સૂકી ખેતી : સૂકા વિસ્તારમાં કરવામાં આવતી ખેતી. ભારત દેશના કુલ ક્ષેત્રફળમાંથી 3.17 લાખ ચોકિમી.નો વિસ્તાર સૂકો છે; જે લગભગ 12 % જેટલો થાય છે. સારણી 1માં વિવિધ રાજ્યોમાં સૂકા વિસ્તારનું ક્ષેત્રફળ અને તેની ટકાવારી આપવામાં આવ્યાં છે.

સારણી 1 : વિવિધ રાજ્યોમાં સૂકા વિસ્તારનું ક્ષેત્રફળ અને તેની ટકાવારી

ક્રમ રાજ્ય વિસ્તાર

(ચોકિમી.માં)

ટકા
1. રાજસ્થાન 1,96,150 62
2. ગુજરાત 62,180 20
3. આંધ્રપ્રદેશ 21,550 7
4. પંજાબ 14,510 5
5. હરિયાણા 12,480 4
6. કર્ણાટક 8,570 3
7. મહારાષ્ટ્ર 1,290 0.4
        કુલ 3,17,090 100

સૂકા વિસ્તારનું પર્યાવરણ : સૂકા વિસ્તારની જમીન છીછરી, રેતાળ, ઓછી ફળદ્રૂપ, કાંકરાવાળી, ભેજનો સંગ્રહ વધુ સમય ન કરી શકે તેવી અને ખૂબ જ નિતારશક્તિવાળી હોય છે. વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી જમીનમાંના ક્ષારો ધોવાતા નથી; પરિણામે ક્ષારીય જમીન જોવા મળે છે. વળી, જમીનની અંદરનું પાણી પણ વધુ ક્ષારવાળું છે.

સૂકા વિસ્તારનો કુલ વરસાદ 250થી 400 મિમી. જેટલો હોય છે. તે જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન પડે છે, જ્યારે વર્ષના બાકીના દિવસો મોટેભાગે કોરા હોય છે. ક્યારેક શિયાળામાં 2થી 5 મિમી. વરસાદ પડે છે. ઉનાળા દરમિયાન જમીનમાં ભેજ નહિવત્ હોય છે. બાષ્પીભવન વધારે થતું હોવાથી બાષ્પ-દાબ ન્યૂનતા (vapour pressure deficit) 25થી 30 મિલિબાર મે-જૂન માસમાં હોય છે. જમીનમાંથી પાણીનો નિતાર જલદી થતો હોવાથી જમીનમાં ભેજ સચવાતો નથી.

સૂકા વિસ્તારમાં સૂર્યની ગરમી ઉનાળામાં 500-650 કૅલરી/સેમી.2/દિવસ જેટલી હોય છે; જેના કારણે વિકાસ પામતાં ફળો ઉપર દાઝ્યાનાં લક્ષણો જોવા મળે છે.

સૂકા વિસ્તારની વનસ્પતિઓનું અનુકૂલન (adaptation) : અલ્પકાલિક (ephemeral) વનસ્પતિઓ ચોમાસાની શરૂઆતમાં ઊગે છે, વૃદ્ધિ કરે છે અને વરસાદ પૂરો થતાં પહેલાં અથવા વરસાદ પૂરો થયેથી પુષ્પનિર્માણ તેમજ ફળસર્જન કરે છે. જમીનના ભેજનો મહત્તમ ઉપયોગ કરી ફળ પરિપક્વ બને છે. ત્યારબાદ છોડ પોતાનાં પાન ખેરવી નાખી સુષુપ્તાવસ્થા ધારણ કરે છે.

પ્રત્યેક ઋતુકીય પાક, ખાસ કરીને ચોમાસુ પાકો – ધાન્ય, કઠોળ, તેલીબિયાં અને રેસાવાળા પાકો – અલ્પકાલિક વનસ્પતિઓ છે. ઋતુકીય પાકની અવધિ પૂરી થતાં તેના છોડ મરી જાય છે અને અંતે સુકાઈ જાય છે અને તે ઢોરોના સૂકા ચારા તરીકે કામ આવે છે.

સૂકા વિસ્તારની વનસ્પતિઓમાં કેટલીક ખાસ રચનાઓ જોવા મળે છે; જેથી તેઓ સૂકી આબોહવામાં અને ઊંચા તાપમાને જીવિત રહી શકે; દા.ત.,

(i) તેમનાં મૂળ ખૂબ ઊંડે સુધી વિકસે છે; પરિણામે જ્યાંથી ભેજ મળે તે ચૂસી શકે છે.

(ii) ઉનાળામાં તેઓ પર્ણો ખેરવી નાખે છે. પર્ણોની ગેરહાજરીમાં તેમની દેહધાર્મિક ક્રિયાઓ નીચા દરે થાય છે. સુષુપ્તાવસ્થામાં સુકારા સામે રક્ષણ મેળવે છે.

(iii) કેટલીક વનસ્પતિઓમાં પાણીનો સંગ્રહ કરતા ખાસ પ્રકારના કોષો હોય છે; જેમને જલસંચાયક કોષો કહે છે.

(iv) વનસ્પતિનાં પર્ણો ઉપર જાડા ક્યુટિનના કે મીણના આવરણના કારણે અને નાના નિમગ્નમુખ (sunken) રંધ્રોને કારણે બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય છે. વનસ્પતિ સંચયિત પાણીનો ઉપયોગ કરે છે; જેથી સૂકા રણ જેવા પ્રદેશમાં તેનું જીવન ટકી રહે છે.

(v) કેટલીક વનસ્પતિઓનાં પર્ણો કે પ્રકાંડ માંસલ અને દળદાર બને છે, જે પાણી અને ખોરાકનો સંગ્રહ કરી રાખે છે અને તેનો સમયાનુસાર ઉપયોગ કરે છે.

(vi) સૂકા વિસ્તારની કેટલીક વનસ્પતિનાં પ્રકાંડ લીલા રંગનાં બને છે. તેમાં હરિતકણો હોવાથી તેઓ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. થોર જેવી વનસ્પતિ પર્ણો ન હોવા છતાં પ્રકાંડ દ્વારા જરૂરી ખોરાક બનાવી જીવન ટકાવે છે.

જમીન-સંરક્ષણ : સૂકા વિસ્તારમાં રેતાળ જમીન હોય છે. વળી, વધારે ઝડપથી ફૂંકાતા પવનથી રેતીનું એક જગાએથી બીજી જગાએ સ્થાનાંતર થાય છે; તેથી જમીનનું ચાદરપટે ધોવાણ થાય છે. તે જ પ્રમાણે અચાનક વરસાદથી ખુલ્લી અને અસમતલ જમીન ધોવાઈ જતાં ફળદ્રૂપતા ઓછી થાય છે. વનસ્પતિનાં મૂળ ખુલ્લાં થતાં છોડ ઊખડી જાય છે. જમીનના સંરક્ષણ માટે યોજાતા કેટલાક ઉપાયો આ પ્રમાણે છે :

(i) ઘાસપાત-છાદન (mulching) : આ માટે પોતાના ક્ષેત્રમાં લીલા ઘાસ પ્રકારની વનસ્પતિ ઉગાડવામાં આવે છે. પાકની બે હાર વચ્ચેની ખાલી જગામાં વચગાળામાં ટૂંકી મુદતના પાક લેવામાં આવે છે. તેમનાં સૂકાં પાનનું કે કાળા પ્લાસ્ટિકનું આવરણ કરવાથી ફાયદો થાય છે.

(ii) ગતિરોધકો : અસમતલ જમીન પર વહી જતું પાણી રોકવા ગતિરોધકો (speed barriers) બનાવવામાં આવે છે. એકસરખી ઊંચાઈએ આવતાં બિંદુઓને જોડતી રેખા એટલે કે સમોચ્ચરેખા (contour) પર પથ્થરોનો ઉપયોગ કરી ગતિરોધકો બનાવવાથી ઢાળ તરફ વહી જતા પાણીની ગતિ અવરોધાય છે; પરિણામે જમીનનું ધોવાણ થતું અટકે છે.

(iii) પટ્ટી-પદ્ધતિથી વાવેતર અથવા આંતરખેડ : જમીનની પટ્ટી આકારે રચના કરવાથી કે આંતરખેડ કરવાથી પાકની અથવા વનસ્પતિની બે હાર વચ્ચે થતું ધોવાણ અટકે છે અને જમીનમાં પાણી ધીમે ધીમે નીચે ઊતરે છે.

(iv) પગથિયા-પદ્ધતિ : સૂકા ડુંગરાળ પ્રદેશમાં જમીનના ઢાળ અને લંબાઈને અનુરૂપ પગથિયા-પદ્ધતિથી જમીનના વિસ્તારને સપાટ કરવામાં આવે છે. આ માટે ઊંચી જગાએથી જમીન ખોદી લઈ ઢાળ મુજબ લંબાઈ-પહોળાઈ રાખી નીચેના ભાગે પૂરણ કરી પગથિયા-આકારે ખેતરને જરૂરી માપનાં તૈયાર કરવામાં આવે છે અને યોગ્ય પદ્ધતિથી વાવેતર કરવાથી ધોવાણ અટકે છે.

(v) પવન-અવરોધક અને સંરક્ષક વાડની વનસ્પતિનું રોપણ : ધોવાણ અટકાવવા માટે પવન આવતો હોય તે દિશામાં ખેતરની ફરતે સૂકા વિસ્તારમાં જીવી શકે તેવી પવન-અવરોધક વનસ્પતિઓનું એક કે બે હારમાં ગીચ વાવેતર કરવામાં આવે છે. તેથી જે તે ખેતરનું સૂક્ષ્મ વાતાવરણ ઓછું સૂકું રહે છે અને કેટલાક પાકો માટે તે અનુકૂળ રહે છે.

આ પ્રમાણે ખૂબ મોટા વિસ્તારમાં એટલે કે સીમનો વિસ્તાર કે ખેતરોની ફરતે સંયુક્ત રીતે ત્રણથી ચાર પ્રકારનાં જુદી જુદી ઊંચાઈ ધરાવતાં વૃક્ષ કે ક્ષુપનું વાવેતર કરવાથી તે વિસ્તારનું સૂક્ષ્મ વાતાવરણ પાક માટે અનુકૂળ બને છે.

જમીનના ભેજનું સંરક્ષણ : સૂકા વિસ્તારની જમીનની જલસંગ્રહ-શક્તિ ઘણી ઓછી અને નિતારશક્તિ ખૂબ વધારે હોવાથી તેવી જમીનમાં ભેજનું સંરક્ષણ કરવું જરૂરી હોય છે. તે માટેના કેટલાક ઉપાયો આ પ્રમાણે છે :

(i) પાણીનું એકત્રીકરણ અને સંચય : વરસાદનું પાણી વહી જતું અટકાવવા તેને એકત્રિત કરવું જરૂરી છે. આવા એકત્રિત કરેલા પાણીનો નીચાણવાળી જગાએ તલાવડી (ખેત-તલાવડી) બનાવી તેમાં સંગ્રહ કરવામાં આવે છે. આ માટે દરેક વૃક્ષની ત્રણ બાજુએ એવી રીતે પાળી બનાવવામાં આવે છે કે જેથી ઉપરની તરફથી નીચે આવતું પાણી વહી જતું અટકે છે અને પાળીની અંદરની તરફ પાણીનો સંગ્રહ થાય છે. આ પાળી બનાવવા માટેનું માપ વૃક્ષના પ્રકાર ઉપર આધાર રાખે છે.

(ii) જમીનની જલસંગ્રહશક્તિમાં વધારો કરવો : ઢાળ મુજબ પાણી નીચેની તરફ વહી જાય તો તે ઉપયોગી બનતું નથી. વળી જમીન રેતાળ હોઈ તેની નિતારશક્તિને કારણે પાણી જમીનમાં નીચે ઊતરી જાય છે (નિક્ષાલન = leaching). તેથી પાણીનો વધારે સંગ્રહ થાય તે માટે જમીનમાં કેટલાક પદાર્થો ઉમેરવામાં આવે છે; જેમ કે,

(અ) જમીનમાં બેન્ટોનાઇટ માટી (clay) 10થી 15 ટન/હેક્ટર; છાણિયું ખાતર, પ્રેસ મડ કે જૈવિક ખાતર, તળાવ કે નદીનો કાંપ (silt) ઉમેરી શકાય; (આ) ગુવાર, ચોળા, શણ અને ઇક્કડ જેવા જમીનની જલસંગ્રહશક્તિ વધારતા લીલા પડવાશના પાકોનું વાવેતર કરી શકાય.

(iii) અર્ધચંદ્રાકાર પાળી અને શોષ-ખાડા બનાવવા : વૃક્ષની ફરતે ઢાળની દિશામાં જરૂરિયાત પ્રમાણે અર્ધચંદ્રાકાર પાળી બનાવવામાં આવે છે. તે દર વર્ષે મોટી કરતા જવાથી પાણીનો સંગ્રહ વધારે થાય છે. તે જ રીતે છોડથી આગળ ઉપરની તરફ પાળી અને શોષ-ખાડા વચ્ચે છોડ રહે તે રીતે યોગ્ય માપનો શોષ-ખાડો બનાવવાથી પાણીનો સંગ્રહ થાય છે. આ પાણી છોડના મૂળને સહેલાઈથી મળે છે. વળી, વરસાદના પાણી સાથે વહી જતા કાંપથી ખાડો પુરાતાં જમીનની જલસંગ્રહશક્તિ વધે છે.

સૂકા વિસ્તારમાં ઉગાડી શકાય તેવી વનસ્પતિઓ : સૂકા વિસ્તારમાં વૃક્ષો, ફળપાકો, શાકભાજી અને ફૂલપાકો લઈ શકાય છે.

(અ) વૃક્ષો : રેતાળ પડતર જમીનમાં ઉગાડી શકાતાં વૃક્ષોમાં બોર, દેશી બોરડી, બીલાં, આમળાં, જામફળ, દાડમ, આંબો, અંજીર, આમલી, રાયણ, જાંબુ, તાડ, ખજૂર, બાવળ, શરુ, નીલગિરિ, લીમડો, કાજુ, શિરીષ, પીપળો, મહુડો, ગરમાળો, અરડૂસો, ગુંદો, ખીજડો, સુબાબુલ અને બંગાળી બાવળનો સમાવેશ થાય છે.

દેશી બાવળ, કરંજ, આમલી, જાંબુ, અર્જુન, કોકમ, લીમડો અને ગુંદા જેવાં વૃક્ષો પાણી ભરાઈ રહે તેવી નીચાણવાળી જમીનમાં ઉગાડવામાં આવે છે.

અનિયમિત ઢાળવાળી જમીનમાં બોર, કેરડાં, ચારોળી, દાડમ, સીતાફળ, જામફળ, આમળાં, કોઠી, લીંબુ વર્ગનાં વૃક્ષો, આમલી, લીમડો, ખીજડો, સુબાબુલ, બંગાળી બાવળ, જાંબુ, પીલુ, કરમદાં વગેરે ઉગાડી શકાય છે.

ક્ષારીય જમીનમાં ખજૂરી, દેશી ખજૂરડી, બોરડી, જાંબુડો, જામફળી, કરમદી, કોઠી, ગુંદી, દાડમડી, પીલુડી તેમજ શેતૂર, આમળાં ને ફાલસા જેવી વનસ્પતિ વાવવામાં આવે છે.

(આ) સૂકા વિસ્તાર માટે અનુકૂળ ફળપાકની સુધારેલી જાતો :

(i) આમળાં : ગુજરાત આમળાં-1, નીલમ (એન.એ. 7), કંચન, ચકૈયા, બળવંત, ફ્રાન્સિસ.

(ii) સીતાફળ : વૉશિંગ્ટન પીઆઇ 98797, બ્રિટિશ ગિની, બાર્બાડોસ, બાલાનગર, મેમથ આઇલડ જેમ, લાલ સીતાફળ, અર્કાશહાન (બૅંગલોરથી બહાર પડેલી જાત).

(iii) બોર : ગોલા ઉમરાન, કૈથલી, ગોમા કીર્તિ (ગોધરાથી બહાર પડેલી જાત), સેન, મુંડિયા, જોગિયા.

(iv) ખાટી આમલી : પ્રતિષ્ઠાન, યોગેશ્વરી, પીકેએમ-1, ઉરીગમ, સિલેક્શન-263.

(v) બીલાં : એન.બી. 4, 5 (આશાસ્પદ), 7 અને 9, અયોધ્યા-11, પંત અપર્ણા, પંત શિવાની, પંત સુજાતા.

(vi) ખારેક : હલાવી, ખદ્રાવી.

(vii) દાડમ : ગણેશ, મૃદુલા, ગણેશ-137, પી-23 અને પી-26, સિલેક્શન જ્યોતિ – આઇઆઇએચઆર, બૅંગલોર દ્વારા બેસિન સીડલેસ જાતમાંથી પસંદ કરેલી જાત.

(viii) મહુડાં : એન.એમ. 2, 4, 7 અને 8 (નરેન્દ્ર યુનિવર્સિટી ઑવ્ એગ્રિકલ્ચર ઍન્ડ ટૅક્નૉલૉજી ખાતે સંશોધન હેઠળ).

(ix) ગુંદાં : પારસ ગુંદાં (ગુજરાત), પુષ્કર લોકલ (રાજસ્થાન).

(x) ફાલસા : મીઠા ફાલસા, ખાટા ફાલસા, ઠીંગણી અને ઊંચી જાત.

(xi) સરગવો : જાફના, પીકેએમ.-1

(ઇ) સૂકા વિસ્તારમાં ઉગાડી શકાય તેવાં શાકભાજી : સામાન્ય રીતે ચોમાસામાં ચોળા, ગુવાર, કાકડી, તૂરિયાં, કોળાં જેવી શાકભાજી ઉગાડવામાં આવે છે. આ સિવાય કાચરી, કુમટ, કેરડાં વગેરે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે.

() સૂકા વિસ્તારના ફૂલપાકો : ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના પાણીથી મુખ્યત્વે આફ્રિકન ગલગોટા, કરેણ અને ચાંદની જેવા ફૂલપાક લઈ શકાય છે.

(i) આફ્રિકન ગલગોટાની જાતો : ગલગોટામાં રંગ પ્રમાણે પીળાં, સોનેરી પીળાં, નારંગી અને સફેદ પુષ્પો જોવા મળે છે. તેઓના કદમાં પણ વૈવિધ્ય હોય છે. તેની મુખ્ય જાતોમાં ગિનીગોલ્ડ, ઍગ્રિકૉટ્સન જાયન્ટ, પ્રિમરોઝ, ફિયેસ્ટા, ગોલ્ડન યલો, ગ્લિટર્સ, મેમથ, ક્રાઉન ઑવ્ ગોલ્ડ, હની કૉમ્બ, ક્યુપી, હવાઈ વગેરેનો સમાવેશ થાય છે.

(ii) કરેણ : તેની સેમી-ડબલ અને ડબલ – એમ બે પ્રકારની જાતો છે. પુષ્પનો રંગ ગુલાબી, સફેદ અને લાલ જોવા મળે છે.

(iii) ચાંદની : તેની સફેદ રંગની સિંગલ અને ડબલ – એમ બે પ્રકારની જાતો છે.

ઉત્પાદન-તકનીકી (production technology) : ઉત્પાદન- તકનીકીમાં પ્રસર્જન, કેળવણી, છાંટણી, પિયત, ઘાસપાત-છાદન, પોષણ વગેરે પ્રક્રિયાઓ મહત્ત્વની છે.

1. સૂકા વિસ્તારમાં વનસ્પતિનું પ્રસર્જન : સૂકા વિસ્તારમાં ફળ, શાકભાજી, ફૂલપાકો અને પ્રાકૃતિક વનસ્પતિઓનું પ્રસર્જન મોટેભાગે બીજથી કરવામાં આવે છે. આથી શુદ્ધ જાત ઉપલબ્ધ ન થવાથી પાકના ઉત્પાદન પર માઠી અસર થાય છે; ફળનું કદ નાનું રહે છે અને યોગ્ય ગુણવત્તા મળતી નથી. તેથી પાક ઉત્પાદકને તેના ઉત્પાદનના યોગ્ય બજારભાવ મળતા નથી. સૂકા વિસ્તારના મહત્ત્વના ફળપાકોમાં કૃત્રિમ પ્રસર્જનની કેટલીક રીતો આ પ્રમાણે છે :

