સૂકો સડો : ફૂગ જેવા રોગજન (pathogen) દ્વારા વનસ્પતિ-અંગોને થતા સડાનો એક પ્રકાર. આ રોગ મુખ્યત્વે Fusarium, Cladosporium, Rhizoctonia, Macrophomina અને Sclerotium જેવી મૃદાજન્ય (soilborne) ફૂગ દ્વારા થાય છે. વનસ્પતિનાં ખોરાક-સંગ્રાહક અંગોમાં આ ફૂગનો ચેપ લાગે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત પેશીઓમાંથી કોઈ પણ પ્રકારના પ્રવાહીનું સ્રવણ થતું નથી અને અંતે તે અંગ ઢળી પડી સુકાઈ જાય છે. બટાટા અને અળવીનો સૂકો સડો Fusarium coeruleum દ્વારા થાય છે. કાકડીનાં ભીંગડાં(scab)નો રોગ Cladosporium cucumerinum નામની ફૂગ દ્વારા થાય છે. યજમાન કોષોમાંથી થતી પ્રવાહીની બહિરાસૃતિ (exosmosis) દર્શાવે છે કે રસસ્તર(plasma membrane)ને ઈજા પહોંચી છે. સૂકા સડાનાં રોગજન પોચા સડાનાં રોગજન કરતાં ઓછાં વિષજનક (toxigenic) હોય છે. તેઓ કોષોની કોષદીવાલમાં રહેલા સૅલ્યુલોઝમાં ખૂબ પરિવર્તન લાવે છે. Cladosporium દ્વારા પૉલિમિથાઇલ ગૅલેક્ચ્યુરોનેઝ (PG) અને સૅલ્યુલેઝ નામના ઉત્સેચકોનો સ્રાવ થાય છે. આ ફૂગ પૅક્ટિન મિથાઇલ ઍસ્ટરેઝ ધરાવતી નહિ હોવાથી ફૂગનો વિકાસ ધીમો થાય છે.

Fusarium પ્રજાતિની ફૂગથી થતા સડામાં રોગજન વાહીપુલોમાં વૃદ્ધિ કરી તેના વહનમાં અવરોધ ઉત્પન્ન કરે છે અને વિષ (toxin) કે ઉત્સેચકોનો સ્રાવ કરે છે. તેમની પ્રક્રિયાઓથી વાહીપુલની ઉપરની પેશીઓ સડી જઈ મૃત્યુ પામે છે. કેટલાક રોગોમાં આ પેશીઓમાં પાણી ભરાવાથી તે પોચી પડે છે. અન્ય કેટલાક રોગોમાં રોગજનના ચેપથી પેશીઓમાં પાણી ભરાતું નથી અને સૂકો સડો કરે છે.

કપાસના મૂળનો સૂકો સડો Rhizoctonia bataticola નામની રોગજન ફૂગ દ્વારા થાય છે. ભારતમાં આ મૂળના સડાથી સૌથી વધારે નુકસાન થાય છે. આ રોગ આફ્રિકા અને યુ.એસ. જેવા અન્ય દેશોમાં પણ થાય છે. સુકારાનો રોગ કાળી જમીનમાં અને મૂળનો સડો રેતાળ જમીનમાં વિશેષ નુકસાન કરે છે.

રોગજન ફૂગનો થડમાં ચેપ (infection) લાગવા છતાં છોડ ઊભો રહે છે અને ચેપગ્રસ્ત ભાગ પાણીપોચો બનતો નથી. તે નાના રોપ તેમજ એક-બે માસના પરિપક્વ છોડને પણ ચેપ લગાડે છે. છોડની જમીન પાસેના થડની છાલ અને તેનાં મૂળ તેમજ ઉપમૂળો સંપૂર્ણ સડેલાં હોય છે. મુખ્ય મૂળ ઉપર ફૂગનો પીળો અને ચીકણો થર જોવા મળે છે. સડેલા મૂળનાં કાષ્ઠ અને થડની છાલ ઉપર કાળાં ચળકતાં રજકણ જેવાં જાલાશ્મ (sclerotium) જોવા મળે છે.

શણનાં મૂળ અને થડનો સડો Macrophomina phaseoli નામની રોગજન ફૂગ દ્વારા થાય છે. ભારતમાં આ રોગ આસામ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસા અને ઉત્તરપ્રદેશમાં દર વર્ષે ઘણું નુકસાન પહોંચાડે છે. પોષિતાની કોઈ પણ અવસ્થામાં તે ચેપ લગાડી રોગ ઉત્પન્ન કરી શકે છે. તે તરુણ રોપના જમીન પાસેના થડને ચેપ લગાડી તેના બીજાંકુરનાં પર્ણો ઉપર અસર કરે છે, જેથી રોગિષ્ઠ રોપ મૃત્યુ પામે છે. ચેપગ્રસ્ત છોડના જમીનમાં રહેલા થડમાં કાળી પટ્ટીઓ જોવા મળે છે. તેઓ ભેજવાળી આબોહવામાં ઝડપથી વૃદ્ધિ પામે છે અને થોડાક જ સમયમાં છોડનું મૃત્યુ થાય છે. તે પરિપક્વ છોડનાં પર્ણોને ચેપ લગાડે છે. તેથી પર્ણોની કિનારી અને ટોચ ઉપર કાળા જખમના ડાઘાઓ જોવા મળે છે. આ પ્રકારનો ચેપ પર્ણદંડ, શાખા, પુષ્પ અને શિંગમાં પણ પ્રસરે છે અને કાળા જખમ ઉત્પન્ન કરે છે. ચેપી પર્ણોનું વિપત્રણ (defoliation) થતાં માત્ર શાખાઓ જ રહી જાય છે. ચેપગ્રસ્ત શિંગો કાળી પડે છે. તેમાં રહેલાં બીજ ચીમળાયેલાં અને કાળાં હોય છે. ચેપી શિંગોમાં જાલાશ્મ ઉદભવે છે. આ રોગજન દ્વારા ચેપગ્રસ્ત પેશીઓ પાણીપોચી થતી નથી; પરંતુ ચેપગ્રસ્ત વિસ્તારોમાં જખમો કરી તેની પેશીમાં સૂકો સડો કરે છે.

જુવારના પ્રકાંડનો કાજલનો સડો પણ Macrophomina phaseoli દ્વારા થાય છે. આ ફૂગ જમીનમાં મૃતોપજીવી તરીકે જીવે છે અને રોગસંવેદી જાતોના સંપર્કમાં આવતાં પરોપજીવી તરીકે વર્તે છે. કે.આર. 16, સી.એચ.એસ.-4 અને સી.એચ.એસ.-5 અને 302 જેવી કેટલીક વધારે ઉત્પાદન આપતી સંકર જાતો પણ રોગસંવેદી હોય છે. જમીનમાં ભેજ ઓછો હોય અને તાપમાન ઊંચું હોય ત્યારે પુખ્ત છોડને ચેપ લાગે છે. દાણા તૈયાર થવાના સમયે ચેપ લાગતાં થડની પેશીઓ નબળી પડતાં ભાંગીને નમી પડે છે.

ધરુ-અવસ્થામાં આ રોગજન દ્વારા ધરુનો સુકારો થાય છે. તેને કારણે જમીનની ઉપરનો પ્રકાંડના કાંઠલાનો ભાગ કાળો બની ચીમળાઈ જાય છે અને રોગગ્રસ્ત ધરુ મૂરઝાઈને મૃત્યુ પામે છે.

પરિપક્વતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી છોડમાં રોગનાં કોઈ પણ ચિહ્નો જણાતાં નથી. આ રોગમાં છોડમાં અકાળે વહેલી પક્વતા વરતાય છે; અને ડૂંડું નબળું રહે છે. થડ નબળું અને અંદરથી પોલું હોય છે. તેથી સહેલાઈથી નમી પડે છે કે ભાંગી જાય છે. થડના ઊભા છેદમાં વાહીપુલોના વિચ્છેદિત થયેલા અને છૂટા પડી ગયેલા રેસાઓ જોવા મળે છે. આ રેસાઓમાં અસંખ્ય કાળાં નાનાં જાલાશ્મ ઉત્પન્ન થયેલાં હોય છે. આવાં લક્ષણોને લઈને આ રોગને કાજલનો સડો કહે છે. જાલાશ્મો ઘણાં વર્ષો સુધી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. જુવારમાં અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થતા નથી.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