સૂકું થાળું (Playa)
January, 2008
સૂકું થાળું (Playa) : શુષ્ક પ્રદેશોમાં જોવા મળતું, તદ્દન ઓછી ઊંડાઈનું, છીછરું થાળું. દરિયાકિનારાના ખુલ્લા, છૂટાછવાયા તટપ્રદેશ કે નદીતટના ઓછી ઊંડાઈવાળા છીછરા વિભાગો, જે સામાન્યત: રેતાળ હોય, શુષ્ક પ્રદેશોની તદ્દન નજીક હોય, તેમને પણ સૂકા થાળા તરીકે ઓળખાવી શકાય. રણના અફાટ મેદાની વિસ્તારમાંના છીછરા થાળામાં વરસાદ પડ્યા પછી જળ એકત્રિત થાય ખરું, પણ તેનું ઝડપી બાષ્પીભવન પણ થઈ જાય. આવાં થાળાં શુષ્કતાનો નિર્દેશ કરતાં હોવાથી તેમને સૂકાં થાળાં કહેવાય છે. પહોળા છીછરા થાળામાં જેવું પાણી ભેગું થાય એવું જ ટૂંકા ગાળામાં ઊડી જાય, પણ પાછળ પંકપટ છોડી જાય, આવાં થાળાં ત્યાં પાણીની હાજરીનો નિર્દેશ કરી જાય છે, તેથી તેમને સૂકાં સરોવર થાળાં પણ કહે છે.
રિચાર્ડ સ્ટોને પાંચ પ્રકારનાં થાળાં જુદાં પાડી આપ્યાં છે :
શુષ્ક થાળાં : ભૂગર્ભજળ જ્યાં કેશાકર્ષણ દ્વારા ભૂપૃષ્ઠ સુધી પહોંચી શકતું ન હોય, ત્યાં સૂકાં થાળાં વિકસી શકે. તે સખત સપાટીવાળાં, છીછરાં, સમતળ અને લીસાં, કાંપકાદવ અને માટીવાળાં હોય છે.
થાળાના નીચાણવાળા ભાગમાં દેખાતી ક્ષારીય નિક્ષેપની પોપડી
2. ભેજવાળાં થાળાં : ભૂગર્ભજળ જ્યાં કેશાકર્ષણ દ્વારા ઉપર ભૂપૃષ્ઠ સુધી પહોંચી શકે તેમને ભેજવાળાં અથવા ક્ષારયુક્ત થાળાં કહે છે. તેના બે પેટાપ્રકારો પડે છે : (અ) ક્ષારપોપડીયુક્ત થાળાં – ભૂગર્ભજળ સપાટીથી તદ્દન નજીક હોય, એવા સંજોગમાં જળ ઊડી જતાં ક્ષારની પોપડી છોડી જાય. (આ) મૃણ્મય થાળાં –ભૂગર્ભજળ સપાટીથી થોડેક ઊંડે હોય, તેની અસરથી પંક-કાંપનું કોષમય આચ્છાદન બની રહે છે.
3. સ્ફટિકમય જથ્થાવાળાં થાળાં : આ પ્રકારમાં ક્ષારોના સ્ફટિકમય જથ્થા સપાટીથી લગભગ નજીકની ઊંડાઈએ થતા હોય છે.
4. મિશ્ર થાળાં : આ પ્રકારનાં થાળાં સૂકાં અને ભેજવાળાં થાળાંની વચગાળાનાં મિશ્ર લક્ષણ ધરાવે છે. તેમાં ભૂગર્ભજળની અસરથી જુદી જુદી છીછરી ઊંડાઈએ દ્રવ્ય-જમાવટ શક્ય બની શકે.
5. ચૂનાયુક્ત થાળાં : આવાં થાળાં ચૂનાખડકોના પ્રદેશમાં રચાતાં હોય છે, તેમાં સખત ટ્રાવરટાઇન આચ્છાદનો તેના તળ પર જામે છે.
ગિરીશભાઈ પંડ્યા