સૅક્સન સમ્રાટો

January, 2008

સૅક્સન સમ્રાટો : સૅક્સન નામની જાતિના ઇંગ્લૅન્ડના સમ્રાટો. સૅક્સન સમ્રાટોએ ઇંગ્લૅન્ડમાં ઈસુની 9મીથી 11મી સદી સુધી રાજ્ય કર્યું હતું. ઈસુની પાંચમી-છઠ્ઠી સદી દરમિયાન આંગ્લ, જયૂટ અને સૅક્સન નામની જર્મન જાતિઓ બ્રિટનમાં આવીને વસી હતી. એમાંની સૅક્સન જાતિ ડેનમાર્કના દક્ષિણ ભાગમાં આવેલા સૅક્સની નામના પરગણાની મૂળ વતની હતી. એ સૅક્સની અત્યારે જર્મનીનો એક ભાગ છે અને સ્લેસવિગ પ્રદેશ તરીકે ઓળખાય છે. સૅક્સન જાતિ ડેનમાર્કથી ગૉલ(ફ્રાન્સ)માં અને ગૉલમાંથી બ્રિટન પર આક્રમણ કરીને ત્યાંના દક્ષિણ ભાગમાં સ્થિર થઈ હતી. સૅક્સનોએ દક્ષિણ ઇંગ્લૅન્ડમાં જે પ્રદેશ મેળવ્યો હતો એના પૂર્વ સૅક્સન, પશ્ચિમ સૅક્સન, મધ્ય સૅક્સન અને દક્ષિણ સૅક્સન એવા ચાર વિભાગો પાડ્યા હતા. આંગ્લ જાતિના લોકો ઉત્તર, મધ્ય અને પૂર્વ ઇંગ્લૅન્ડ પર રાજ્ય કરતા હતા.

સમય જતાં ઇંગ્લૅન્ડમાં આ જાતિઓનાં સાત નાનાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં, જે ‘હેપ્ટાર્કી’ (Heptarchy) તરીકે ઓળખાયા. આ સાત રાજ્યોમાં પૂર્વ ઍંગ્લિયા, એસેક્સ, કેન્ટ, મર્સિયા, નૉર્ધમ્બ્રિયા, સસેક્સ અને વેસેક્સનો સમાવેશ થતો હતો. ઈ. સ. 500થી 800 સુધી નૉર્ધમ્બ્રિયા, મર્સિયા અને વેસેક્સ પરગણાંના વડાઓ વારાફરતી આ સાત રાજ્યો(હેપ્ટાર્કી)ના રાજા તરીકે કામ કરતા હતા. એમાંના છેલ્લા વેસેક્સના રાજા એગ્બર્ટને ઇંગ્લૅન્ડનો પ્રથમ રાજા ગણવામાં આવે છે.

ઈસુની 9મી સદીમાં ડેનમાર્કના લોકોએ ઇંગ્લૅન્ડ પર આક્રમણ કરી વેસેક્સ સિવાયનાં બીજાં રાજ્યો જીતી લીધાં. એ સમયે વેસેક્સના સૅક્સન રાજા મહાન આલ્ફ્રેડે ડેનિશ આક્રમણખોરોને ઈ. સ. 886માં હરાવી ઇંગ્લૅન્ડની ઉત્તરપૂર્વ સરહદ તરફ હાંકી કાઢ્યા. ત્યાં જે વિસ્તારમાં ડેનિશ લોકો વસ્યા તે વિસ્તાર ‘ડેનલો’ તરીકે પ્રસિદ્ધ બન્યો.

