સિન્યા, પોલ (Signac, Paul) (. 1863, ફ્રાંસ; . 1935, ફ્રાંસ) : ફ્રેંચ નવપ્રભાવવાદી ચિત્રકાર. નવપ્રભાવવાદી ચિત્રશૈલીના પ્રણેતા જ્યૉર્જ સૂરા(Seurat)નો તે મહત્વનો અનુયાયી ગણાયો છે. સૂરાની માફક સિન્યાએ પણ અલગ અલગ રંગનાં બારીક ટપકાં કૅન્વાસ પર આલેખિત કરી દર્શકની આંખના રૅટિના પર રંગમિલાવટ/રંગમિશ્રણ કરવાની નેમ રાખી છે. આ પદ્ધતિએ તેણે નગરદૃશ્યો (city-scapes) અને સમુદ્રશ્યો (sea-scapes) તથા વ્યક્તિચિત્રો પણ આલેખ્યાં છે. તેણે આલેખેલ વ્યક્તિચિત્ર ‘પૉર્ટ્રેટ ઑવ્ ધ ક્રિટિક ફૅલિક્સ ફેનિયૉન’ (Felix Feneon) તેની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણાઈ છે.

પોલ સિન્યાનું એક લાક્ષણિક ચિત્ર

સિન્યાએ નવપ્રભાવવાદના ઉદ્ભવ, વિકાસ અને ઇતિહાસને આલેખતું દસ્તાવેજી પુસ્તક ‘દ દેલાક્રવા ઑ નિયોઇમ્પ્રેશનિઝમ’ (De Delacroix Au Neoimpressionisme) 1899માં લખ્યું, જે મહત્વનું ગણાયું છે. આ ઉપરાંત પોતાની લંડનયાત્રાને વર્ણવતું પુસ્તક ‘પિલ્ગ્રિમેજ ટુ ટર્નર’ પણ તેણે લખ્યું છે.

અમિતાભ મડિયા