સેક, થૉમસ રૉબર્ટ (Cech, Thomas Robert) (જ. 8 ડિસેમ્બર 1947, શિકાગો) : ફક્ત આનુવંશિક (hereditary) અણુ મનાતા આર.એન.એ.(ribonucleic acid, RNA)ના ઉદ્દીપકીય (catalytic) કાર્યની શોધ બદલ 1989ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સહવિજેતા હતા સીડની ઓલ્ટમેન.
થૉમસ રૉબર્ટ સેક
સેક ગ્રિનેલ(આયોવા)ની ગ્રિનેલ યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1970માં બી.એ.ની પદવી મેળવી. ત્યારબાદ 1975માં તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલેમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.
1975થી 1977 દરમિયાન સેકે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના જીવવિજ્ઞાન વિભાગમાં નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટમાં આણ્વીય જીવવિજ્ઞાનના ફેલો તરીકે કામ કર્યું. ત્યારબાદ તેઓ બૂલ્ડર ખાતે યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડોના રસાયણવિભાગમાં જોડાયા અને સહાયક પ્રાધ્યાપક તથા ઍસોસિયેટ પ્રાધ્યાપક તરીકે તેમણે સેવાઓ આપી (1978-83). 1983માં તેઓ ત્યાં પ્રાધ્યાપક બન્યા, સાથે સાથે 1978થી તેમણે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થ(N.I.H.)ના તથા 1988માં હાર્વર્ડ હ્યુજીઝ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક તરીકે પણ કાર્ય કર્યું હતું.
1980માં સેકે N.I.H.નો રિસર્ચ કૅરિયર ડેવલપમેન્ટ ઍવૉર્ડ મેળવ્યો, જ્યારે 1987માં ગ્રિનેલ કૉલેજે તેમને ડી.એસસી.ની માનદ પદવીથી નવાજ્યા હતા. આ ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓ તરફથી પણ તેમને એવૉર્ડો મળ્યા છે.
સેકે ટેટ્રાહાયમિના થરમૉફિલા (Tetrahymena thermophila) નામના મીઠા પાણીમાં મળી આવતા આદિ જંતુ (protozoa) ઉપર સંશોધન કરીને શોધી કાઢ્યું કે આનુવંશિક અણુ તરીકે ઓળખાતો RNA અણુ જનીનીય માહિતી ધરાવવા ઉપરાંત ઉત્સેચક તરીકે પણ કાર્ય કરી શકે છે. તેમના મત પ્રમાણે જીવનના ઉદભવ માટે આ ચાવીરૂપ અણુ છે. આ અણુના ઉત્સેચક તરીકેના કાર્યને કારણે જીવન માટે આવશ્યક એવી આંતરકોષીય (intra cellular) પ્રક્રિયાઓનો વેગ લાખગણો અથવા તેથી વધુ પ્રમાણમાં વધી જાય છે. દા.ત., વનસ્પતિ હવામાંના કાર્બન ડાયૉક્સાઇડનું શર્કરા તથા સ્ટાર્ચમાં રૂપાંતર કરવા માટે ઉત્સેચક ઉપર આધાર રાખે છે. માનવીના મોંમાંની લાળમાં રહેલો ઉત્સેચક સ્ટાર્ચને ગ્લુકોઝમાં ફેરવે છે. RNA – ઉત્સેચકો પારખવામાં આવ્યા તે અગાઉ બધા જ ઉત્સેચકો પ્રોટીન-સંયોજનો છે એમ માનવામાં આવતું.
સેકે એ પણ શોધી કાઢ્યું કે RNA પોતાની પ્રતિકૃતિ બનાવી શકે છે. આ સૂચવે છે કે પ્રારંભના સજીવોએ ફક્ત DNA (ડિઑક્સિરિબૉન્યુક્લિઇક ઍસિડ) ઉપર આધાર રાખ્યો નહિ હોય.
જ. પો. ત્રિવેદી