(અ) નૂતન કલમપદ્ધતિ : સૂકા વિસ્તારમાં પાણીની અછત હોય છે. તેથી અન્ય સ્થાનેથી લાવેલ તૈયાર કલમ રોપવાથી કલમનું મૃત્યુપ્રમાણ વધે છે. તેને નિવારવા ‘સ્વસ્થાન’(in situ)વાળી પદ્ધતિ એટલે કે જે જગાએ વૃક્ષની કલમ રોપવાની હોય ત્યાં અગાઉથી મૂલકાંડ ઉછેરવામાં આવે તો તેનાં મૂળ જમીનમાં વ્યવસ્થિત રીતે સ્થાપિત થવાથી છોડના મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે અને તે મૂલકાંડ પર કલમ કરવાથી સારી જાતનાં ફળઝાડ ઉછેરી શકાય છે.

આ પદ્ધતિ અગાઉ આંબાના પાક માટે અપનાવવામાં આવતી હતી; પરંતુ હવે નૂતન કલમપદ્ધતિથી આમળાં, કાજુ, જામફળ, ફાલસા, ચીકુ, જાંબુ, ખાટી આમલી વગેરેમાં 70થી 90 % સુધી સફળતા મળે છે અને સારી જાતો વિકસાવી શકાય છે.

(આ) આંખ-કલમ : કેટલાક ફળપાકોમાં ભેટ-કલમ કરતાં આંખ-કલમ વધારે સફળતા આપે છે. બોર અને લીંબુ વર્ગના ફળઝાડમાં આંખ-કલમથી પ્રસર્જન કરવું સૂકા વિસ્તાર માટે હિતાવહ છે. બોરમાં પ્રસર્જન માટે અંગ્રેજી ‘I’ પદ્ધતિથી કલમ કરવામાં આવે છે.

સૂકા વિસ્તાર માટે ‘કિન્નો’ જાતનાં સંતરાં અનુકૂળ છે; કારણ કે કિન્નોનાં ફળ પર્ણોથી ઢંકાયેલાં રહેતાં હોવાથી સૂર્યના પ્રખર તાપથી બગડતાં નથી. તેને માટે ઢાલાકાર આંખ-કલમ વધારે અનુકૂળ આવે છે. છતાં હાલમાં ‘સૂક્ષ્મ પ્રરોહાગ્ર આરોપણ’ (microshoot tip grafting) પદ્ધતિથી રોગમુક્ત છોડ તૈયાર કરી શકાય છે. ‘પેશી-સંવર્ધન’ (tissue culture) પદ્ધતિથી પણ નવા છોડ મેળવવામાં આવે છે. લીંબુ વર્ગના ફળપાકમાં મૂલકાંડ તરીકે રંગપુર લાઇમ, ક્લિયોપેટ્રા, ટ્રોયર અને જલંધરી ખાટી જાત વપરાય છે.

આંબો, સીતાફળ, આમળાં, કાજુ, જામફળ, ફાલસા, જાંબુ વગેરે પાકમાં સ્થળ ઉપર ઉછેરેલા મૂલકાંડ ઉપર સીધેસીધી કલમ કરી (5  2 મી.ના અંતરે) વાવેતર કરી શકાય છે. અન્ય પાકની પ્રસર્જનની રીત અને સમય સારણી 2માં આપેલ છે.

સારણી 2 : કેટલાક પાકની પ્રસર્જનની રીત અને તેનો સમય

ક્રમ પાકનું નામ પ્રસર્જનની રીતો સમય
1. દાડમ કટકા-કલમ, ગૂટી-કલમ, જૂન-જુલાઈ, ફેબ્રુ.માર્ચ,
પીલા ઑગ.-સપ્ટે.
2. આમળાં થીંગડાકાર આંખ-કલમ, જૂન-જુલાઈ
નૂતન કલમ
3. સીતાફળ થીંગડાકાર આંખ-કલમ, જૂન-જુલાઈ
નૂતન કલમ
4. જામફળ ગૂટી-કલમ, નૂતન કલમ જૂન-જુલાઈ
5. અંજીર કાષ્ઠમય કટકા-કલમ ડિસે.-ફેબ્રુ., જૂન-જુલાઈ
6. ફાલસા કાષ્ઠમય કટકા-કલમ, માર્ચ-એપ્રિલ
નૂતન કલમ
7. ગુંદાં બીજ એપ્રિલ-મે
8. જાંબુ બીજ, નૂતન કલમ જૂન-જુલાઈ
9. બીલાં બીજ, આંખ-કલમ જૂન-જુલાઈ
10. શેતૂર કટકા-કલમ જૂન-જુલાઈ

2. કેળવણી : દાડમમાં જમીનના સમતલે ચાર મુખ્ય પીલા રાખવાથી ઝાડદીઠ વધુમાં વધુ ફળો અને ઉત્પાદન મળે છે. ચાર કરતાં વધારાના પીલા દૂર કરવામાં આવે છે.

3. છાંટણી : ઉત્તર ગુજરાતના વિસ્તારમાં બોરની ગોલા જાતમાં ચોથી દ્વિતીયક ડાળીની એપ્રિલમાં છાંટણી કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેની છઠ્ઠી દ્વિતીયક ડાળીની ફેબ્રુઆરીમાં છાંટણી કરવાથી વધુમાં વધુ 45 કિગ્રા./વૃક્ષ ઉત્પાદન પ્રાપ્ત થયેલું છે.

દાડમના ઝાડ ઉપર 50 જેટલાં ફળો રાખવાથી સારી ગુણવત્તા મળે છે. ખારેકની લૂમના મધ્યભાગેથી  જેટલાં ફળોની છાંટણી કરવી હિતાવહ છે.

4. પિયત : સરદાર કૃષિનગર ખાતે થયેલા સંશોધન અનુસાર બોરમાં ટપક (drip) પદ્ધતિથી વધારે ઉત્પાદન મળેલ છે અને પાણીનો 35-40 % બચાવ થયેલ છે.

5. ઘાસપાતછાદન : ગુજરાતના ઓછા વરસાદવાળા વિસ્તારમાં બોરની ઉમરાન જાતનું કાળા પ્લાસ્ટિકના આચ્છાદનથી ઝાડદીઠ 63.1 કિગ્રા. જેટલું ઉત્પાદન મળેલું છે. રાહુરી (મહારાષ્ટ્ર) ખાતે શેરડીની પરાળનું આચ્છાદન કરતાં દાડમની ગણેશ જાતમાં વધારે ઉત્પાદન મળે છે. દાડમમાં ડાંગરની પરાળનું આચ્છાદન શ્રેષ્ઠ ગણાય છે. બિકાનેરમાં સ્થાનિક બુઈ પ્રકારના નીંદણના આચ્છાદનથી જમીનમાં વધુમાં વધુ ભેજ સંચિત થતો જણાયો છે.

6. પોષણ : વિવિધ પ્રકારના ફળપાક માટે નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશની જરૂરિયાત સારણી 3માં આપવામાં આવી છે.

સારણી 3 : કેટલાક ફળપાક માટે વૃક્ષદીઠ નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશની જરૂરિયાત

પાક નાઇટ્રોજન ગ્રા. ફૉસ્ફરસ ગ્રા. પોટાશ ગ્રા. નોંધ
દાડમ 625 250 250
અંજીર 900 250 250
બોર 750 રાજસ્થાન માટે
250 250 મહારાષ્ટ્ર માટે

સૂકા વિસ્તારનાં સંશોધનકેન્દ્રો : સૂકા વિસ્તારનાં કેટલાંક સંશોધન-કેન્દ્રો આ પ્રમાણે છે : (1) સેન્ટ્રલ એરીડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – જોધપુર અને બિકાનેર, (2) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હૉર્ટિકલ્ચરલ રિસર્ચ – બૅંગલોર, (3) ઑલ ઇન્ડિયા કો-ઑર્ડિનેટેડ રિસર્ચ પ્રૉજેક્ટ ઑન એરીડ ઝોન ફ્રુટ્સનાં જુદાં જુદાં 12 કેન્દ્રો.

કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન-કેન્દ્રો આ પ્રમાણે છે : (1) પંજાબ કૃષિ યુનિવર્સિટી – લુધિયાણા, (2) હરિયાણા કૃષિ યુનિવર્સિટી – હિસ્સાર, (3) રાજસ્થાન કૃષિ યુનિવર્સિટી – બિકાનેર અને (4) ગુજરાત કૃષિ યુનિવર્સિટી – સરદારકૃષિનગર.

બળવંતરાય વલ્લભભાઈ પઢિયાર