આલ્ફ્રેડ એક શક્તિશાળી રાજા હતો, જેણે પોતાના રાજ્યમાં પ્રજાની એકતા સિદ્ધ કરી. એણે ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપ્યું, શિક્ષણનો પ્રસાર કર્યો અને ઇંગ્લૅન્ડમાં સૌપ્રથમ નૌકાદળની રચના કરી. એના રાજ્ય દરમિયાન ‘શાયર’ (ચોક્કસ વિસ્તારનું પરગણું) સ્થાનિક વહીવટી તંત્રનો એકમ બન્યો. અત્યારે ઇંગ્લૅન્ડના કાયદાઓના પાયા તરીકે જે છે તે ‘સામાન્ય કાયદા’નો શાયરની અદાલતોમાં વિકાસ થયો. ઇંગ્લૅન્ડ ઉપર રાજ્ય કરનાર આ મહાન સૅક્સન સમ્રાટ આલ્ફ્રેડનું ઈ. સ. 899માં અવસાન થયું. એના અવસાન પછીના એક સો વર્ષમાં એનું રાજ્ય નિર્બળ બન્યું. એટલે ડેનલોમાં વસતા ડેનિશ લોકોએ પોતાનું રાજ્ય વિસ્તાર્યું.

ઈ. સ. 1016માં ડેનમાર્કના રાજાના ભાઈ કેન્યૂટે વેસેક્સના રાજા ઇથલરેડ-2ને હરાવીને પોતે ઇંગ્લૅન્ડનો રાજા બન્યો. આલ્ફ્રેડની માફક કેન્યૂટ પણ એક વિચક્ષણ અને ન્યાયી રાજા હતો. તેની વિચક્ષણતા અને ન્યાયની કેટલીક વાતો પ્રચલિત છે. ઈ. સ. 1035માં એના અવસાન પછી એનું રાજ્ય નિર્બળ બનીને તૂટી પડ્યું. ઇથલરેડ-2નો પુત્ર એડવર્ડ ધ કન્ફેસર ઇંગ્લૅન્ડનો સમ્રાટ બન્યો, જેણે 1042થી 1066 સુધી રાજ્ય કર્યું. લંડનમાં અત્યારે જે સ્થળે વેસ્ટમિન્સ્ટર એબી છે એ સ્થળે એણે સૌપ્રથમ ખ્રિસ્તી દેવળ બંધાવ્યું હતું.

ઈ. સ. 1066માં એડવર્ડ ધ કન્ફેસરનું અવસાન થયું. એની રાજગાદીનો કોઈ સીધો વારસ ન હતો. તેથી ઇંગ્લૅન્ડના અમીરોએ ‘અર્લ ઑવ્ વેસેક્સ’ હેરોલ્ડને ઇંગ્લૅન્ડની રાજગાદી સોંપી; પરંતુ ફ્રાન્સના એક અમીર ‘ડ્યૂક ઑવ્ નૉર્મન્ડી’ – વિલિયમે એવી જાહેરાત કરી કે એડવર્ડે એને વારસ બનાવી ઇંગ્લૅન્ડની રાજગાદી સોંપવાનું વચન આપ્યું હતું. હેરોલ્ડને રાજગાદી મળતાં નૉર્મન્ડીના વિલિયમે લશ્કર સાથે ઇંગ્લૅન્ડ ઉપર આક્રમણ કર્યું. ઑક્ટોબર 1066માં હેસ્ટિંની લડાઈમાં વિલિયમના લશ્કરી સરદારોએ હેરોલ્ડને મારી નાખ્યો અને એના સૈન્યનો પરાજય કર્યો. 1066ની 25મી ડિસેમ્બરે એટલે કે નાતાલના દિવસે વિલિયમનો ઇંગ્લૅન્ડના રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો જે ઇતિહાસમાં ‘વિલિયમ, ધ કૉન્કરર’ તરીકે પ્રસિદ્ધ બન્યો. આમ, 1066માં ઇંગ્લૅન્ડમાં સૅક્સન સમ્રાટોના શાસનનો અંત આવ્યો અને નૉર્મન વંશના સમ્રાટોનો યુગ શરૂ થયો.

મુગટલાલ પોપટલાલ બાવીસી