સિંગ રાજેન્દ્ર

January, 2008

સિંગ, રાજેન્દ્ર (. 1957, ઉત્તરપ્રદેશ) : જળસંપત્તિના સંગ્રહ માટે સાધારણ ખર્ચની પદ્ધતિઓ વિકસાવી જનસમુદાયનું નેતૃત્વ કરી, રાજસ્થાનના સૂકા પ્રદેશોને હર્યાભર્યા કરનાર અને 2002ના મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા જનસેવક. ઉત્તરપ્રદેશના જમીનદાર કુટુંબમાં જન્મેલા સિંગ અલ્લાહાબાદ યુનિવર્સિટીની હિંદી વિષય સાથેની અનુસ્નાતક ઉપાધિ ધરાવે છે. આ સાથે તેઓ આયુર્વેદિક તબીબ છે અને ઋષિકુલ આયુર્વેદિક મહાવિદ્યાલયની ઉપાધિ પણ ધરાવે છે.

ગ્રામીણ વાતાવરણમાં બાળપણ વીત્યું હોવાથી તે સમુદાયની તકલીફોથી ચિંતિત રહેનાર સિંગે 28 વર્ષની વયે પત્ની, કુટુંબ અને નોકરી છોડી સેવાનો ભેખ લીધો. પ્રારંભે તેમના આ નિર્ણયથી કુટુંબીજનો ખફા હતા; પરંતુ તેની પરવા કર્યા વિના તેમણે કામની શરૂઆત કરી. મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણના આદર્શોથી પ્રેરાઈને તેમણે લોકસેવાનું ક્ષેત્ર પસંદ કર્યું. આ માટે રાજસ્થાન પર તેમણે પસંદગી ઉતારી. શરૂઆતમાં સેવાનો આરંભ કેવી રીતે કરવો તેની ખાસ સૂઝ-સમજ નહોતી; પરંતુ કામ કરતાં કરતાં પાણીની તંગી સૌથી મોટું શિરદર્દ છે તેમ તેમણે અનુભવ્યું. આ અનુભવે લોકસેવામાં તેમણે વિશેષ કરીને પાણીની તંગી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ માટે રાજસ્થાનના અલ્વરના શુષ્ક વિસ્તારને પસંદ કરી તેમણે કામનો આરંભ કર્યો. અલ્વરમાં મૂળભૂત રીતે પાણીની તંગી તો હતી જ; પરંતુ માણસજાતના વર્ષોપર્યંતના અતિલોભીપણાને કારણે ત્યાં ખાણોનો અત્યંત મોટો વિસ્તાર સૂકા રણ જેવો વેરાન બની ચૂક્યો હતો. જંગલોની સાચવણી અને પાણીની વહેંચણીની પરંપરાગત વ્યવસ્થા નાશ પામી હતી. આથી જીવનનિર્વાહની શોધમાં એ વિસ્તારની ગ્રામીણ પ્રજા મોટા પ્રમાણમાં ગામો છોડી અન્ય વિસ્તારો ભણી જતી હતી તે એમના પ્રયત્નોના કારણે અટકી ગઈ.

1985માં તેમણે ચાર મિત્રો સાથે મળી તરુણ ભારત સંઘની સ્થાપના કરી અને ગામલોકોને એકઠા કરી પરંપરાગત જળસંગ્રહની પદ્ધતિઓ પુનર્જીવિત કરવા પ્રયાસો આરંભ્યા. આ માટે રાજસ્થાનના પાણીની તીવ્ર તંગીવાળા વિસ્તારોમાં જળસંચય કરવા પાળા (check-dams) બાંધવા શરૂ કર્યા. આ માટે લોકો વચ્ચે જઈ, સક્રિય મદદ કરી તેમણે સ્થાનિક રહેવાસીઓને પ્રોત્સાહિત કર્યા. આ પાળાઓને કારણે ચોમાસાના વરસાદી પાણીનો સંચય થવાથી જમીન હેઠળની જળસપાટી નાટ્યાત્મક ઢબે ઊંચી જવા માંડી. સૂકા કૂવાઓમાં નવેસરથી પાણીની સરવાણીઓ ફૂટી અને અન્ય કૂવાઓની જળસપાટી ઊંચી આવી. આ પરિણામે તેમના કાર્યને વેગ પૂરો પાડ્યો. પાળા બાંધવાના કામને તેમણે તત્પૂરતું એકમાત્ર કામ બનાવી દીધું. જળસંગ્રહની પ્રાચીન અને જુનવાણી પદ્ધતિઓ શોધી તેને નવજીવન આપ્યું. તેથી સૂકા વિસ્તારોમાં ખેતી અને માનવવસવાટ – બંનેનું પુન:સ્થાપન કરવાનું કામ શક્ય બન્યું. અલ્વર-વિસ્તારની કામગીરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બની.

અલબત્ત, આ સફળતા પાછળ વર્ષોનો અથાગ પરિશ્રમ પડેલો હતો; પરંતુ તેમણે આ કામમાં ગ્રામીણ પ્રજાની સહભાગીદારી પર ભાર મૂક્યો; એટલું જ નહિ, પણ સમગ્ર પરિકલ્પ(project)નો અડધો ખર્ચ આપવાની વાત તેઓ ગામલોકોને ગળે ઉતારતા. આમ લોકોની દૃઢ ભાગીદારી અને સંમતિથી કામનો આરંભ થતો. કામ કામને શીખવે એ સાદા અનુભવ-સત્ય પર આધાર રાખી તેમનો તરુણ ભારત સંઘ આગળ વધવા લાગ્યો. તેમાં જૂના પાળા સમારવા, કૂવાઓને વધુ ઊંડા બનાવવા અને ખાલી જમીનમાં નવાં વૃક્ષો વાવવાંના કામનો સમાવેશ થતો. આ સાથે તેમણે બીજું ભારે જહેમતનું કામ હાથ ધર્યું હતું, જેમાં જમીનના ભૂગર્ભ જળસ્રોતોનો દુરુપયોગ કરતી ખાણો અને ક્વૉરી બંધ કરાવવાનો સમાવેશ થતો હતો. આ કામ માટે તેમણે લાંબી અને ભારે લડત આપવી પડી. સ્થાનિક સ્થાપિત હિતો વિરુદ્ધ પુરાવા ઊભા કર્યા અને ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ કર્યા. આથી અદાલતના આદેશ પછી ખાણોની ફૂલતી-ફાલતી પ્રવૃત્તિઓ પર રોક લાગી. એનું બીજું એક શુભ પરિણામ એ આવ્યું કે પ્રદૂષિત પર્યાવરણને પણ નાથી શકાયું. સારીસ્કા નૅશનલ પાર્કની આસપાસ વન્ય જીવસૃષ્ટિને રક્ષણ મળ્યું. આ કામના પ્રસાર માટે તેમના તરુણ ભારત સંઘની શાખાઓ ગામેગામ ખોલવામાં આવી, જે ગ્રામસભાઓ રચી જળસંચયની કામગીરી જતનપૂર્વક આગળ વધારતી. એ સાથે જંગલો અને ચરિયાણના ઉપયોગના નિયમો ઘડી, વનસંપત્તિના બેફામ દુરુપયોગને તેમણે અટકાવ્યો. આ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનાં મંડળો રચી સ્થાનિક મહિલાઓને બચત કરવાની પદ્ધતિ શીખવી સંચય બૅંકો ઊભી કરી. નેવું ગામોનું પ્રતિનિધિત્વ કરતી તેમની સરિતા સંસદ (river parliament) અરવારી નદી અને તેના પાણીની વહેંચણીની બાબતમાં શિસ્તબદ્ધ આયોજન માટે પંકાયેલી છે.

તેમના આ પ્રયાસોથી અલ્વરની ખેડાણ હેઠળની જમીનમાં વધુ પાંચગણી જમીન આવરી લેવામાં આવી છે. એથી જમીનની જળસંચયશક્તિ વધતાં જમીનની ગુણવત્તા સુધરી છે. આસપાસની વહેળા જેવી નદીઓના જળભંડાર પાણીથી સમૃદ્ધ બન્યાં છે. તેમનું મંતવ્ય છે કે જળસંચયની આ પદ્ધતિઓ શહેરોની પાણીની અછતની સમસ્યાઓ ઉકેલવા જેટલી માતબર છે. જળસંચયની આ સફળતાને કારણે 1995 પછી તેમને રાજસ્થાન સરકારનો સહયોગ પ્રાપ્ત થતાં તેમના ગ્રામીણ વિકાસ અને સહભાગિતાના પ્રયાસોને સમર્થન સાંપડ્યું છે. એથી રાજસ્થાનના ઘણા સૂકા વિસ્તારો નવપલ્લવિત બન્યા છે.

રક્ષા મ. વ્યાસ