સેક્રિફાઇસ, ધ

January, 2008

સેક્રિફાઇસ, : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1986. ભાષા : સ્વીડિશ. રંગીન. નિર્માણસંસ્થા : ધ સ્વીડિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ. દિગ્દર્શન, પટકથા : આન્દ્રેઈ તારકૉવસ્કી. છબિકલા : સ્વેન નાઇક્વિસ્ટ. મુખ્ય કલાકારો : એરલૅન્ડ જૉસેફસન, સુઝન ફ્લીટવૂડ, એલન એડવોલ, ગોરુન ગિસ્લાડોટ્ટીર, સ્વેન વૉલ્ટર, વેલેરી મેઇરેસી, ફિલિપા ફ્રાન્ઝેન.

વિશ્વ-સિનેમામાં આન્દ્રેઈ તારકૉવસ્કીનાં ચિત્રો કથાના નિરૂપણની દૃષ્ટિએ એકદમ જ નોખી ભાત પાડનારાં બની રહ્યાં છે. રશિયામાંથી દેશનિકાલ કરાયેલા આ મહાન ચિત્રસર્જક અધ્યાત્મવાદ તરફના તેમના ઝુકાવ માટે જાણીતા છે. અકળાવી મૂકતી શાંતિ, પાત્રોની ધીમી ગતિએ ક્રમિક વિકાસ અને લાંબા લાંબા શૉટ્સ તેમની વિશેષતા હતાં. ‘ધ સેક્રિફાઇસ’ તારકૉવસ્કીનું શ્રેષ્ઠ ચિત્ર ગણાય છે અને તે એટલું ગૂઢ અર્થપૂર્ણ બની રહ્યું છે કે તેને એક વખત પૂરેપૂરું પામી લેવું મુશ્કેલ હોવાનું ઘણા સમીક્ષકોએ નોંધ્યું છે. આ ચિત્રમાં કોઈ માંડીને કહેવાતી હોય એવી કથા નથી કે નથી કોઈ વિશેષ પરિવેશ. માત્ર થોડાંક પાત્રોની વર્તણૂક એક આખી સૃષ્ટિ રચે છે. ચિત્રના મુખ્ય પાત્ર ઍલેક્ઝાન્ડરના જન્મદિનની ઉજવણીમાં તેની પત્ની, દીકરીઓ, મિત્રો અને ગામનો ટપાલી જોડાય છે. બધાં ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે ખબર પડે છે કે વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. આ ચિત્રમાં તારકૉવસ્કીએ કાષ્ઠ, જળ, પૃથ્વી અને અગ્નિનો પ્રતીકાત્મક ઉપયોગ કર્યો છે. ચિત્રના અંતે લાકડાનું એક બહુ જ મોટું મકાન ભડભડ સળગી રહ્યું છે. તેમાં આગ લાગે છે ત્યાંથી લઈને ક્રમશ: આગ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે અને પછી આખું મકાન રાખ થઈ જાય છે એ આખું દૃશ્ય એક જ શૉટમાં ઝડપવામાં આવ્યું હતું. આ ચિત્ર પોતે શા માટે બનાવ્યું અને અમુક ખાસ દૃશ્યો કઈ રીતે અને શા માટે એ જ રીતે કંડારાયાં હતાં તેની તારકૉવસ્કીના મુખે વિસ્તૃત સમજૂતી આપતું એક દસ્તાવેજી ચિત્ર પણ બન્યું હતું.

હરસુખ થાનકી