સિન્યૉરેલી, લુચા (Signorelli, Luca) (. 1445થી 1450ના અરસામાં, કૉર્તોના, ફ્લૉરેન્સ નજીક, ઇટાલી; . 16 ઑક્ટોબર 1523, કૉર્તોના, ઇટાલી) : નગ્ન યુવાન પુરુષોની આકૃતિઓને અવનવી યુયુત્સુ અને ગતિમાન રીતિની મુદ્રાઓમાં આલેખવાનો પ્રારંભ કરનાર ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. માઇકલૅન્જેલો બૂઓનારૉતી પણ તેમના પ્રભાવ હેઠળ આવેલો.

સિન્યૉરેલીનું ચિત્ર ‘ધ ઍન્ડ ઓવ્ ધ વર્લ્ડ : ધ ડૅમ્ડ’

એવું અનુમાન કરવામાં આવે છે કે 1460થી 1468 સુધી સિન્યૉરેલી શિલ્પી પિયેરો દેલ્લ ફ્રાન્ચેસ્કાના શિષ્ય હતા. એમનાં શરૂઆતનાં ભીંતચિત્રોમાંથી એક જ તૂટીફૂટી હાલતમાં બચ્યું છે. એ ઉપરાંત કૅન્વાસ પર તેમણે બે ચિત્રો ‘પ્રોસેશન ઑવ્ મેડૉના’ અને ‘ફ્લેજલેશન ઑવ્ ક્રાઇસ્ટ’ ચીતરેલાં, જે બચી ગયાં છે. તેમાં ચિત્રકાર પોલાઇઉઓલો બંધુઓની અસર સ્પષ્ટ જોવા મળે છે.

કૉર્તોના નગરના ‘કાઉન્સિલ ઑવ્ 18’ નામે ઓળખાતા અઢાર વ્યક્તિના ગવર્નિંગ બૉડીમાં સિન્યૉરેલી 1479માં ચૂંટાઈ આવેલા. એ પછી તેઓ કૉર્તોનાના જાહેરજીવન અને રાજકારણમાં સદાયે સક્રિય રહેલા.

1483માં રોમ જઈ તેમણે સિસ્ટાઇન ચૅપલમાં પ્રસિદ્ધ ભીંતચિત્ર ‘ટેસ્ટામેન્ટ ઑવ્ મોઝિઝ’ ચીતર્યું. તેમાં તંગ સ્નાયુબદ્ધ શરીરોને અવનવી મુદ્રાઓમાં આલેખી ગતિશીલતાનું નિરૂપણ કરવામાં તેમને અપૂર્વ સફળતા મળી. 1484માં પેરુજિયા કૅથીડ્રલમાં વેદી માટેનું ચિત્ર ‘સેંટ ઓનોફ્રિયો’ તેમણે ચીતર્યું. આ ચિત્રમાં પણ અગાઉ વર્ણવેલાં લક્ષણો જોવા મળે છે. 1497-98માં તેઓ સિયેના નજીક મૉન્તેઑલિવેતો મેગ્યોરે મઠમાં સેંટ બેનેડિક્ટના જીવનપ્રસંગોને આલેખતી ચિત્રશ્રેણી ચીતરવામાં વ્યસ્ત હતા.

ઓર્વિયેતો કૅથીડ્રલમાં સેંટ બ્રિઝિયો ચૅપલમાં 1499થી 1502 દરમિયાન તેમણે ચીતરેલાં બે ભીંતચિત્રો ‘ધ ઍન્ડ ઑવ્ ધ વર્લ્ડ’ તથા ‘ધ લાસ્ટ જજમેન્ટ’ તેમનાં ‘માસ્ટરપીસ’ ગણાયાં છે. તેમાં નગ્ન સ્નાયુબદ્ધ શક્તિશાળી યુવાન પુરુષોને અવનવી અંગભંગિમા અને અવનવા દૃષ્ટિકોણથી, જુદી જુદી મુદ્રાઓમાં તેમણે ચીતર્યા છે. શારીરિક વિગતો શરીરરચનાશાસ્ત્રની દૃષ્ટિએ સંપૂર્ણ જોવા મળે છે. પિશાચોના શરીરના રંગ જાંબલી અને લીલા ચીતરી તેમણે ભેંકાર અને વિકરાળ માહોલ ઊભો કર્યો છે. યુવાન માઇકલૅન્જેલો બુઓનારૉતી આ ચિત્રોથી ઘણા જ પ્રભાવિત થયેલા અને પરિણામે તેમણે પણ મૌલિક ચિત્રોમાં તંગ સ્નાયુઓ ધરાવતા યુવાન નગ્ન પુરુષોને અવનવી અંગભંગિઓમાં ગતિશીલ મુદ્રાઓમાં આલેખેલા.

સિન્યૉરેલીનાં અંતિમ ચિત્રોમાં તેમના શિષ્યોનું જ મોટાભાગનું કર્તૃત્વ છે. તેમાંનાં ક્રાઇસ્ટના દફનવિધિને નિરૂપતું ચિત્ર ‘ડિસ્પોઝિશન’ (1515-16), માતા મેરીના પવિત્ર ગર્ભધારણને નિરૂપતાં ‘ઍઝમ્પ્શન’ (1519) તથા ‘ઇમાક્યુલેટ કન્સેપ્શન’ (1521) ચિત્રો ઉત્તમ છે.

અમિતાભ મડિયા