમણાં જ પ્રકાશિત થયેલ ‘ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ (2005), જે તેમના અર્થશાસ્ત્રની બહારના લેખોનો સંગ્રહ છે. આ પૂર્વે પણ તેમના ઘણા લેખો પ્રકાશિત થયા છે; દા.ત., ‘ધ થિયરી ઑવ્ જસ્ટિસ’; ‘ડેવલપમૅન્ટ એઝ ફ્રીડમ’, જે વિશ્વબૅંકમાં પ્રેસિડેન્સિયલ ફેલો તરીકે આપેલાં વ્યાખ્યાનોનો પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ સંગ્રહ છે અને જેનું શીર્ષક ‘સોશિયલ જસ્ટિસ ઍન્ડ પબ્લિક પૉલિસી’ રાખવામાં આવ્યું છે; ‘ફ્રીડમ રેશનૅલિટી ઍન્ડ સોશિયલ ચૉઇસ’ (‘ધ એરો લેક્ચર્સ ઍન્ડ અધર એસેઝ’ – 1991) તથા ઇકૉનૉમેટ્રિક પેપર્સ : (1) ‘મેક્સિમાઇઝેશન ઍન્ડ ધ ઍક્ટ ઑવ્ ચૉઇસ’ તથા (2) ‘ઇન્ટરનલ કન્સિસ્ટન્સી ઇન ચૉઇસ’નો તેમાં સમાવેશ થાય છે. વર્ષ 2005માં ‘ધ આર્ગ્યૂમેન્ટેટિવ ઇન્ડિયન’ શીર્ષક હેઠળ તેમનું એક પુસ્તક પ્રકાશિત થયેલ છે.

અર્થશાસ્ત્રની બહારની બે મહાન વ્યક્તિઓએ બાળપણમાં અમર્ત્ય સેનના વિચાર-ઘડતરમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે : તેમના નાના અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત ક્ષિતિમોહન સેન અને રવીન્દ્રનાથ ઠાકુર. તેમનાં માતાના કથન મુજબ રવીન્દ્રનાથ અમર્ત્ય સેનના ‘ધ્રુવતારા’ (guiding star) જેવા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે