સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત) : પ્રાકૃત ભાષામાં લખાયેલો ચરિત ગ્રંથ. ‘કહાણયકોસ’ના કર્તા જિનેશ્વરસૂરિના શિષ્ય સાધુ ધનેશ્વરે સુબોધ પ્રાકૃત ગાથાઓમાં વિ. સં. 1094(ઈ. સ. 1038)માં ચડ્ડાવલિ નામના સ્થાનમાં દરેકમાં 250 પદ્યો ધરાવતા સોળ પરિચ્છેદોમાં વિભક્ત એવા આ કાવ્યગુણસંપન્ન પ્રેમાખ્યાનની રચના કરી છે.

ધનદેવ શેઠ એક દિવ્યમણિની મદદથી ચિત્રવેગ નામના વિદ્યાધરને નાગપાશમાંથી છોડાવે છે. લાંબા વિરહ પછી પોતાની પ્રિયતમા સાથે ચિત્રવેગનો વિવાહ થાય છે અને તે સુરસુંદરીની તથા પોતાના પ્રેમની – વિરહ અને મિલનની કથા સંભળાવે છે. સુરસુંદરીનો મકરકેતુ સાથે વિવાહ થાય છે. અંતમાં બંને દીક્ષા લે છે. મૂળકથાની સાથે આંતરકથાઓ એટલી ગૂંથાયેલી છે કે મૂળકથા એક બાજુએ રહી જાય છે. કથાની નાયિકા સુરસુંદરીનું નામ પ્રથમ વાર છેક અગિયારમા પરિચ્છેદમાં આવે છે. વચ્ચે ભયાનક જંગલ, ભીલોનું આક્રમણ, વર્ષાકાળ, વસન્તઋતુ, મદનમહોત્સવ, સૂર્યોદય, સૂર્યાસ્ત, પુત્રજન્મ-મહોત્સવ, વિવાહ, યુદ્ધ, વિરહ, સ્ત્રીસ્વભાવ, સમુદ્રયાત્રા, જૈનસાધુઓનું નગરમાં આગમન, તેમનો ઉપદેશ, જૈન ધર્મનાં તત્ત્વો વગેરેનું સરસ વર્ણન આવે છે. શબ્દાલંકાર, ઉપમાલંકાર અને રસવૈવિધ્યનું ભારે કૌશલ દર્શાવતા આ મહાકાવ્યમાં અપભ્રંશ અને ગ્રામભાષાના શબ્દોનો પણ ક્વચિત્ પ્રયોગ થયો છે.

નારાયણ કંસારા