સિયામી ભાષા અને સાહિત્ય

January, 2008

સિયામી ભાષા અને સાહિત્ય : થાઇલૅન્ડની અગ્નિ એશિયાના તાઈ કુળની ભાષા. જે થાઈ ભાષા તરીકે પણ જાણીતી છે. બૅંગકોકની બોલી પર તે રચાઈ છે. દેશની અન્ય બોલીઓ પણ આ ભાષામાં ભળી ગઈ છે. આ ઈશાનના ભાગની યુબોંન રાટ્છાથની, ખૉન કૅન, ઉત્તરની શિઆંગ માઇ, શિઆંગ રાઇ અને દક્ષિણની સોંગ્ખ્લા, નાખોન સી થામ્મારાટ બોલીઓ છે જે સિયામી ભાષામાં ઓતપ્રોત થઈ છે. ઈશાનની બોલીઓ લાઓસની બોલીઓ સાથે સામ્ય ધરાવે છે.

સિયામી ભાષાના શબ્દો સવિશેષ પ્રબળ રીતે એકપદી (monosyllabic) છે, પણ મોટાભાગના અનેકાવયવી (polysyllabic) છે. એકસમાન શબ્દોને જુદા પાડવા જુદા જુદા સ્વર કે લયનો ઉપયોગ કરવામાં આવે છે. સિયામી કે થાઈ ભાગમાં પાંચ જાતના સ્વર કે લય છે : વચલો, નીચો, નીચે જતો, ઊંચો જતો તીક્ષ્ણ અને વધુ ને વધુ ઊંચે જતો. વ્યંજનો 21 છે અને સ્વરો 9 છે. સિયામી ભાષામાં વાક્યના બીજા શબ્દો સાથેનો સંબંધ દર્શાવવા શબ્દનું રૂપાંતર (inflection) કરાતું નથી. જોકે બે શબ્દોનો સમાસ કરી તેમને બહુધા જોડવામાં આવે છે; દા.ત., ‘ખામનામ’ એટલે કે ‘પ્રસ્તાવના’ (અર્થ ‘word-leading’) અને ‘ખાવકાજ’ એટલે કે ‘સમજવું’ (અર્થ ‘enter-heart’); સમાનાર્થી સંયુક્ત શબ્દો, જેવા કે ‘હાક્લાજ’ એટલે કે ‘ખૂબ દૂરના’ અને પ્રાસાનુપ્રાસી સંયુક્ત શબ્દો, જેવા કે ‘રામાડ્રાવા’ એટલે કે ‘સાવચેત રહેવું’ ભાષાની અર્થપૂર્ણ અભિવ્યક્તિ માટે ઉપયોગી નીવડે છે. શબ્દનાં જુદાં જુદાં બંધારણો ચુસ્ત અને કડક છે. સામાન્ય રીતે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મનો ક્રમ જળવાય છે; દા.ત., (kh?w rian khanidtasad) = he studies mathematics.

થાઈ ભાષા પરદેશી ભાષાઓના શબ્દોને સહેલાઈથી સ્વીકારી લે છે. તેમાં ચીની ભાષાના શબ્દો સૌથી જૂના છે. આધુનિક ચીની શબ્દો પણ તેમાં સ્વીકારાયા છે. પાલી અને સંસ્કૃતમાંથી પણ સેંકડો ભવ્ય અને સાહિત્યિક શબ્દો તેમાં દાખલ થયા છે. નવા પારિભાષિક શબ્દો પણ મૂળ સંસ્કૃત શબ્દોને આધારે તેમાં પ્રયોજવામાં આવે છે. કંબોડિયાની રાજ્યભાષા ખ્મેર (Khmer) ભાષાએ ઉછીના શબ્દો થાઈને આપ્યા છે. 16મી સદીની પોર્ટુગીઝ, ઑસ્ટ્રોનેશિયન અને સાંપ્રત સમયમાં અંગ્રેજી ભાષામાંથી થાઈમાં શબ્દોનો ઉમેરો થતો રહ્યો છે. 13મી સદીમાં થાઈ મૂળાક્ષર નિશ્ચિત થાય છે અને દક્ષિણ ભારતની ભાષાઓની લિપિઓની અસર તેના પર થાય છે. લખાણ ડાબેથી જમણી તરફ થાય છે અને ખાલી જગ્યા વિરામચિહ્નો સૂચવે છે; પરંતુ તેનાથી બે શબ્દો જુદા પડતા નથી. મૂળાક્ષરોમાં 43 વ્યંજનો, 4 અવરોહ-સંકેતો અને કેટલાક સ્વર-સંકેતો છે.

સાહિત્ય : થાઈ ભાષાના લિખિત સાહિત્યને થાઈ રાજાઓ તરફથી પ્રોત્સાહન મળતું. કેટલાક રાજાઓ તો પોતે જ લેખકો હતા. સુખોથાઈનો સમય 13મીથી મધ્ય 14મી સદીનો ગણાય છે. તે સમય દરમિયાન શિલાલેખોમાં સાહિત્ય રચાયેલું. તેમાંથી તે સમયના લોકોની રહેણીકરણીનો ખ્યાલ મળે છે. થાઈ સાહિત્યનો સુવર્ણયુગ 1351થી 1767 સુધીનો ગણાય છે. અયુથાયા (અયુધ્યા) રાજધાની હતી. કાવ્ય, નૃત્ય-નાટક અને ગદ્ય-વાર્તા કે નિવેદન વગેરે પર ભારતીય સ્રોતની અસર છે. ‘મહાજતી’ દીર્ઘ કાવ્ય છે. તેમાં દાનધર્મ અને ઔદાર્યના ગુણનો મહિમા ગાવામાં આવ્યો છે. ‘ફ્રા લો’ કરુણ પ્રેમ-શૌર્યની ગાથા છે. ‘ડિફિટ ઑવ્ ધ યુઆન’ ઇતિહાસ છે. ત્રણેય અયુથાયન સમયના મહાન ગ્રંથો છે. નરાઈનું રાજ્ય 1656-88માં હતું. આ સમયમાં થાઈ લેખકોની સંખ્યા મોટી હતી. મહાકાવ્ય સરખી પ્રેમ-શૌર્યની ગાથામાં થાઈ વીરપુરુષોની વાર્તા રજૂ થાય છે. 1767માં મ્યાનમાર(બર્મા)ની ચડાઈને લીધે ઘણુંબધું થાઈ સાહિત્ય નાશ પામ્યું. થાઈ સાર્વભૌમત્વની પુન:સ્થાપના પછી અને બૅંગકોક રાજધાની તરીકે જાહેર થતાં કેટલાક કાયદાઓ, ધાર્મિક ગ્રંથો અને સાહિત્યિક પાઠ્યપુસ્તકોનું પણ ફરી વાર સર્જન થયું. 1850ના વર્ષ પછી પશ્ચિમની અસરો થાઈ સાહિત્યમાં પ્રવેશી. પદ્યનું સ્થાન હવે ગદ્યે લીધું. નવલકથાના સર્જનમાં પણ વેગ આવ્યો અને થાઈ સાહિત્ય બળવત્તર થવા લાગ્યું.

વિ. પ્ર. ત્રિવેદી