શૅન્ક આર્ડ (જ. 16 સપ્ટેમ્બર 1944, હોલૅન્ડ) : હોલૅન્ડના સ્પીડસ્કૅટિંગના ખેલાડી. 1968માં 1500 મી. માટે રૌપ્ય ચન્દ્રક માટે પ્રયત્ન કર્યા બાદ, તેઓ જાપાનના સૅપોરો ખાતે યોજાયેલ ઑલિમ્પિક રમતોત્સવમાં 3 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા અને 1500 મી.માં 2 : 02.96નો અને 10,000 મી.માં 15 : 01.35નો વિક્રમ સ્થાપ્યો તેમજ 500 મી.માં 7 : 23.61માં વિજેતા પણ બન્યા. 2 સપ્તાહ પછી નૉર્વેમાં વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ ચારેચાર સ્પર્ધાઓમાં વિજેતા બન્યા અને એ રીતે ચોથા સ્પીડસ્કૅટર બન્યા. 1970 અને 1971માં તેઓ વર્લ્ડ ઑલ-રાઉન્ડ વિજયપદકના અને 1966, 1970 અને 1972માં યુરોપિયન વિજયપદકના વિજેતા બન્યા. તેઓ વ્યવસાયી ખેલાડી બન્યા પછી 1973માં પ્રો-વર્લ્ડ અને યુરોપિયન વિજયપદકોના વિજેતા નીવડ્યા. 1966થી 1972 દરમિયાન, 1000 મી.થી 10,000 મી. સુધીમાં તેમણે 18 વિશ્વવિક્રમો સ્થાપ્યા.
મહેશ ચોકસી