સારોયાન વિલિયમ (જ. 31 ઑગસ્ટ 1908, ફ્રૅસ્નો, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 18 મે 1981, ફ્રૅસ્નો) : ટૂંકી વાર્તાકાર, નાટ્યકાર અને નવલકથાકાર. પિતા આર્મેનિયામાંથી અમેરિકા સ્થળાંતર કરીને આવેલ. 15 વર્ષની વયે શાળા છોડી દેવી પડેલી. જાતે જ લખી-વાંચી શિક્ષણ મેળવ્યું. ‘ધ ડેરિંગ યંગ મૅન ઑન ધ ફ્લાઇંગ ટ્રેપીઝ’ (1934) એ દીર્ઘ વાર્તાઓનો સંગ્રહ છે. ‘માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ્ઝ’ 1939માં ગ્રૂપ થિયેટર દ્વારા ભજવાયેલું. ‘ધ ટાઇમ ઑવ્ યૉર લાઇફ’ નાટક પણ 1939માં ભજવાયેલું, જે માટે તેમને આપવામાં આવનાર ‘પુલિત્ઝર પ્રાઇઝ’નો તેમણે પ્રથમથી જ અસ્વીકાર કરેલો, તેના કારણમાં લેખકે કહેલું કે પોતાની અન્ય કૃતિ કરતાં તે વધારે મહાન છે તેમ કહેવું તે બરોબર નથી.

સારોયાન વિલિયમ

સારોયાનને મનુષ્યની ભલાઈમાં ભારે શ્રદ્ધા હતી. ગરીબાઈ, ભૂખ અને અસલામતી વચ્ચે પણ જીવનનાં મૂલ્યોનું જતન કરતાં માણસો માટે તેમને ભારે આદર હતો. બોલાતી ભાષા દ્વારા તેમનાં પાત્રોને હૂબહૂ જીવતાં રાખવાનો કસબ લેખક પાસે છે. પોતાના બાળપણ અને પરિવાર સાથે સંકળાયેલી વાર્તાઓ તેમણે ઠીક ઠીક સંખ્યામાં લખી છે. ‘માઇ નેમ ઇઝ આરામ’ (1940) ટૂંકી વાર્તાઓનો સંગ્રહ અને ‘ધ હ્યુમન કૉમેડી’ (1943), ‘રૉક વૅગ્રામ’ (1951) તથા ‘ધ લાફિંગ માસ્ટર’ (1953) નવલકથાઓ નોંધપાત્ર છે. લગ્ન, પિતૃત્વ અને છૂટાછેડા જેવા વિષયો પર તે લખાઈ છે. 1958 પછી મોટાભાગનો સમય લેખક પૅરિસમાં રહ્યા. જોકે કૅલિફૉર્નિયામાં તેમની આવનજાવન ચાલુ રહેલી. ‘હિયર કમ્સ ધેર ગોઝ યુ નો હુ’ (1961), ‘નૉટ ડાઇંગ’ (1963), ‘ડેઝ ઑવ્ લાઇફ’ અને ‘ડેથ ઍન્ડ એસ્કેપ ટુ ધ મૂન’ (1971), ‘પ્લેસિસ આઇ હેવ ડન ટાઉમ’ (1975) નોંધપાત્ર કથાનકો છે.

‘લવ્ઝ ઓલ્ડ સ્વીટ સાગ’ (1941), ‘ધ બ્યૂટિફુલ પીપલ’ (1941), ‘સ્પીની ઇન ધ ટ્રીઝ’, ‘ઍક્રૉસ ધ બૉર્ડ ઑન ટુમૉરો મૉર્નિંગ’ (1941), ‘રેઝલ-ડૅઝલ’ (1942), ‘ગેટ અવે ઓલ્ડ મૅન’ (1944), ‘ફેટ મૅન ઇન અ ફૅમિન’ (1947), ‘ડોન્ટ ગો અવે મૅડ’ (1949) અને ‘ધ કેવ ડ્વેલર્સ’ (1958) નાટકો છે. ‘ધ બાઇસિકલ રાઇડર ઇન બીવર્લી હિલ્સ’ (1952) તેમની આત્મકથનાત્મક કૃતિ છે.

વિ. પ્ર. ત્રિવેદી