સારસ : ભારતનું સૌથી મોટું પક્ષી. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર(બ્રહ્મદેશ)માં પણ ખેતરો કે જળાશયોની આસપાસ હમેશાં જોડમાં જોવા મળે છે. સારસ ગીધથી મોટું, ઊભું રહે ત્યારે 1.22થી 1.52 મીટર (4થી 5 ફૂટ) ઊંચું દેખાય છે. લાલ ડોક, રાખોડી રંગનું શરીર અને લાંબા રાતા પગ ધરાવતું, લગભગ મનુષ્યની ઊંચાઈવાળું આ મહાકાય પક્ષી તેના આકર્ષક દેખાવ અને છટાદાર ચાલથી અન્ય પક્ષીઓથી જુદું પડે છે. સારસ ધરતી ઉપર ઊડે છે ત્યારે ભારેખમ લાગે છે. ઊડતાં પહેલાં પાંખો ફેલાવી જમીન ઉપર કેટલુંક અંતર ઝડપથી કાપે છે અને હવામાં આવ્યા પછી ડોક આગળ લંબાવી, પગ પાછળ ફેલાવી, પાંખો હળવે હળવે એકધારી વીંઝીને ઝડપથી અને મક્કમપણે ઊડતું જાય છે. ભારે શરીરને કારણે તે આકાશમાં ખૂબ ઊંચે ઊડી શકતું નથી. ઉત્તર ભારતમાં લગભગ 1,650 મીટરની ઊંચાઈ સુધી અને કાશ્મીરમાં 1,700 મીટરની ઊંચાઈ સુધી સારસ પક્ષી મળી આવે છે. મેદાની પ્રદેશોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર બંગાળ, પશ્ચિમ આસામ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં મળી આવે છે. 1980માં ગુજરાતમાં 19 જિલ્લાઓમાં સારસની વસ્તીગણતરી કરવામાં આવી હતી. તે મુજબ અમદાવાદ જિલ્લામાં 719 અને ખેડા જિલ્લામાં સૌથી વધુ 737ની સંખ્યા નોંધાઈ હતી. ખેડા જિલ્લામાં માતર તાલુકાને સારસનું સ્વર્ગ ગણવામાં આવે છે. ત્યાં જલપ્લાવિત વિસ્તાર (wet land) ઘણો મોટો છે. તલાવડાં કે ડાંગરોનાં ખેતરો અને ઘાસિયા વિસ્તારો સારસનાં મનગમતાં નિવાસ-સ્થાનો છે.

સામાન્ય રીતે સારસ નર-માદાની જોડીમાં જોવા મળે છે. નર-સારસની ઊંચાઈ 160 સેમી. જેટલી હોય છે, જ્યારે માદાની તેનાથી થોડીક ઓછી હોય છે. સારસ બેલડી દામ્પત્યજીવનની પવિત્રતાનું પ્રતીક મનાય છે. લોકવાયકા મુજબ બેલડીમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું સારસ શોકમગ્ન થઈ મરી જાય છે. જોકે આમાં તથ્ય હોય એવું લાગતું નથી. કુદરતમાં આવો ક્રમ ચાલે તો સારસ જાતિ લુપ્ત થવાનો સંભવ રહે.

માછલી એ સારસનો મુખ્ય આહાર છે. આ ઉપરાંત દેડકાં, ગરોળી અને કીટકોનો પણ તે આહાર કરે છે. જલજ વનસ્પતિ, ડાંગર, ઘઉં, અન્ય અનાજના દાણા તથા મગફળીની શિંગોનો પણ તે આહાર કરે છે.

સારસ

પ્રજનન-ઋતુમાં તેમજ કોઈ વાર અન્ય ઋતુમાં પણ સારસજોડી મનોરંજક નૃત્ય કરે છે. નર-માદા બન્ને નાચે છે, કૂદે છે તથા એકબીજાંને નમન કરતાં હોય તેમ પાંખો પ્રસારી દમામભેર કૂચ કરે છે અને હવામાં ઠેકડા મારે છે. સારસનો પ્રજનનનો ગાળો જૂનથી નવેમ્બર સુધીનો હોય છે. સારસ પોતાનો માળો ડાંગરની ક્યારી કે જળાશયની નજીકનાં ખેતરોમાં ઘાસ, વેલા, જલીય વનસ્પતિ વગેરે વડે બાંધે છે. માળો બહુ મોટો હોય છે અને પાણી વચ્ચે બેટ પર કે ડાંગરની ક્યારી વચ્ચે ઘાસવાળી પાળી પર બાંધે છે. સામાન્ય રીતે માદા બે ઈંડાં મૂકે છે. ઈંડાંનો રંગ ફિક્કો લીલાશ પડતો કે ગુલાબી ધોળો હોય છે. કોઈ વાર તેમાં ભૂરા કે જાંબુડા રંગની છાંટ પણ હોય છે. સારસ બેલડી ઈંડાંના સેવનનું અને બચ્ચાંની સંભાળનું કામ કરે છે. ખેતરોમાં સારસનાં ઈંડાંનું રક્ષણ કરનાર ખેડૂતોને વળતર આપવાની યોજના સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવી છે.

વર્ગીકરણ : સારસ સારંગ-વર્ગ(gruiforms)ના સારંગ-કુળ-(family gruidae)નું પક્ષી છે. સારંગ-કુળનાં અન્ય પક્ષીઓમાં કુંજ (common crane) અને જળમુરઘી (water hen) વગેરેનો સમાવેશ થાય છે. સારસને અંગ્રેજીમાં ‘ક્રેન’ કહે છે અને તેનું શાસ્ત્રીય નામ Grus antigone છે.

સારસની સંખ્યા ઘટવા માટેનાં જવાબદાર પરિબળોમાં નિવાસસ્થાનોનો નાશ, ખેતીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ, શિકાર, સુએજનો કચરો, કારખાનાંઓને કારણે પ્રદૂષિત થતું પાણી, ઈંડાંનો નાશ અને વીજળીના તાર સાથે અથડામણ વગેરે છે. સમતુલિત પર્યાવરણની પુન:સ્થાપના સારસ અને અન્ય પક્ષીઓના સંરક્ષણ (conservation) માટે આવશ્યક છે. સારસ પક્ષીની લુપ્ત થતી જાતિના રક્ષણ માટે વનવિભાગ તરફથી સારસનાં ઈંડાંના રક્ષણ માટે ખેડૂતોને રોકડ વળતર આપવાની યોજના ઘડાઈ છે. પરિણામે ગુજરાતમાં સારસની સંખ્યા 1,300થી વધીને 1,600 થઈ છે.

યોગેશ મ. દલાલ

રા. ય. ગુપ્તે