સિંગર આઇઝાક બેશેવિશ

January, 2008

સિંગર, આઇઝાક બેશેવિશ (. 14 જુલાઈ 1904, રૅડ્ઝિમિન, પોલૅન્ડ; . 1991) : યિદ્દીશ સાહિત્યકાર. નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ અને સંસ્મરણોના લેખક. 1978માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકથી વિભૂષિત. મૂળ યિદ્દીશ ભાષામાં તેમની કૃતિઓ રચાઈ. પછી 1935થી અમેરિકામાં સ્થાયી થયેલા આ લેખકે પોતે કોઈના સહયોગથી તે અંગ્રેજીમાં અનૂદિત કરી. આજે તેમાંની ઘણી કૃતિઓ મૂળ ભાષામાં ઉપલબ્ધ નથી.

આઇઝાક બેશેવિશ સિંગર

તેમણે પોલૅન્ડના અને અમેરિકામાં વસતા યહૂદીઓના જીવન પર આધારિત નવલકથાઓ લખી છે. તેમના મોટાભાઈ યિશરોએલ પણ સાહિત્યકાર હતા અને તેમનો આઇઝાક ઉપર મોટો પ્રભાવ હતો. 1945માં રચાયેલ કૃતિ ‘ધ ફૅમિલી મોસ્કાત’ પોતાના મોટાભાઈને અર્પણ કરતાં આઇઝાકે લખેલું, ‘માત્ર મોટાભાઈ નહિ પણ આધ્યાત્મિક પિતા અને ગુરુ’. આ કૃતિમાં વીસમી સદીના પૂર્વાર્ધના પોલૅન્ડના જીવનનું તાદૃશ્ય ચિત્ર છે અને યહૂદી કુટુંબોની ધીરે ધીરે થતી દુર્દશા તેમાં આલેખાઈ છે. આઇઝાકને યહૂદી-પોલૅન્ડના લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ અને સમજ હતાં. 1960ના દાયકાના લેખકો ઉપર તેમનો ભારે પ્રભાવ હતો. તેમની કૃતિઓ વાંચતાં લાગે કે લેખક સંપ્રદાયવાદી નથી પણ કોઈ ‘પારલૌકિક સત્તા’માં જરૂર શ્રદ્ધા ધરાવે છે. 1953-55 દરમિયાન રચાયેલી ‘ધ મોનોર’માં 19મી સદીના ઉત્તરાર્ધના પોલૅન્ડના જીવનનું નિરૂપણ છે. ‘ધ સ્લેવ’(1962)માં પોલૅન્ડના એક યહૂદી પાત્રનું ચરિત્રચિત્રણ છે. ‘સેતાન ઇનગોરે’ (1935, અનુ. 1955) 17મી સદીના પોલૅન્ડમાં વિદ્યમાન ગૂઢ આધ્યાત્મિક વિચારોનું બ્યાન કરે છે. તેમની ટૂંકી વાર્તાઓ અંગ્રેજીમાં અનૂદિત થઈને પ્રશંસાપાત્ર ઠરી છે. તેમના વાર્તાસંગ્રહોમાં મુખ્ય છે : ‘ઝિંપલ, ધ ફૂલ’ (1957માં સૉલ બેલોએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો), ‘ધ સ્પિનોઝા ઑવ્ માર્કેટ સ્ટ્રીટ’ (1961), ‘શૉર્ટ ફ્રાઇડે’ (1967), ‘ધ સ્ટૅ્ન્સ’ (1968) અને ‘કલેક્ટેડ સ્ટૉરિઝ’ (1982). ‘ઝિંપલ, ધ ફૂલ’ તેમની શ્રેષ્ઠ ટૂંકી વાર્તા ગણાય છે. એક સીધાસાદા માણસનું તેના પડોશીઓ કઈ રીતે શોષણ કરે છે તેની વાત દિલચસ્પ રીતે તેમાં રજૂ થઈ છે. તેમની ‘સિયન્સી’ નામની વાર્તામાં ન્યૂયૉર્કમાં રહેતા એક બીમાર વૃદ્ધનું કોઈ પરપીડન-વૃત્તિવાળું માધ્યમ કેવું શોષણ કરે છે તેની કથા છે. 1956માં પ્રગટ થયેલ ‘ઇન માય ફાધર્સ કોર્ટ’માં પોતાના વતન લુ બ્લિનના રૂઢિવાદી કાનૂન અને હવે નેસ્તનાબૂદ થયેલ જીવનશૈલીનાં સંભારણાં છે.

યિદ્દીશ સાહિત્યમાં અને વિશ્વસાહિત્યમાં પણ અત્યંત ગંભીર વિષયો ઉપર તેજસ્વિતાથી તટસ્થતાપૂર્વક કલમ ચલાવનાર સાહિત્યકારોમાં આઇઝાકનું નામ મોખરે છે.

પંકજ સોની