સાર્ક (SAARC) : દક્ષિણ એશિયાના દેશો વચ્ચે પ્રાદેશિક સ્તર પર આર્થિક સહકારમાં વધારો થાય તે માટે સ્થાપવામાં આવેલ પ્રાદેશિક સંગઠન. આખું નામ ‘સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રીજનલ કોઑપરેશન’. સ્થાપના : ડિસેમ્બર 1985. તેનો પ્રાથમિક હેતુ દક્ષિણ એશિયાના પ્રદેશમાં ટકી શકે (viable) એવો આર્થિક ઢાંચો રચવાનો તથા આ પ્રદેશોના દેશો વચ્ચેનો આર્થિક સહકાર રાજકીય બાબતોથી મુક્ત રાખવાનો રહ્યો છે. તેમાં સાત દેશોનો સમાવેશ થયો છે. આ સાત સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સમાવવામાં આવ્યા છે. આ સંગઠનની પરિષદોમાં ચર્ચાવિચારણા માટે મૂકવામાં આવતા પરસ્પરને સ્પર્શતા વિષયોની પસંદગી સર્વસંમતિથી થાય તેવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે; તેમ છતાં આ પ્રદેશમાં બનતા રાજકીય બનાવોની અસર આ સંગઠનની કાર્યવહીથી તદ્દન મુક્ત રાખવાના સભ્ય દેશોના પ્રયાસ સંપૂર્ણ સફળ થયા હોય તેમ કહેવું અવાસ્તવિક ગણાશે; દા. ત., જમ્મુ અને કાશ્મીર અંગેના ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદના પડઘા પ્રત્યક્ષ રીતે નહિ તો પરોક્ષ રીતે સંગઠનની કાર્યવહી પર પાડવાના પાકિસ્તાને ભૂતકાળમાં પ્રયાસ કર્યા હતા, જેમાં તેને સફળતા મળી ન હતી. સભ્ય દેશો વચ્ચેના પારસ્પરિક રાજકીય વિવાદોને કારણે પ્રદેશના ઝડપી આર્થિક વિકાસમાં અવરોધો ઊભા થયા કરે છે. આ વાત સ્વીકારવાની જ રહે છે. વળી એક બીજી બાબતની નોંધ લેવી પણ જરૂરી છે. સંગઠનના સાત દેશોમાં ભૌગોલિક આકાર, આર્થિક વિકાસ, વસ્તીનું કદ, ઔદ્યોગિક ઉત્પાદનની વિવિધતા અને સામર્થ્ય, ટૅક્નૉલૉજીના ક્ષેત્રની પ્રગતિ તથા ગર્ભિત શક્તિ – આ બધી જ બાબતોમાં ભારત અન્ય સભ્ય દેશોની તુલનામાં જુદું તરી આવે છે; જેને કારણે સભ્ય દેશોના રાજ્યકર્તાઓના મનમાં ભારતના રાજકીય ઇરાદાઓ અંગે શંકાનું વાતાવરણ સતત રહ્યાં કરે છે. તેની સંગઠનની પ્રગતિ પર પણ વિપરીત અસર થાય તે સ્વાભાવિક છે.
‘સાર્ક’ સંગઠનના સભ્ય દેશોના વડાઓ (7 ડિસેમ્બર, 1985)
ડિસેમ્બર 2004માં સુનામીને કારણે અને ત્યારબાદ બાંગ્લાદેશની આંતરિક સમસ્યાઓને કારણે તાજેતરમાં બે વાર તેની પરિષદ મુલતવી રાખવી પડી હતી (2004-05). જે એપ્રિલ, 2007માં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી અને જેમાં અફઘાનિસ્તાન સભ્ય દેશ તરીકે જોડાયું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે