સિયામી જોડકાં (Siamese twins)

January, 2008

સિયામી જોડકાં (Siamese twins) : જન્મથી જ શરીરના કોઈ ભાગથી જોડાયેલું સહોદરોનું જોડકું. તેને સંશ્લિષ્ટ (conjointed) કે અવિભક્ત જોડકું (યુગ્મક, twin) કહે છે. સન 1811-1874માં સિયામ – હાલના થાઇલૅન્ડ – માં જન્મેલા ચાંગ અને ચેન્ગ બુન્કર નામના પ્રખ્યાત ચીની ભાઈઓના અવિભક્ત જોડકા પરથી શરીરથી જોડાયેલા સહોદરોના જોડકાને સિયામી જોડકું કહે છે : શુક્રકોષ જ્યારે અંડકોષને ફલિત કરે છે ત્યારે ઉદભવતા કોષને ફલિતાંડ (zygote) કહે છે. તેમાં ભાગ પડીને જો જોડકાં સહોદર વિકસે તો તેમને સમરૂપી (identical twins) કહે છે. જો આવું સમરૂપી જોડકું પૂરેપૂરું છૂટું પડીને બે અલગ શિશુઓ રૂપે ન વિકસે અને શરીરના કોઈ ભાગથી જોડાયેલું રહે તો તેને અવિભક્ત અથવા સિયામી જોડકું કહે છે. કેમ કે, તેમાં જોડકું છૂટું ન પડવાનો વિકાર છે. દર 2 લાખ જન્મતાં બાળકોમાં એક આ પ્રકારનું હોય છે, જેમાંથી અર્ધાનો મૃતશિશુજન્મ (stillbirth) થાય છે. આશરે 5 %થી 25 % અવિભક્ત જોડકાં જીવી શકે છે. તેઓમાં 70 %થી 75 % સ્ત્રીઓ (માદા) હોય છે.

સૌપ્રથમ અવિભક્ત જોડકું સન 945માં આર્મેનિયામાં નોંધાયું હતું. તેને તબીબી તપાસ માટે ઇસ્તંબુલ લવાયું હતું. સન 1100-1134માં મેરી અને ઇલિઝા ચુલ્કહર્સ્ટ પણ શરૂઆતમાં નોંધાયેલાં અવિભક્ત જોડકાં હતાં. તેઓ અંગ્રેજ હતાં. અન્ય શરૂઆતનાં નોંધાયેલાં અવિભક્ત જોડકાંમાં સ્કૉટિશ ભાઈઓ (1460-1488), હેલન અને જુડિથ (હંગેરી, 1701-23) તથા રીટા અને ક્રિસ્ટીના પ્રેરોડી(સાર્ડિનિયા, જ. 1829)નો સમાવેશ થાય છે.

સારણી 1 : કેટલાંક જાણીતાં અવિભક્ત જોડકાં

ક્રમ નામ વર્ષ વિસ્તાર તથા વિગત
1. રોઝા અને જૉસેફા બ્લેઝેક 1878-1922 બોહેમિયા (હાલનું ચેક રિપબ્લિક)
2. લ્યુસિયો અને 1908-1936 સમર, ફિલિપાઇન્સ
3. ડેઇઝી અને વાયેલેટ હિલ્ટન 1908-1969 બ્રાઇટન, ઈસ્ટ સસેક્સ, ઇંગ્લૅન્ડ
4. મેરી અને માર્ગરેગ ગીબ 1912-1967 હૉલિઓક, મૅસેચૂસેટ્સ, યુ.એસ.
5. ટ્વોન અને ટ્વેટે મૅકકાર્થર 1949-1992 લૉસ એન્જેલિસ, કૅલિફૉર્નિયા,
6. લડન અને લાલેહ બિજાની 1974-2003 શીરાઝ, ઈરાન
7. રોનિ અને ડોનિ ગેલિયોન 1951 ઓહાયો, યુ.એસ.
8. લોરી અને રેબા શેપેલ 1961 પેન્સિલવેનિયા, યુ.એસ.;

મનોરંજનકારો (entertainers)

9. ગંગા અને જમુના શ્રેષ્ઠ  – નેપાળ. સન 2001માં શસ્ત્રક્રિયા

વડે સિંગાપોરમાં અલગ પડાયાં.

10. ક્રિસ્ટા અને ટેટિન હૉગાન 2006 વાનકુંવર, બ્રિટિશ કોલમ્બિયા
11. રામ અને લક્ષ્મણ ભારત (1992)

શસ્ત્રક્રિયા વડે

સફળતાથી

અલગ

કરાયાં

12. અંજલિ અને ગીતાંજલિ  – ભારત (1993)
13. રેખા અને સુરેખા  – ભારત (1998)
14. વીણા અને વાણી  – ભારત 2004)

19મી સદીમાં કેટલાંક સંજોડિત જોડકાંઓએ અભિમંચનીય કળાઓ(performing arts)ના ક્ષેત્રે કારકિર્દી વિકસાવી. તેમાં ચાંગ અને ચેન્ગ સૌથી વધુ નામ અને દામ કમાયાં હતાં. મિલી અને ક્રિસ્ટાઇન મેક્કોપનું જોડકું સન 1851માં ઉત્તર કૅરોલિનામાં ગુલામી અવસ્થામાં જન્મ્યું હતું. તેને જે. બી. સ્મિથ નામના મનોરંજનકાર-(showman)ને વેચવામાં આવ્યા; જેની પાસેથી તેનું અપહરણ થયું હતું. સ્મિથે તે જોડકાને તથા તેની વિખૂટી પડેલી માતાને પાછાં મેળવ્યાં. તેણે જોડકાને ભણાવ્યું, 5 ભાષાઓ શીખવી તથા સંગીત અને ગાયન શીખવ્યાં. તે બે-માથોડી (દ્વિશીર્ષી) નાઇટિંગેલ તરીકે જાણીતું બન્યું અને બેર્નમ સરકસમાં કાર્યક્રમો આપતું હતું. સન 1912માં 17 કલાકના અંતરે બંને ક્ષયરોગને કારણે મૃત્યુ પામ્યાં. કેટલાંક જાણીતાં અવિભક્ત જોડકાં સારણી 1માં દર્શાવ્યાં છે.

આકૃતિ 1 : કેટલાંક જાણીતાં અવિભક્ત (સિયામી) જોડકાંની તસવીરો-ચિત્રો

શરીરના જુદા જુદા ભાગો વડે અવિભક્ત જોડકાં જોડાયેલાં હોય છે. તેના આધારે તેમના પ્રકારો નક્કી કરાય છે. (જુઓ સારણી 2.)

સારણી 2 : અવિભક્ત જોડકાંના પ્રકારો

ક્રમ પ્રકાર નવસંભાવ્ય દર વર્ણન
1 2 3 4
1. વક્ષ-સંશ્લિષ્ટ

(thoracopagus)

35થી 40 % છાતીથી જોડાયેલું જોડકું. મોટેભાગે બંને વચ્ચે એક હૃદય હોય છે. લાંબું જીવન શક્ય નથી.
2. અધોવક્ષોદર-સંશ્લિષ્ટ

(omphalopagus)

34 % હૃદય અલગ અલગ હોય છે; પરંતુ યકૃત, ઉરોદરપટલ, પાચનમાર્ગ અને અન્ય અવયવો એક હોય છે.
3. વક્ષાસ્થિ-શિખર

(xiphoid)-સંશ્લિષ્ટ

(xiphopagus)

છાતીની મધ્યમાં આવેલા વક્ષાસ્થિ (sternum) નામના હાડકાના નીચલા છેડે આવેલા વક્ષાસ્થિ-શિખર  (xiphoid) નામના કાસ્થિ (cartilage) વડે જોડાયેલું જોડકું. દા.ત., ચાંગ અને ચેન્ગ.
4. પૃષ્ઠ-સંશ્લિષ્ટ (pygopagus) અથવા નિતંબ-

સંશ્લિષ્ટ (illopagus)

19 % પીઠ (પૃષ્ઠ) કે કેડ(નિતંબ)થી જોડાયેલું જોડકું.
5. શીર્ષ-સંશ્લિષ્ટ

(cephaco-pagus)

માથા વડે જોડાયેલું જોડકું. તેમાં મસ્તિષ્ક(મગજ)ની વિકૃતિ હોવાને કારણે જીવન ટૂંકું રહે છે. તેમને બે મુખવાળા દેવ દ્વયાનન (Jenus) પરથી દ્વયાનનશીર્ષી (Janiceps) અને સંશીર્ષી (syncephalus) પણ કહે છે.
6. શીર્ષવક્ષ-સંશ્લિષ્ટ (cephalo-thoraco) અથવા (ranio thorac-pagus) માથા અને ધડથી જોડાયેલું જોડકું. લાંબું જીવન શક્ય નથી.
7. કપાલ-સંશ્લિષ્ટ (craniopagus) 2 % ખોપરીથી જોડાયેલાં.
8. દ્વિશીર્ષી 2 માથાં, એક ધડ અને 2 પગ. તેમને 2, 3 કે 4 હાથ હોય છે; તેથી અનુક્રમે દ્વિહસ્તી (dibra-chius), ત્રિહસ્તી (tribrachius) અને ચતુર્હસ્તી (quadri-brachius) કહે છે.
9. આસનાસ્થિ-સંશ્લિષ્ટ (ischiopagus) શરીરનો નીચલો ભાગ આગળથી
10. આસન-અધોવક્ષોદર સંશ્લિષ્ટ (ischio-omphalo pagus) ‘Y’ આકારનું જોડાયેલું શરીર જેમાં નીચે 2 અથવા 3 પગ હોય અને તેમના કરોડસ્તંભો ‘y’ના ઉપરના 2 પાંખિયાં જેમ છૂટાં હોય. તેમને 4 હાથ હોય.
11. પાર્શ્ર્વ-સંશ્લિષ્ટ

(parapagus)

5 % શરીરનો નીચલો ભાગ પડખાંથી જોડાયેલો હોય. ક્યારેક એક જ હૃદય હોય.
12. દ્વિ-આનનીય (diprosopus) એક માથું અને 2 ચહેરા. ક્યારેક એક જ મગજ હોય.

ક્યારેક જોડકામાંનું એક પૂરેપૂરું વિકસે નહિ એવું પણ બને છે. તેવે સમયે તે પરોપજીવી (parasite) બને છે. ક્યારેક બંનેનો વિકાસ જુદા જુદા દરે થતો હોવાથી અદ્વિસમતા (asymmetry) થાય છે તો ક્યારેક જોડકામાંનું એક બીજાને પોતાના શરીરમાં સમાવી લે છે. તેને અંતષ્કૃત જોડકું (inclusion twin) કહે છે. જોડકામાંનું એક મૃત્યુ પામે તો તેના થોડા કલાકો કે દિવસોમાં બીજું પણ મૃત્યુ પામે છે.

છત્તીસગઢ રાજ્યના 10 મહિનાની ઉંમરના રામલક્ષ્મણને રાયપુર મેડિકલ કૉલેજમાં 29મી મે, 2007ના રોજ શરીરથી સફળતાપૂર્વક છૂટા પડાયા હતા. (અ) માતા પદ્માવતી સાથે જોડાયેલ જોડકા ભાઈઓ, (આ) શસ્ત્રક્રિયા પહેલાં, (ઇ) શસ્ત્રક્રિયા સમયે, (ઈ) શસ્ત્રક્રિયા પછી.

શરીરથી જોડાયેલાં જોડકાંને અલગ પાડવાની શસ્ત્રક્રિયા સરળ અથવા અતિસંકુલ હોય છે. તેની સફળતાનો આધાર શરીરનો કયો ભાગ અને કયું અંગ તેમાં અસરગ્રસ્ત છે તેના પર છે. મોટાભાગના કિસ્સાઓમાં વિભક્તન શસ્ત્રક્રિયા (separation surgery) અતિ જોખમી અને જીવનને સંકટમાં મૂકી દે તેવી હોય છે. માથું જોડાયેલું હોય તો મૃત્યુ-દર વધુ રહે છે. સાઉદી અરેબિયામાં સૌથી વધુ સફળતા જોવા મળી છે. પ્રથમ સફળ શસ્ત્રક્રિયા 17મી સદીમાં થઈ હતી. જોકે તે જોડકામાંનું એક મૃત્યુ પામ્યું હોવાથી તેને અલગ કરવું જરૂરી બન્યું હતું. જો છૂટા પાડવાથી એકનું મૃત્યુ થાય તો તેનાથી થતો શારીરિક અને માનસિક આઘાત બીજાનું પણ વહેલું મૃત્યુ સર્જે છે. હવે સફળતા-દર વધ્યો છે, કેમ કે હાલ આવી શસ્ત્રક્રિયા ઘણી નાની ઉંમરે થાય છે. આ પ્રકારની શસ્ત્રક્રિયાએ નૈતિકતાજન્ય વિરોધ પણ જન્માવેલો છે. જોકે તેમાં ઘણો વિવાદ છે.

શિલીન નં. શુક્લ