સિન્યૉરિની, તેલેમાકો (Signorini, Telemaco) (. 18 ઑગસ્ટ 1835, ફ્લૉરેન્સ, ઇટાલી; . 11 ફેબ્રુઆરી 1901, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીનાં નિસર્ગશ્યોને ચિત્રોમાં આલેખવા માટે જાણીતા ઇટાલિયન ચિત્રકાર. એમનાં ચિત્રો રંગોની ઋજુતા અને મધુરતા માટે જાણીતાં છે. પિતા જિયોવાની સિન્યૉરિની (જ. 1808, અ. 1862) હેઠળ તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો.

તેલેમોકો સિન્યૉરિનીનું એક નિસર્ગચિત્ર

એમની ચિત્રશૈલીમાં તેજસ્વી રંગોના તીવ્ર વિરોધાભાસ જોવા મળે છે. ગ્રામદૃશ્યો અને નિસર્ગદૃશ્યો આલેખતાં તેમનાં ચિત્રોમાંથી ‘લિટલ ડૉન્કી બીઇન્ગ સકલ્ડ’ તેમની શ્રેષ્ઠ રચના ગણાય છે. એમના બીજા એક ચિત્ર ‘ધ રૂમ ઑવ્ ધ ઇન્સેઇન વીમેન ઍટ સેંટ બૉનિફેમિયો ઇન ફ્લૉરેન્સ’(1865)માં સામાજિક ટીકા જોવા મળે છે. એમની ઉપર ફ્રેન્ચ પ્રભાવવાદી ચિત્રકાર દેગા (Degas) અને અમેરિકન પ્રભાવવાદી ચિત્રકાર વ્હિસ્લર(Whistler)નો પ્રભાવ પણ હતો. ઇટાલીના તુસ્કની (tuscany) પ્રદેશના નિસર્ગ અને માનવજીવનની એમણે કૅમેરા વડે ફોટોગ્રાફી પણ કરી હતી.

અમિતાભ મડિયા