સુભટ : સંસ્કૃત નાટ્યકાર. સુભટના જીવન વિશે થોડીક માહિતી મળે છે. તેઓ ‘દૂતાંગદ’ નામના સંસ્કૃત નાટકના લેખક હતા. ભવભૂતિ અને રાજશેખર જેવા નાટ્યકારો પાસેથી શ્લોકો સ્વીકારી તેમણે પોતાનું નાટક રચ્યું હોવાથી તેની પ્રસ્તાવનામાં લેખક સુભટ તેને ‘છાયાનાટક’ એવા નામથી ઓળખાવે છે. તેઓ ગુજરાતી હતા અને સોલંકીકાળના ગુજરાતમાં થઈ ગયા. તેમણે ‘દૂતાંગદ’ નાટકની નાંદીમાં રામ અને વિષ્ણુના શંખની સ્તુતિ કરી છે એટલે તેઓ વિષ્ણુભક્ત બ્રાહ્મણ હોવાનું જણાય છે. તેમણે પદ, વાક્ય અને પ્રમાણમાં પોતે પારંગત હોવાનો ઉલ્લેખ કર્યો છે; તેથી તેઓ ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને મીમાંસાશાસ્ત્રના જ્ઞાની હતા એ સ્પષ્ટ છે.
તેમણે ભવભૂતિ અને રાજશેખરમાંથી શ્લોકો સ્વીકાર્યા છે, તેથી 10મી સદી પછી તેઓ થઈ ગયા એમ માની શકાય. બીજી બાજુ મહાકવિ સોમેશ્વરે 1220ની આસપાસ રચેલા ‘કીર્તિકૌમુદી’ નામના વસ્તુપાળની પ્રશંસા કરતા પોતાના મહાકાવ્યમાં સુભટ કવિનો ઉલ્લેખ કર્યો છે, તેથી 1200 પહેલાં તેઓ થઈ ગયા તેમ જણાય છે. સુભટે રાજા કુમારપાળની યાત્રામાં વસંતોત્સવના પ્રસંગે ત્રિભુવનપાળની આજ્ઞાથી પોતાનું ‘દૂતાંગદ’ નાટક ભજવાઈ રહ્યું હોવાની વાત કરી છે, તેથી 1150ની આસપાસ આ નાટક ભજવાયેલું અને તેથી આ કવિનો સમય 1100ની આસપાસનો માની શકાય. તેમનું છાયાનાટક ‘દૂતાંગદ’ અંગદ દૂત તરીકે રાવણ પાસે જાય છે તે રામાયણીય પ્રસંગને વર્ણવે છે. તેના અંતે સુભટ એમ કહે છે કે બીજાના કેટલાક શ્લોકો સ્વીકારવા છતાં પણ પોતે રસાઢ્ય નાટક રચ્યું છે. આમ આ નાનકડું નાટ્ય પણ સુભટ કવિની લોકપ્રિયતા બતાવે છે. રુદ્રટના ‘કાવ્યાલંકાર’ના ટીકાકાર નમિસાધુએ આ કવિનો એક શ્લોક ઉદાહરણ તરીકે આપ્યો છે તે પણ તેની લોકપ્રિયતા સૂચવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી