સાર્ગૅસો (સારગાસો) સમુદ્ર

January, 2008

સાર્ગૅસો (સારગાસો) સમુદ્ર : ઉત્તર આટલાંટિક મહાસાગરમાં આવેલો અનિયમિત અંડાકારનો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે આશરે 20°થી 40° ઉ. અ. અને 35°થી 75° પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્રનો મધ્યભાગ કૅનેરી ટાપુઓથી પશ્ચિમે આશરે 3,200 કિમી.ને અંતરે આવેલો છે. આ સમુદ્રને આજુબાજુના ખુલ્લા મહાસાગરથી અલગ પાડતી કોઈ ભૂમિસરહદો નથી. તેની જળસપાટી પર તરતી રહેતી સમુદ્ર-વનસ્પતિ માત્રથી તેને અલગ પાડી શકાય છે. આ એવો વિસ્તાર પણ છે, જ્યાં દક્ષિણાવર્તી ધીમા સમુદ્ર-પ્રવાહો વહે છે. આ ધીમા પ્રવાહોની સીમાઓ બધી બાજુએ અખાતી પ્રવાહ તેમજ ઉત્તર આટલાંટિક પ્રવાહ જેવા ઝડપી ગતિથી વહેતા પ્રવાહોથી ઘેરાયેલી છે. આ સમુદ્રનું ‘સારગાસો’ નામ સમુદ્ર-વનસ્પતિ માટે વપરાતા પોર્ટુગીઝ નામ સાર્ગૅસો (Sargaco) પરથી પડેલું છે. આ શબ્દનો મૂળ અર્થ તો દ્રાક્ષ થાય છે, કારણ કે અહીં તરતી રહેતી વનસ્પતિ પર દ્રાક્ષને મળતા આવતા ગોળાકાર ભાગ દેખાય છે. આ વિસ્તારનો સર્વપ્રથમ ભરોંસાપાત્ર અહેવાલ આપવાનો યશ ક્રિસ્ટૉફર કોલંબસને જાય છે. આ સમુદ્ર-વનસ્પતિની હેઠળ કોઈ ખડકો નથી તેની ખાતરી 1492માં કોલંબસે પણ કરી જોયેલી.

લોકવાયકાઓ : આ સમુદ્ર માટે કેટલીક લોકવાયકાઓ પ્રવર્તે છે. પ્રાચીન સમયમાં નાનાં જહાજો લઈને ઉત્તર અમેરિકા જતા નૌકાસફરીઓ અહીં મેદાનની જેમ પથરાયેલી અખાતી વનસ્પતિનો બહોળો વિસ્તાર નિહાળતા. તેમાંથી આ વિસ્તાર માટે લોકવાયકાઓ વહેતી થયેલી કે આ ગાઢી પથરાયેલી સમુદ્ર-વનસ્પતિ વચ્ચે ઊંડા જળમાં વસતા રાક્ષસોના ટાપુઓ છે. કવિઓ અને નવલકથાકારોએ પણ આ સમુદ્રની વિચિત્રતાઓને તેમની કલ્પનાઓમાં વણી લીધેલી. અહીં સમુદ્ર-વનસ્પતિની એવી જાડી ચાદર ગૂંથાયેલી છે કે જો કોઈ જહાજ તેમાં એક વાર સપડાયું તો ગયું જ સમજવું. ભૂતકાળમાં સપડાઈ ગયેલાં, ગૂંચવાયેલાં, સડતાં ગયેલાં વહાણોને ઘણાંઓએ ભૂતિયાં વહાણો તરીકે પણ વર્ણવ્યાં છે. આ અદ્ભુત અને વિચિત્ર સમુદ્રમાં અન્ય જે કોઈ ચીજવસ્તુઓ આવી ફસાઈ ગઈ હોય તે પણ આંટાફેરા કર્યા કરતી જણાઈ છે. આ વિસ્તારમાં ગુલામોનાં, ચાંચિયાઓનાં વહાણો તેમજ અમેરિકી ક્રાંતિ વખતનાં વહાણોની ભંગારસામગ્રી પણ જોવા મળી છે.

સાર્ગૅસો (સારગાસો) સમુદ્ર

હકીકતો : વિજ્ઞાનીઓએ આ સાર્ગૅસો સમુદ્રનું ચિત્ર જ બદલી નાખ્યું છે. આ સમુદ્રનો વિસ્તાર આશરે 52 લાખ ચોકિમી. જેટલો છે. વિજ્ઞાનીઓએ આ સમુદ્રના સંશોધન વિશેના ઘણા પ્રશ્ર્નો ઉકેલી આપ્યા છે.

સમુદ્રવનસ્પતિની ઉત્પત્તિ : વિજ્ઞાનીઓ માને છે કે આ સમુદ્રની જળસપાટી પર જોવા મળતી વનસ્પતિ વેસ્ટ ઇન્ડિઝના કિનારાઓ પરથી પવનો અને મોજાંની ક્રિયા હેઠળ છૂટી પડીને આવેલી છે. જીવંત વનસ્પતિ અહીં આવી ઊગી ને ફાલી છે, બીજ ઉત્પન્ન કર્યા વિના, તે સમૃદ્ધિ પામતી ગયેલી છે. આગળ ધપતાં રહેતાં મોજાં પુખ્ત બનેલી વનસ્પતિને વિભાજિત કરતાં રહે છે, જે ફરીથી વિકસીને પૂર્ણ કદની બને છે. આ વનસ્પતિને હવા-કોથળીઓ(air-sacs)નો આધાર મળે છે. તેનાથી તે દ્રાક્ષ જેવી દેખાય છે. જોકે આવી સારગેસમ વનસ્પતિ અન્ય મહાસાગરોમાં પણ ઊગે છે. તેનો એક પ્રકાર જાપાનમાં તો ખોરાક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

નાના કદનાં ઘણાં દરિયાઈ પ્રાણીઓ આ વનસ્પતિમાં વસે છે; તેમાં સૂક્ષ્મ કરચલા, શ્રીંપ અને બાર્નેકલનો સમાવેશ થાય છે. સાર્ગૅસો સમુદ્રમાં વસતી માછલી અહીં 365 મીટરની ઊંડાઈ સુધી જોઈ શકે છે (કોઈ પણ મહાસાગરમાં કોઈ પણ માછલી આટલા ઊંડાણ સુધી જોઈ શકતી નથી). અહીંની માછલી રૂપે-રંગે-દેખાવે આ સમુદ્ર-વનસ્પતિના દેખાવને એટલી બધી મળતી આવે છે કે તેમને અલગ તારવીને ઓળખવાનું મુશ્કેલ બની રહે છે.

સાર્ગૅસો સમુદ્રના મધ્ય ભાગમાં સમુદ્ર-વનસ્પતિનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં રહેલો છે. અહીં તે આશરે 30 મીટરના વ્યાસના જૂથમાં છૂટી છૂટી વહેંચાયેલી છે. સૂસવાતા પવનોની અસર હેઠળ તે એ પવનોની દિશાને સમાંતર પટ્ટીઓ સ્વરૂપે પણ વહેંચાઈ જાય છે. આવાં જૂથો કે પટ્ટીઓ અર્ધા હેક્ટર જેટલો વિસ્તાર આવરી લે છે. પૃથ્વી પરના બીજા કોઈ પણ મહાસાગરમાં આટલી જાડાઈના થરની વનસ્પતિ જોવા મળતી નથી, અહીં તો તે પસાર થતાં જહાજોની અવર-જવરને પણ બાધારૂપ નીવડે છે. ક્યારેક ખૂબ જોશથી વાતા પવનો કે ઝડપી પ્રવાહો વનસ્પતિને ખેંચી લઈ જઈને અખાતી પ્રવાહમાં ધકેલી દે છે, જે છેવટે યુ.એસ.ના ન્યૂ ઇંગ્લૅન્ડ સુધી કે ક્યારેક આયર્લૅન્ડ અને નૉર્વે સુધી પણ ખેંચીને લઈ જાય છે.

સમુદ્રજળ : આ સમુદ્રના જળને કેટલાંક વિશિષ્ટ લક્ષણો પણ છે. તેનાં પાણી ગાઢાં વાદળી રંગનાં છે; તેની ક્ષારતા 3.7 % જેટલી છે; તાપમાન 28° સે. જેટલું ઊંચું રહે છે તથા તેનાં જળ ખૂબ જ નિર્મળ દેખાય છે. આ લક્ષણો મોટેભાગે આ સમુદ્રના સ્થાનીકરણ તથા તેના ઊંડાણ(સરેરાશ 4.5 કિમી.)ને કારણે ઉદ્ભવેલાં છે. વળી, અહીં માત્ર બર્મુડા સિવાય બીજા કોઈ ટાપુઓ આવેલા નથી.

ગિરીશભાઈ પંડ્યા