સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ

March, 2023

સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ (જ. 5 ફેબ્રુઆરી 1990, મેરઠ (ઉત્તરપ્રદેશ): સબઇન્સ્પેક્ટર પિતા કિરણપાલ સિંગ અને માતા ઇન્દ્રેશ સિંગનાપુત્ર ભુવનેશ્વરકુમાર ક્રિકેટના ત્રણેય ક્ષેત્ર ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જમણેરી ફાસ્ટ મિડિયમ બૉલર ભુવનેશ્વર ભારતનો માત્ર પ્રથમ એવો ખેલાડી છે જેણે ક્રિકેટના આ ત્રણેય ક્ષેત્રમાં દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટની સિદ્ધિ મેળવી છે.

ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મૅચના પ્રથમ દડે જ વિકેટ લેનાર સૌપ્રથમ ભારતીય ક્રિકેટર ભુવનેશ્વરને ક્રિકેટમાં લાવનાર તેની બહેન હતી. માત્ર 13 વર્ષની વયે સૌપ્રથમ વખત તેને કોચિંગ સેન્ટરમાં લઈ ગઈ હતી. શરૂઆતમાં કોચ વિપીન વાટ અને ત્યારબાદ સંજય રસ્તોગીના હાથે તાલીમ પામેલ ભુવનેશ્વરકુમારે માત્ર 17 વર્ષની વયે જ ઉત્તરપ્રદેશ તરફથી રમી પ્રથમ કક્ષાના ક્રિકેટની શરૂઆત કરેલ. 2008–2009ની રણજીટ્રૉફી ફાઇનલમાં તેણે સચિન તેંડુલકરને શૂન્ય રને આઉટ કરેલ. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સચિનને શૂન્ય રને આઉટ કરનાર ભુવનેશ્વર પ્રથમ બૉલર હતો.

વ્યવસાયથી એન્જિનિયર નૂપૂર શર્મા સાથે 23 નવેમ્બર, 2017ના રોજ લગ્નગ્રંથિથી જોડાયેલ અને 24 નવેમ્બર, 2021ના રોજ એક પુત્રીના પિતા બનેલ ભુવનેશ્વરકુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ 2012ના નાતાલના દિવસે (25 ડિસેમ્બર) પાકિસ્તાન સામે ટ્વેન્ટી ટ્વેન્ટી મૅચ રમી મેળવેલ. પોતાની પ્રથમ વન-ડે મૅચ પણ 30 ડિસેમ્બર, 2012ના રોજ પાકિસ્તાન સામે જ રમેલ ભુવનેશ્વરકુમારે ટેસ્ટ પ્રવેશ ઑસ્ટ્રેલિયા સામે 22 ફેબ્રુઆરી, 2013ના રોજ મેળવેલ. ઑસ્ટ્રેલિયાના આ ભારત પ્રવાસસમયે ભુવનેશ્વરે તેને મળેલ તકનો બરાબર ઉપયોગ કર્યો અને 2014માં પાંચ ટેસ્ટની શ્રેણી રમવા ઇંગ્લૅન્ડ જનાર ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

સામાન્ય રીતે બૉલર તરીકે પ્રસ્થાપિત થયેલ ભુવનેશ્વરે આ પ્રવાસમાં ઇંગ્લૅન્ડમાં એક બૅટ્સમૅનની છટાથી ત્રણ અડધી સદીની મદદથી 247 રન પણ કર્યા. આમાં પણ 9 જુલાઈના રોજ શરૂ થયેલ નોટિંગહામ ટેસ્ટમાં તેણે કમાલની બૅટિંગ કરતાં પાંચ ચોગ્ગાની મદદથી 58 રન કર્યા એટલું જ નહીં ઈશાન્ત શર્મા સાથે દસમી વિકેટ માટે 111 રનની ભાગીદારી પણ નોંધાવી. બીજા દાવમાં તો ભુવનેશ્વરે કમાલ કરી 10 ચોગ્ગા સાથે અણનમ 63 રન નોંધાવ્યા જે તેનો કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર બન્યો. એટલું જ નહીં તેણે પાંચ ટેસ્ટમાં 19 વિકેટ પણ મેળવી.

