સેઉલ (Seoul) : દક્ષિણ કોરિયા પ્રજાસત્તાકનું પાટનગર અને મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 37° 33′ ઉ. અ. અને 126° 58′ પૂ. રે. પર 606 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પીળા સમુદ્રથી પૂર્વ તરફ આશરે 32 કિમી. અંતરે હૅન (Han) નદીને કાંઠે વસેલું છે. દુનિયાનાં મોટામાં મોટાં શહેરો પૈકી તેની ગણના થાય છે તથા મૅક્સિકો સિટી પછીના ક્રમે તે આવે છે. તેની વસ્તી 1999ના અંદાજ મુજબ 1,03,21,000 જેટલી છે. આ શહેર દક્ષિણ કોરિયાનું સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, નાણાકીય, વહીવટી અને સામાજિક પ્રવૃત્તિઓનું મથક છે.

શહેર : 20મી સદીના મધ્યકાળ પછી સેઉલ શહેર તરીકે ઝડપથી વિસ્તર્યું છે. દક્ષિણ કોરિયાનાં ઘણાં વહીવટી (સરકારી) તથા ધંધાકીય કાર્યાલયો શહેરની મધ્યમાં અને હૅન નદીની દક્ષિણે ક્વાચોન-(Kwachon)માં આવેલાં છે. બૅંકો, હોટેલો, ડિપાર્ટમેન્ટલ સ્ટોરો, દુકાનો અને થિયેટરો પણ શહેરના મધ્ય ભાગમાં આવેલાં છે. શહેરના મધ્ય વિભાગના નૈર્ઋત્યમાં હૅન – નદીમાંના યોઇડો ટાપુ પર આવેલી આધુનિક ઇમારત ખાતે રાષ્ટ્રીય સંસદની કચેરી બેસે છે.

શહેરના મોટાભાગના લોકો સંયુક્ત આવાસી ફ્લૅટોમાં રહે છે. આવાસો હૅન નદીને કિનારે કે યોઇડો ટાપુ પર આવેલા છે. દક્ષિણ કોરિયાની સરકારે શહેરના બહારના ભાગોમાં, યોંગડુંગ્પો અને માપોના ઔદ્યોગિક વિસ્તારોની નજીક સસ્તા આવાસો બાંધ્યા છે. સેઉલમાં અદ્યતન આવાસો કે સરકારી કાર્યાલયોની ઇમારતો ઉપરાંત ઐતિહાસિક ઇમારતો પણ ઘણી છે. પૂર્વજોના સ્મારક તરીકે રાજા યી સાંગ્યીએ 1395માં બંધાવેલું ચોંગમ્યો શાહી મંદિર, 1405ના અરસામાં બંધાવેલો ચાંગદોક મહેલ તથા સિક્રેટ ગાર્ડન આજે પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે. ચાંગદોક મહેલ કોરિયાના તત્કાલીન રાજાઓનું નિવાસસ્થાન બની રહેલો. સેઉલનું રક્ષણ કરતા કોટના બે દરવાજા (દક્ષિણ દરવાજો અને પૂર્વ દરવાજો) પણ જાણીતા છે. 1592માં જાપાનીઓ દ્વારા થયેલા આક્રમણથી આ દરવાજાઓનો નાશ થયેલો; પરંતુ 1869માં તેનું પુનર્નિર્માણ કરવામાં આવેલું છે.

કોરિયામાં આવેલી બધી જ યુનિવર્સિટીઓ સેઉલ ખાતે આવેલી છે, તેમાં સેઉલ નૅશનલ યુનિવર્સિટી, કોરિયા યુનિવર્સિટી અને યોન્સેઇ યુનિવર્સિટી મુખ્ય છે. સેઉલમાં રાષ્ટ્રીય થિયેટરો, રાષ્ટ્રીય સંગ્રહાલયો, અર્વાચીન કલા સંગ્રહાલય આવેલાં છે.

