સુભદ્રા : રોહિણીના ગર્ભથી ઉત્પન્ન થયેલ વસુદેવની પુત્રી તથા બલરામ અને કૃષ્ણની નાની બહેન. સ્કંદપુરાણ અનુસાર તે પૂર્વજન્મમાં ગાલવઋષિની કન્યા માધવી હતી. એક વાર ઋષિ આ કન્યાને લઈને વિષ્ણુ ભગવાનના દર્શને ગયા. બાળસુલભ ચંચળતાને કારણે તે ત્યાં આસન ઉપર બેસી ગઈ. એ જોઈને ગુસ્સે ભરાયેલ લક્ષ્મીજીએ  તેને અશ્વમુખી થવાનો શાપ આપ્યો. જ્યારે એનો જન્મ થયો ત્યારે બલરામ અને કૃષ્ણની પ્રાર્થનાથી બ્રહ્માજીએ એને ભદ્રમુખી બનાવી દીધી. અને ત્યારથી એનું નામ સુભદ્રા પડ્યું.

બલરામ સુભદ્રાનાં લગ્ન પોતાના શિષ્ય દુર્યોધન સાથે કરાવવા માગતા હતા. પરંતુ જ્યારે અર્જુને એને જોઈ ત્યારે એ એનાથી મોહિત થઈ ગયો. શ્રીકૃષ્ણે અર્જુનને સહાયતા કરી અને અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. ભાગતી વખતે અર્જુનના રથને સુભદ્રાએ હંકાર્યો હતો. કૃષ્ણના સમજાવ્યાથી બલરામ પણ રાજી થતાં સુભદ્રા અને અર્જુનનાં લગ્ન ધામધૂમથી થયાં. મહાભારતનો પરાક્રમી વીર અભિમન્યુ અર્જુન-સુભદ્રાનો પુત્ર હતો. પાંડવોના વનવાસ વખતે સુભદ્રા અભિમન્યુ સાથે દ્વારીકા નગરીમાં રહી હતી.

પ્રવીણચંદ્ર પરીખ