13 વર્ષની વયે ભામાશા ક્રિકેટ એકૅડેમીમાં ક્રિકેટના પાઠ શીખેલ ભુવનેશ્વરે સ્વિંગ બૉલર પ્રવીણકુમાર પાસેથી દડાને બંને બાજુ સ્વિંગ કરવાની કળા મેળવી. દક્ષિણ આફ્રિકાના ખેલાડી એ.બી.ડીવિલીયર્સ તથા પાકિસ્તાનના ઓલરાઉન્ડર વાસિમ અકરમને પોતાના આદર્શ ખેલાડી માનતા ભુવનેશ્વરને વારંવાર થતી ઇજાઓના કારણે ઘણી બધી મૅચો ગુમાવવી પડી છે. 2015ની વિશ્વકપ સ્પર્ધા સમયે ભારતીય ટીમમાં સ્થાન પામેલ ભુવનેશ્વર આ જ કારણથી માત્ર એક જ મૅચ રમી શક્યા. 2016માં પણ માત્ર ચાર ટેસ્ટ જ રમી શકેલ. આમ છતાં પણ પોતાના મજબૂત આત્મવિશ્વાસના કારણે જ્યારે પણ તે ફીટ હતા ત્યારે તેનો ટીમમાં સમાવેશ થતો રહ્યો. વર્ષ 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં જસપ્રીત બુમરાહ સાથે જોડી બનાવી અને ભારતીય ટીમના પ્રમુખ ગોલંદાજ બની રહ્યા. યોર્કર દડો નાખવાની કળામાં પણ પારંગત બનેલ ભુવનેશ્વર માત્ર નવા દડાથી જ ગોલંદાજી નથી કરતો પણ દડો વીસેક ઑવર જૂનો હોય તો પણ તે સારી એવી ઝડપથી દડાને સ્વિંગ કરી શકે છે. વધુમાં તેની દડાને રિવર્સ સ્વિંગ કરવાની કળા ધુરંધર બૅટ્સમૅન માટે પણ માથાનો દુખાવો બની રહી છે.

ભારતના જ ફાસ્ટબૉલર ઈશાન્ત શર્માના ખાસ મિત્ર ભુવનેશ્વરકુમારે આઇ.પી.એલ.માં પણ 2011થી 2022 સુધી સતત પોતાનું યોગદાન આપ્યું છે. શરૂઆતમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર તથા પુણે વોરીયર્સ તરફથી રમેલ ભુવનેશ્વરને 2014થી સનરાઇઝ હૈદરાબાદ તરફથી રમવાનું મળ્યું. અહીં પણ ઇજાએ તનો પીછો કરવાનું બંધ કર્યું ન હતું છતાં પણ જ્યારે પણ તક મળી તેણે શ્રેષ્ઠ દેખાવ કર્યા. વર્ષ 2016 અને 2017માં તેણે આઇ.પી.એલ.માં સૌથી વધુ વિકેટ મેળવવા બદલ ‘પર્પલ કૅપ’ મેળવી છે. ‘ડેથ ઓવર’માં વિકેટ લેવા માટે જાણીતા ભુવનેશ્વરે 146 મૅચમાં 154 વિકેટ મેળવી છે.

ક્રિકેટના ત્રણેય ક્ષેત્રમાં પોતાની પ્રથમ વિકેટ ખેલાડીને બોલ્ડ કરી મેળવનાર આ પાંચ ફૂટ દસ ઇંચ ઊંચાઈ ધરાવતા બત્રીસ વર્ષના ભુવનેશ્વરકુમાર માટે ક્રિકેટનો શ્રેષ્ઠ સમય હજુ તેની રાહ જોઈ રહ્યો છે.

 જગદીશ શાહ