અર્થતંત્ર : દક્ષિણ કોરિયાની સરકારનાં વહીવટી કાર્યાલયો, ધંધાકીય તેમજ ઔદ્યોગિક કાર્યાલયો સેઉલમાં આવેલાં હોઈને શહેરના ઘણાખરા લોકો તેમાં નોકરી કરે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇજનેરી, કાપડ, ખાદ્યપ્રક્રમણ, વીજળી-વીજાણુ, રસાયણો, યંત્રસામગ્રી, મોટરગાડીઓ, રેડિયો, ટેલિવિઝન-સેટ, વગેરેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમો પણ અહીં જ તૈયાર થાય છે. દેશનાં મુખ્ય દૈનિકપત્રો, સામયિકો અહીંથી પ્રકાશિત થાય છે.

સેઉલ દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે. દેશના રેલમાર્ગો, સડકમાર્ગો અને હવાઈમાર્ગો તેની સાથે સંકળાયેલા છે. અવરજવરની અહીં પૂરતી સુવિધા છે. હૅન નદીમુખ પર ઇન્કોન નામનું દરિયાઈ બંદર આવેલું છે.

ઇતિહાસ : ચૌદમી સદીના અંત વખતે જનરલ યી સોંગ્યીએ સેઉલની સ્થાપના કરેલી; વળી તે યી વંશનો સ્થાપક હતો અને આ વંશે અહીં ઘણો સમય શાસન કરેલું. 1394માં તેણે સેઉલ શહેરની સ્થાપનાની શરૂઆત કરેલી. ‘સેઉલ’નો અર્થ ‘પાટનગર’ થાય છે. યી સાંગ્યી રાજાએ 1404માં મહેલ અને સરકારી કાર્યાલયોની ઇમારતોનું નિર્માણ કરવા 1,18,000 શ્રમિકો બોલાવેલા. યી સોંગ્યીએ સેઉલને કોરિયાના પાટનગર તરીકે સ્થાપેલું. આ વંશે 1394થી 1910 સુધી રાજ્ય કરેલું.

જાપાને 1910માં આક્રમણ કરી કોરિયાનો કબજો લીધેલો. તે પછી તેમણે અહીં રેલવેમથક તથા ગવર્નર-જનરલ માટે ઇમારત બાંધેલી. 1945 સુધી અહીં જાપાને શાસન કર્યું. બીજા વિશ્વયુદ્ધને અંતે 1945માં જાપાનની હાર થતાં કોરિયા ઉત્તર અને દક્ષિણ વિભાગોમાં વહેંચાઈ ગયું.

1950માં કોરિયામાં આંતરયુદ્ધ થયું, જે 1953 સુધી ચાલેલું. ઉત્તર કોરિયાએ સેઉલનો કબજો મેળવવા ઘણા હુમલાઓ કરેલા અને તેના ઘણા ભાગોનો નાશ કરેલો; જેનું નિર્માણકાર્ય પછીથી થયેલું છે.

સેઉલ ઑલિમ્પિક પાર્ક

1961થી પાર્ક ચુંગ હીએ દક્ષિણ કોરિયાનો વહીવટ પોતાને હસ્તક લીધો અને 1979માં તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી ત્યાં શાસન કર્યું. તેણે દેશના ઘણા ભાગોમાં ઉદ્યોગો સ્થાપ્યા અને તેમનો વિકાસ કર્યો. 1960થી 1980 સુધીના બે દાયકાઓ દરમિયાન સેઉલમાં ઘણાં કારખાનાં અને ઇમારતો ઊભાં થયાં; હજારો લોકો કામ મેળવવા અહીં આવ્યા અને વસ્યા અને સેઉલની વસ્તી વધતી ગઈ. 1980-90ના દાયકામાં પણ અહીં ઘણી ગગનચુંબી ઇમારતો બંધાઈ. 1988ની ઉનાળુ ઑલિમ્પિક રમતો સેઉલમાં યોજાયેલી, એ વખતે બંધાયેલી કેટલીક સુવિધાઓ પૈકી 1 લાખ બેઠકોવાળા સ્ટેડિયમનો પણ સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા